)
Gandhinagar News: ગુજરાતના માજી સૈનિકો ફરી એકવાર સરકાર સામે મોરચો માંડવા તૈયાર થઈ ગયા છે. સરકાર દ્વારા માજી સૈનિકોને સહાય આપવા માટે બનાવવામાં આવેલા નિયમોનું પાલન ન થતું હોવાનો આરોપ લગાવી આ વખતે તેઓ રાજ્યવ્યાપી 'સૈનિક સ્વાભિમાન યાત્રા' કાઢીને પોતાનો વિરોધ નોંધાવશે. આ યાત્રા થકી તેઓ સરકારનું ધ્યાન ખેંચીને પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા દબાણ કરશે.
શુક્રવારથી ખેડાથી આ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ યાત્રા આગામી 16 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરશે. આ યાત્રામાં અંદાજે 70,000થી વધુ માજી સૈનિકો જોડાશે એવી શક્યતા છે.
મુખ્ય મુદ્દાઓ અને માગણીઓ
માજી સૈનિકોના 12 જેટલા મુખ્ય પ્રશ્નોને લઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનામત અને હથિયારના લાયસન્સ જેવા મુદ્દાઓ મુખ્ય છે. આ સિવાય, તેમને મળતી સહાય, આરોગ્ય સુવિધાઓ અને અન્ય સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે તેવી તેમની માગણી છે.
અગાઉના આંદોલનો અને હવેની રણનીતિ
માજી સૈનિકો 2022થી સતત રજૂઆતો, આંદોલનો અને વિધાનસભા ઘેરાવ જેવા કાર્યક્રમો કરી રહ્યા છે. અનેક પ્રયાસો છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા, અને તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન શહીદની પત્નીની ધરપકડ કરવામાં આવતા તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી હતી. આ જ કારણોસર, આ વખતે આંદોલનને વધુ વેગ આપવા અને વ્યાપક જનસમર્થન મેળવવા માટે આ 'સૈનિક સ્વાભિમાન યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાના અંતે ગાંધીનગર અને અમદાવાદમાં વિશાળ જનસભા પણ યોજવામાં આવી શકે છે, જ્યાં તેઓ સરકાર સમક્ષ પોતાની માગણીઓ પ્રબળતાથી રજૂ કરશે.