મેઘ શાહમાં ED અને SEBI ની થઈ શકે છે એન્ટ્રી : તાર દિલ્હીથી દુબઈ સુધી જોડાયા
Gujarat Broker 100 Kg Gold Seizure : પોલીસને પૂરી આશંકા છે કે આ કેસમાં ગોલ્ડ સ્મગલીંગ અને હવાલા કૌભાંડ જોડાયેલું છે. આંગડિયાથી મોટાપાયે સોનાની અને પૈસાની હેરફેર થઈ છે. વિદેશી માર્કોના પકડાયેલા ગોલ્ડ સ્મગલિંગમાં મોટા માથાઓ સંડોવાયેલા છે
Trending Photos
Ahmedabad gold seizure : અમદાવાદના પાલડીમાં આવિષ્કાર ફલેટમાં ઝડપાયેલા 100 કરોડના સોના અને રૂપિયાના તાર આંતરરાષ્ટ્રીય હવાલા, આંગડિયા અને ગોલ્ડ સ્મગલરો સુધી જોડાયેલા હોવાનું ખૂલે તો નવાઈ નહીં, આ ફક્ત 100 કરોડના સોનાની વાત નથી. એટીએસ અને ડીઆરઆઈ બાદ ઈડી અને સેબી પણ આ કેસમાં તપાસ કરી શકે છે. સટ્ટા અને ડબ્બાનો કિંગપીન ગણાતો મહેન્દ્ર શાહ અને મેઘ શાહ તો દુબઈ ભાગી ગયા હોવાની ચર્ચાઓ વચ્ચે મહેન્દ્ર શાહ સાથે સંકળાયેલા શેરબજારના ઓપરેટરો હવે એટીએસના રડારમાં છે.
- 100 કરોડના સોના અને રૂપિયાના તાર આંતરરાષ્ટ્રીય હવાલા, આંગડિયા અને ગોલ્ડ સ્મગલરો સુધી જોડાયેલા હોવાનું ખૂલે તો નવાઈ નહીં
- એટીએસ અને ડીઆરઆઈ બાદ ઈડી અને સેબી પણ આ કેસમાં તપાસ કરી શકે છે
- રાજુ બાર્ટર, જાવેદ બાપુ, અફરોઝ ફટ્ટા, રાજુ મુરલી જેવા નામો ધરાવતા વ્યક્તિઓ સામે પણ પોલીસ કરી શકે છે તપાસ
- અમદાવાદના રાજુ બાર્ટર, ગુરૂગ્રામના ભંડારી અને મહેન્દ્ર શાહ એકબીજા સાથે સંકળાયેલા હોવાની પોલીસને છે આશંકા
- સર્કિટને આધારે કંપનીઓના શેરના ભાવમાં ઉથલ પાથલ કરવામાં મહેન્દ્ર શાહ કિંગપિન
એટીએસ દિલ્હીમાં પણ કરી શકે છે તપાસ
પોલીસને પૂરી આશંકા છે કે આ કેસમાં ગોલ્ડ સ્મગલીંગ અને હવાલા કૌભાંડ જોડાયેલું છે. આંગડિયાથી મોટાપાયે સોનાની અને પૈસાની હેરફેર થઈ છે. વિદેશી માર્કોના પકડાયેલા ગોલ્ડ સ્મગલિંગમાં મોટા માથાઓ સંડોવાયેલા છે. જેમાં દિલ્હીના ગુરૂગ્રામમાં રહેતા શેરબજારના હવાલા અને સટોડિયા સુધી રેલો પહોંચે તો નવાઈ નહીં, સૂત્રો જણાવી રહ્યાં છે કે એટીએસ આ કેસમાં મહાદેવ એપ સાથે જોડાયેલા કેટલાક મોટા પંટરો સુધી પણ પહોંચી શકે છે.
બાપ બેટો ભૂગર્ભમાં ઉતરી ગયા
મૂળ અમદાવાદનો પણ મુંબઈમાં રહેતો મહેન્દ્ર શાહ સટ્ટા અને ડબ્બાનો કિંગપિન છે. જે સર્કિટને આધારે કંપનીઓના શેરના ભાવમાં ઉથલ પાથલ કરવામાં માસ્ટર છે. અનેકવાર બરબાદ થયેલો મહેન્દ્ર શાહ ફરી કરોડોનો આસામી બની ગયો છે. એટીએસ અને ડીઆરઆઈએ પાલડીના ફ્લેટમાંથી 100 કરોડનો દલ્લો પકડ્યા બાદ મહેન્દ્ર અને મેઘ શાહ ફરાર થઈ ગયા છે. કહેવાય છે કે બાપ બેટો સોનાના દાણચોર અને હવાલાના રેકેટ સાથે સંકળાયેલા છે. જોકે આ મામલે પોલીસ તપાસ બાદ જ વિગતો સ્પષ્ટ થઈ શકે છે.
પાલડીના ફ્લેટમાં પકડાયેલા 100 કરોડના સોનામાં મોટાભાગનું સોનું દાણચોરીનું છે. આ સોનામાં માણેક ચોકના વેપારી અનંત શાહ અને વિજય નેપાળીના નામ પણ ખૂલ્યા હોવાની ચર્ચા છે. એટીએસના સૂત્રો કહી રહ્યાં છે કે પોલીસ આ કેસમાં રાજુ બાર્ટર, જાવેદ બાપુ, અફરોઝ ફટ્ટા, રાજુ મુરલી જેવા નામો ધરાવતા વ્યક્તિઓની પણ પૂછપરછ કરી શકે છે. પોલીસને આશંકા છે કે અમદાવાદના રાજુ બાર્ટર, ગુરૂગ્રામના ભંડારી અને મહેન્દ્ર શાહ એકબીજા સાથે સંકળાયેલા છે. જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ આરંભી છે. આગામી દિવસોમાં મુંબઈ અને દિલ્હીમાં પણ કાર્યવાહી થઈ શકે છે. પોલીસને એવી પણ શંકા છે કે દુબઈ અને થાઈલેન્ડથી ઓપરેટ થતા હવાલા કૌભાંડના તાર પણ આ કેસ સાથે સંકળાઈ શકે છે.
100 કરોડનું સોનું તો પાશેરામાં પૂણી સમાન
મહાદેવ એપ સાથે સંકળાયેલા સટ્ટાકિંગો અને હવાલા કૌભાંડીઓ સુધી પણ આ કેસના તાર પહોંચી તેવી પણ શક્યતાઓ છે. બાપ દીકરો મેઘ અને મહેન્દ્ર શાહ હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ આ કેસમાં 10 શેરબજારના ઓપરેટરો સુધી પણ તપાસ લંબાવી શકે છે. 100 કરોડનું સોનું તો પાશેરામાં પૂણી સમાન છે. તટસ્થ તપાસ થાય તો હવાલા, ગોલ્ડ સ્મગલિંગ અને સ્ટોક માર્કેટમાં મોટાપાયે શેરોની ઉથલપાથલ સાથે સંકળાયેલી આ ટોળકી પર સેબી અને ઈડીનો પણ ગાળિયો કસાઈ શકે છે. પિતા પુત્ર રીઅલ એસ્ટેટમાં ફાઈનાન્સ અને રોકડ નાણાં સામે વ્હાઈટની એન્ટ્રીનો ધંધો કરતા હોય શકે તેવી પણ આશંકા છે. મહેન્દ્ર શાહ અને મેઘ શાહ મૂળ ગુજરાતના વાવ થરાદ નજીકના જેતરડા ગામના રહેવાસી છે. અનેકવાર ડૂબી ગયેલા મહેન્દ્ર શાહ અને દીકરા મેઘ શાહને હવે લાંબા સમ સુધી જેલના સળિયા ગણવાનો વારો આવે તો નવાઈ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે