'અલ્પેશ ઠાકોરે ભાજપને જીતાડવાનું કામ કર્યું', રાધનપુરના પૂર્વ MLAના નિવેદનથી ખળભળાટ

રાધનપુરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં હાજરી આપવા આવેલા ભાવસિંહ રાઠોડે અલ્પેશ ઠાકોર વિશે નિવેદન આપ્યું.

Updated By: May 25, 2019, 11:22 PM IST
'અલ્પેશ ઠાકોરે ભાજપને જીતાડવાનું કામ કર્યું', રાધનપુરના પૂર્વ MLAના નિવેદનથી ખળભળાટ
ફાઇલ ફોટો

પ્રેમલ ત્રિવેદી, પાટણ: લોકસભા ચૂંટણી 2019 હમણા જ પૂરી થઈ અને 23મી એ તેના પરિણામ પણ આવી ગયાં. આખા દેશમાં મોદીની લહેર નહીં પરંતુ સુનામી જોવા મળી. વિરોધીઓના સૂપડાં સાફ થઈ ગયાં. ગુજરાતમાં પણ તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ અને તે પણ જંગી લીડ સાથે. જો કે આ બધા વચ્ચે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડે કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા નેતા અલ્પેશ ઠાકોર વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે. તેમણે તો એમ પણ કહ્યું કે અલ્પેશ તો ભાજપમાં જ છે. 

તેમના નિવેદનનો વીડિયો જુઓ...

રાધનપુરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં હાજરી આપવા આવેલા ભાવસિંહ રાઠોડે અલ્પેશ ઠાકોર વિશે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે, કેબિનેટ મંત્રી પણ બનશે. તેમણે કહ્યું કે અલ્પેશ ભાજપમાં જ છે. કોંગ્રેસ ખોટી પાછળ પડી છે ધોકો લઈને. તેમણે કહ્યું કે કોંગ્રેસવાળા હવે પાછા લેવાના નથી. કોંગ્રેસને અલ્પેશે નુકસાન તો કર્યું જ છે. થરાદમાં ઉમેદવાર ઊભો રાખીને ભાજપને જીતાડવાનું કામ તો તેણે જ કર્યું છે. અત્યારે અલ્પેશ ભાજપનો જ છે. તેમણે તો એવા પણ એંધાણ આપ્યાં કે અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને 6 મહિનામાં ફરીથી ચૂંટણી લડશે. રાધનપુર સીટ પરથી ભાજપમાંથી તેઓ ચૂંટણી લડે તેવા સંકેત તેમણે આપ્યાં. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે અલ્પેશ ઠાકોરે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતાં. જો કે તાજેતરમાં જ તેમણે પોતાના સન્માનના મુદ્દે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે ભાવસિંહ રાઠોડના નિવેદનમાં કેટલું તથ્ય છે?

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...