ગૌરવ દવે, રાજકોટઃ દેશભરમાં આજે વિઘ્નહર્તા દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ ચતુર્થી નિમિતે રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ''ગણપતિ મંગળ મહોત્સવ''નું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના ગણપતિ મહોત્સવના આયોજનમાં કાર્યકરોની ઓછી હાજરી જોવા મળી હતી. ભાજપનો આંતરિક જૂથવાદ ગણેશ મહોત્સવમાં પણ જોવા મળતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ હતી. પૂર્વ મંત્રી અચાનક જ ભાજપના કાર્યક્રમમાં આવતા કાર્યકરો ચોંકી ઉઠ્યા હતા. જ્યારે વર્ષો થી ગણેશ મહોત્સવનું સંચાલન કરતા ભંડેરી-ભારદ્વાજની ગેર હાજરી જોવા મળી હતી.
ગણેશ મહોત્સવમાં જોવા મળ્યો આંતરિક જૂથવાદ
રાજકોટ શહેર ભાજપના આંતરિક જૂથવાદ હવે ગણેશ મહોત્સવમાં પણ જોવા મળી રહ્યો છે. આજે ગણેશ ચતુર્થી નિમિતે મેયર બાંગ્લા ખાતે થી રેસકોર્ષ મેદાન સુધી વાજતે ગાજતે દુંદાળા દેવ ગણપતિને પંડાલ સ્થાપના કરવામાં આવી. પરંતુ મેયર બંગલે પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ આવ્યા હતા. જોકે વર્ષોથી ગણેશ મહોત્સવનું સંચાલન કરનારા નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીની ગેર હાજરી જોવા મળી હતી. જોકે અચાનક જ આજે ભાજપના ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી પહોંચતા કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા હતા.
રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયાને રાજકોટ શહેર ભાજપના કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવતું નથી તેવો મુદ્દો ઉઠ્યો હતો જોકે આજે ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં રામભાઈ મોકરિયાની પણ ગેર હાજરી જોવા મળી હતી. એટલું જ નહીં રાજકોટ શહેરમાં 18 વોર્ડમાં ભાજપના 68 નગર સેવકો છે પરંતુ 75 ટકા નગર સેવકો ''ઘેર'' હાજર રહ્યા હતા અને આવ્યા નહોતા. આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ કહ્યું હતું કે, ગણેશ મહોત્સવના કાર્યક્રમ અંગે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યા જ છે. કોઈ ગેર હજાર છે તે પોતાના અંગત કારણોસર કામથી બહાર હોવાથી આવી શક્યા નહિ હોય. જોકે નગર સેવકો કેમ ઉપસ્થિત રહ્યા નથી તેની સાથે ટેલીફોનિક વાત કરી માહિતી મેળવી લઈશ. ધારાસભ્ય ઉદય કાનગડ ગઈકાલે કમિટીની બેઠકમાં હજાર હતા અને આવશે. પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અમારા મોટા નેતા છે અને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરની પૂર્વ બેઠકના ધારાસભ્ય ઉદય કાનગડ ગણેશ પંડાલ ખાતે મોડા પહોંચ્યા હતા અને જૂથવાદ મુદ્દે કહ્યું હતું કે, રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ છે નહીં અને આજે રાજકીય કોઈ નિવેદન આપવું નથી. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અમારા કાર્યકર છે જ અને તેને આમંત્રણ આપવાનું ન હોઈ આવી જ જવાનું હોય. જે લોકો ગેર હજાર છે તેમા તેના વિસ્તારમાં પણ ગણેશ પંડાલો હોવાથી ત્યાં પણ હાજરી આપી હોઈ શકે છે. જોકે મંત્રી મંડળમાં ફેરફાર થવા મુદ્દે ઉદય કાનગડે બોલવાનું ટાળ્યું હતું અને શીર્ષ નેતૃત્વ નિર્ણય કરે તેવો જવાબ આપ્યો હતો. જ્યારે રાજકોટ શહેર પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડો. દર્શીતા શાહે કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સાથે ગઈકાલે થયેલી બેઠકમાં સી. આર. પાટીલે માહિતી આપી છે જેની જાહેરાત તેમના દ્વારા જ કરવામાં આવશે.
રાજકોટ શહેર ભાજપ દ્વારા કાર્યક્રમોમાં વરિષ્ઠ નેતાઓની બાદબાકી થતી હોવાથી રાવ પ્રદેશ અધ્યક્ષ સુધી થતા રાજકારણ ગરમાયુ છે. પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજકોટ શહેર ભાજપ પ્રમુખને ટેલીફોનિક વાત કરી ઠપકો આપ્યો અને ભાજપનો આંતરિક જૂથવાદ સંપૂર્ણ પૂર્ણ કરી તમામ લોકોને સાથે જોડાવા સૂચના આપવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણીને ભાજપના કાર્યક્રમોમાં બોલાવવા માટે સૂચના મળતા રાજકીય ગરમાવો શરૂ થયો છે.