ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, ભારે વરસાદની આગાહી વચ્ચે નદીઓ વહી

Gujarat Rain Alert : ગુજરાતમાં આગાહી મુજબ વરસાદ આવ્યો... આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં ભરપૂર વરસાદ નોંધાયો... તેમાં પણ ધારીમાં મુશળધાર વરસાદ બાદ નદીઓ વહી
 

ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, ભારે વરસાદની આગાહી વચ્ચે નદીઓ વહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળ્યો છે. આજે આગાહી મુજબ ગુજરાતના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ પંથકમાં વરસાદ નોંધાયો હતો. તેમાં ધારીના ગીર પંથકમાં તો મુશળધાર વરસાદ વરસ્યો હતો. 

ભાવનગરમાં આગાહીના પગલે ભાવનગર શહેર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરમાં બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારે ઘોઘા, તળાજા, મહુવા અને જેસરના ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ થયો હતો. જ્યારે શહેરમાં ઉઘાડ નીકળ્યા બાદ ફરી વાદળો ઘેરાયા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો. વરતેજ, કમળેજ, નારી, ભાલ પંથક સહિત વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થયો હતો. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી આંશિક રાહત મળી છે. 

ભાવનગર જિલ્લામાં આજનો વરસાદ

  • ગારિયાધાર-30mm
  • પાલીતાણા-20mm
  • ઉમરાળા -16mm
  • ભાવનગર -15mm
  • ઘોઘા -10mm

બપોર બાદ વરસાદની ધમાકેદાર બેટિંગ
ભાવનગર જિલ્લામાં બપો રબાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના જેસર તાલુકા પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. જેસરના શાંતિનગર, કોટામુઈ, બિલા, તાતણીયા, ઉગલવાણ, છાપરયાળીમાં વરસાદ નોંધાયો. કમોસમી વરસાદના કારણે ડુંગળી, બાજરી, જુવાર, તલ, કેળ, કેરી સહિતના પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. 

ધારી ગીર પંથકમાં મેઘો મુશળધાર
અમરેલીના ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધારી ગીરના મોણવેલ, વાવડી, દલખાણીયા, હાલરીયા, લાખાપાદર, આંબરડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો. ધારીના ગીર વિસ્તારની સ્થાનિક નદીઓ થઈ વહેતી થઈ. 

જુનાગઢમાં પણ વરસાદ
કેશોદમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો. સવારમાં ઉકળાટ અને બપોર બાદ શહેરમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને લઈને ખેડૂતને મોટાપાયે નુકસાની જોવા મળી છે. ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાયો હોય તેવું લાગ્યું. તલ, અદડ, મગ જેવા પાકને ભારે નુકસાન છે. ઉનાળુ પાકને ભારે નુકસાનથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. 

ગીર સોમનાથમાં પણ વરસાદ
ગીર ગઢડા તાલુકાના ગીર જંગલમાં જામવાળા ખાતે ફરી વરસાદ શરૂ થયો. છેલ્લા ચાર દિવસથી બપોર બાદ આ વિસ્તારમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદને લઈને ઝાડ ઉપર રહેલ કેસર કેરી તૂટી પડી જેથી બાગાયતી ખેડૂતોને ભારે નુકસાની જોવા મળી.

ગઢડા મીની વાવાઝોડું ફૂંકાયું
ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં નાના ઝીઝાવદર ગામે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. જેથી વાડીઓમાં પતરાના શેડ ઉડયા હતા. બપોર બાદ નાના ઝીઝાવદર ગામે જોરદાર પવન સાથે કમોસમી વરસાદ થતા વાડી વિસ્તારમાં નુકસાની જોવા મળી છે. કમોસમી વરસાદને કારણે ખેતીમાં બાજરી, જુવાર સહિતનાં પાકોને વ્યાપક નુકસાની જોવા મળી. ઝીઝાવદર, લાખણકા, ઉગામેડી, અડતાળા, ખોપાળા સહિત ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો. ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છવાયેલો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news