ભાજપે ઉમેદવાર જાહેર કરતા જ અમદાવાદમાં ભડકો થયો, લોકોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો

Updated By: Feb 5, 2021, 10:04 AM IST
ભાજપે ઉમેદવાર જાહેર કરતા જ અમદાવાદમાં ભડકો થયો, લોકોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો
  • ગોતા વોર્ડના ચાણક્યપુરી વિસ્તારમાં લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. મોડી રાત્રે સેંકડો લોકો એકઠા થયા હતા અને જાહેર કરાયેલા ઉમેદવારો સામે વિરોધ કર્યો
  • ચાંદખેડા ભાજપમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. પ્રતિમા સક્સેનાને ટિકિટ આપતા સ્થાનિક મહિલા ઉમેદવારોમાં નારાજગી જોવા મળી

ઝી મીડિયા/બ્યૂરો :ભાજપના ઉમેદવાર (Local Body Polls) જાહેર થતા જ અમદાવાદમાં ભડકો થયો છે. ગોતા, નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં વિરોધના સૂર ઉભા થયા છે. પક્ષે ટિકિટ આપવા માટે નિયમો બનાવ્યા, પરંતુ પોતે જ નિયમોનું પાલન ન કર્યું તેવા સૂર સાથે વિરોધ ઉઠ્યો છે. અમદાવાદમાં અનેક મોટા ગજાના નેતાઓને અપેક્ષા હતી કે તેમને ટિકિટ મળશે. પણ પક્ષે તેમની ઈચ્છા પર કાતર ફેરવી છે. ગોતામાં વોર્ડ પ્રમુખ અને મહામંત્રીના દીકરાને ટિકિટ આપતા વિરોધ થયો છે. તો નારણપુરમાં સ્થાનિક વ્યક્તિને ટિકિટ ન મળતા વિરોધ ઉઠ્યો છે. તો ચાંદખેડામાં પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે.

ગોતા વોર્ડના ભાજપ (BJP) ઉમેદવારોની જાહેરાતને લઈ મોટો વિરોધ થયો હતો. ગોતા વોર્ડના ચાણક્યપુરી વિસ્તારમાં લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. મોડી રાત્રે સેંકડો લોકો એકઠા થયા હતા અને જાહેર કરાયેલા ઉમેદવારો સામે વિરોધ કર્યો હતો. લોકોએ ‘ભાજપના હાય હાય’ના નારા પણ લગાવ્યા હતા. ગોતા વોર્ડમાં પસંદ કરાયેલા ઉમેદવારો સામે નારાજગી સ્પષ્ટ દેખાઈ આવી છે. ભાજપના પસંદ કરાયેલા ઉમેદવારો સામે રોષ જોવા મળ્યો. કેતન પટેલ વોર્ડ પ્રમુખ હોવા છતાં તેના પર પસંદગી કરી. તો અજય દેસાઈ મહામંત્રીનો દીકરો હોવા છતાં પણ પસંદગી કરાતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે. 

આ પણ વાંચો : વ્હાલાદવલાના રાજકારણમાં ભાજપે પીએમ મોદીની ભત્રીજીને ન આપી ટિકિટ 

તો નારણપુરા વિસ્તારમાં ભાજપના નિર્ણય સામે વિરોધ ઉઠ્યો હતો. સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ ન મળતાં લોકોએ હોબાળો કર્યો હતો. રિઝર્વ સીટમાં બીનદાબેન સુરતીને ટિકિટ અપાતા મંગલમુર્તિના સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. લોકોએ પરિવારવાદ બંધ કરવાના નારા લગાવ્યા હતા. 

ચાંદખેડા ભાજપમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. પ્રતિમા સક્સેનાને ટિકિટ આપતા સ્થાનિક મહિલા ઉમેદવારોમાં નારાજગી જોવા મળી. શહેર કાર્યાલય ખાતે મહિલા કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. પ્રતિમા સક્સેના સ્કાયલેબ હોવાની રજૂઆત કરાઈ હતી. વર્ષો જુના કાર્યકર્તાઓની અવગણના કરાઈ હોવાની રજૂઆત કરાઈ હતી. 

આ પણ વાંચો : આજે વિજય મુહૂર્તમાં ભાજપના 575 ઉમેદવારો ફોર્મ ભરશે

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગર પાલિકામાં યુવા મોરચાના 9 કાર્યકર્તાઓને ભાજપે ટિકિટ આપી છે. જેમાં વિરલ વ્યાસ, કરણ ભટ્ટ, ઉમંગ નાયક, પ્રકાશ ગુર્જર, પવન શર્મા, ડૉ. ચાંદની પટેલ, નિલય શુક્લા, દિશાન્ત ઠાકોર અને હેમંત પરમારને ટિકિટ આપવામાં આવી છે.