)
Dakor News : ગુજરાતમાં બ્રિજની માઠી દશા બેઠી છે. પુલો તૂટવાની ઘટનાઓ બાદ હવે બ્રિજ પર કરંટ લાગવાના કિસ્સા સામે આવ્યા છે. હા જી... ગુજરાતના એક બ્રિજ પરથી પસાર થતા સમયે લોકોને કરંટ લાગી રહ્યો છે.
ડાકોર ઓવર બ્રિજ પર આવે તો કરંટથી સાવધાન રહેજો. ડાકોર ઓવર બ્રિજ પર કરંટ લીકેજ થવાની ઘટના સામે આવી છે. કરંટ લીકેજ થતા બ્રિજ પરથી પસાર થઈ રહેલા અંબાજીના પદયાત્રીને ઝટકો લાગ્યો હતો.
બે દિવસ બાદ ઠાસરા ખાતે આવી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવાસ પહેલા તંત્રની પોલ ખુલી પડી છે. અગાઉ એક વર્ષ પહેલા પણ આ બ્રિજ ઉપરથી અંબાજી તરફ પસાર થઇ રહેલા વડોદરાના સંઘના પદયાત્રીને કરંટ લાગ્યો હતો. ત્યારે આ વર્ષે પણ એ જ સંઘના પદયાત્રીને માયનોર કરંટનો ઝાટકો લાગ્યો છે. જેથી ડાકોર ઓવર બ્રિજ પર માર્ગ અને મકાન વિભાગના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની પોલ ખુલી છે.
ડાકોર ઓવરબ્રિજ પર કરંટ લાગવાનો ખતરો, ઓવરબ્રિજ પર કરંટ લીક થતો હોવાની ઘટના#kheda #dakor #overbridge #gujaratinews pic.twitter.com/pCKtJZyLLv
— Zee 24 Kalak (@Zee24Kalak) August 28, 2025
તંત્રની બેજવાબદાર કામગીરીને લઈને કોઈ નિર્દોષને જીવ ગુમાવવાનો વારો આવે તેમાં નવાઈ નહીં. સમગ્ર ઘટનાને પગલે જાગૃત નાગરિક દ્વારા માર્ગ અને મકાન વિભાગ ના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના અધિકારીને ટેલિફોનીક જાણ કરવામાં આવતા તેઓ ફોન પણ ઉઠાવાની તસ્દી ન લેતા હોવાનું સામે આવ્યું. આવા બેજવાબદાર અધિકારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આમ, ડાકોર એ ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે, જ્યા રોજના હજારોની સંખ્યામાં યાત્રીઓ આવતા હોય છે. તો બીજી તરફ અંબાજી તરફ જતા પદયાત્રીઓ વધી રહ્યા છે. આવામાં ડાકોર ઓવરબ્રિજ પર કરંટ લાગવાનો ખતરો મંડરાયો છે. ઓવરબ્રિજ પર કરંટ લીક થતો હોવાની ઘટના સામે આવી છે. બ્રિજ પરથી પસાર થતા પદયાત્રીઓને ઝટકો લાગ્યો હતો.