ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરીયર્સની ભૂમિકા” વિષય પર યોજાશે નિબંધ સ્પર્ધા

“ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરીયર્સની ભૂમિકા” આ વિષય પર રાજ્યની તમામ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી કક્ષાની નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા અને ચિત્ર જેવી વિવિધ ડીજીટલ સ્પર્ધાઓ યોજાશે.

Updated By: May 4, 2020, 12:45 AM IST
ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરીયર્સની ભૂમિકા” વિષય પર યોજાશે નિબંધ સ્પર્ધા

હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિને ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના કોરોના વોરિયર્સ વિશે ચિત્ર, નિબંધલેખન અને કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓએ ઘરે બેઠા બેઠા સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. પ્રાથમિક વિભાગ ધોરણ ૩ થી ૮ અને માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ ૯ થી ૧૨ એમ બે વિભાગમાં સ્પર્ધા યોજાશે.

વિદ્યાર્થીએ નિબંધ અને કાવ્ય લેખન ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી એમ કોઈપણ ભાષામાં કાગળની એક બાજુએ સુવાચ્ય અક્ષરે લખવાનો રહેશે. જ્યારે  ચિત્ર સ્પર્ધા માટે લૉકડાઉનના સંજોગો હોય  ડ્રોઈંગ પેપર ઉપલબ્ધ ન હોય તો પોતાના ઘરમાં ઉપલબ્ધ સારા કાગળમાં ચિત્ર દોરવાનું રહેશે અને કોઈપણ કલરનો ઉપયોગ કરી શકાશે. વિદ્યાર્થી વધુમાં વધુ બે  સ્પર્ધામાં ભાગ લઇ શકશે. 

દરેક કૃતિ ઉપર સ્પર્ધકનું નામ, ધોરણ, શાળાનું નામ, વિભાગઃ પ્રાથમિક/માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો ડાયસ કોડ, વાલીનું ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર પણ લખવાનો રહેશે. ભાગ લેનાર વિદ્યાર્થીએ પોતાની કૃતિ તા.૧૦-૫-૨૦૨૦ સુધી પોતાના જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇમેલ એડ્રેસ પર ઈમેલથી અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. 

આ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ દરેક સ્પર્ધા અને વિભાગમાં પ્રથમ ક્રમે રૂપિયા ૧૫૦૦૦, દ્વિતીય ક્રમે રૂપિયા ૧૧,૦૦૦ અને તૃતીય ક્રમે  રૂપિયા ૫૦૦૦નો રોકડ પુરસ્કાર તથા રાજયકક્ષાએ પાંચ વિજેતાઓને દરેક કેટેગરીમાં રૂપિયા ૨૫,૦૦૦ નો પુરસ્કાર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. 

તેવી જ રીતે “ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરીયર્સની ભૂમિકા” આ વિષય પર રાજ્યની તમામ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી કક્ષાની નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા અને ચિત્ર જેવી વિવિધ ડીજીટલ સ્પર્ધાઓ યોજાશે. આ માટેની જરૂરી માહિતી જે તે યુનિવર્સિટીની વેબસાઈટ પરથી મેળવી શકાશે. આ માટેના નિયમો, ઇનામ વિતરણ, કક્ષા તથા અન્ય માહિતી માટે જે તે યુનિવર્સિટીના રજીસ્ટ્રારનો સંપર્ક કરવાનો રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા તમામ યુનિવર્સિટીઓ માટેની અંતિમ તા.૧૦-૫-૨૦૨૦ રહેશે. 

ગુજરાત ગૌરવ દિનની ઉજવણી નિમિત્તે યોજાનાર આ સ્પર્ધાઓ વધુમાં વધુ સ્પર્ધકો ભાગ લઇ કોરોના વોરિયર્સ-યોદ્ધાઓને અભિનંદિત કરે તેવી અપીલ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર