આરોગ્ય સાથે ખેલ : દુકાનમાં દવાખાનુ ખોલીને બેસેલો નકલી ડોક્ટર ભાવનગરથી પકડાયો 

આરોગ્ય સાથે ખેલ : દુકાનમાં દવાખાનુ ખોલીને બેસેલો નકલી ડોક્ટર ભાવનગરથી પકડાયો 
  • ગુજરાતના અનેક જિલ્લાઓમાં નકલી ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે, કોઈ પણ જાતના તબીબી અભ્યાસ વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાંથી કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર દુકાન પર દવાખાનું લખી ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટરને એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યો છે. નકલી ડોક્ટર પાસેથી મેડિકલના સાધનો, અને દવાનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો અને શહેરના ગંગાજળિયા પોલીસ મથકે નકલી ડોક્ટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ખુલ્લેઆમ ચાલી રહ્યો હતો ડોક્ટરનો કારોબાર

ગુજરાતના અનેક જિલ્લાઓમાં નકલી ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે, કોઈ પણ જાતના તબીબી અભ્યાસ વગર લોકોના આરોગ્ય સાથે ખેલ ખેલી રહ્યાં છે. અનેક લેભાગુ તત્વો નકલી ડોક્ટર બની લોકોને લૂંટી રહ્યા છે. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. એવામાં શહેરના કરચલિયા પરા વિસ્તારમાં આવેલા વાલકેટ ગેટ નજીક ચાલતા નકલી ડોક્ટરના કારોબારનો એસ.ઓ.જીએ પર્દાફાશ કર્યો છે.

સુભાષનગરનો ઈસમ ચલાવતો હતો દવાખાનું

એસ.ઓ.જી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન વાલકેટ ગેટ પાસેના ટેકરી ચોક વિસ્તારમાં આવેલી ખુલ્લી દુકાન પર દવાખાનાનું બોર્ડ માર્યું હતું તેના પર તેમની નજર ગઈ. શના સુભાષનગર વિસ્તારમાં રહેતા નકલી ડોક્ટર પ્રવિણ પરષોત્તમ સોલંકી પાસે પોલીસે ડોક્ટર હોવા અંગેનું સર્ટિફિકેટ માંગતા તેણે પોતાની પાસે કોઈ ડોક્ટરી સર્ટિફિકેટ નહિ હોવાનું અને કોઈ પણ જાતની ડોક્ટરી ડિગ્રી વગર પોતે દવાખાનું ચલાવતો હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે નકલી ડોક્ટર સાથે દવાનો જથ્થો ઝડપી લીધો

પોલીસે ઝડપાયેલા નકલી ડોક્ટરની પૂછપરછ કરતા તે પોતે કોઈ પ્રકારની ડિગ્રી ધરાવતો નહિ હોવાનું જણાવ્યું હતું. જેથી એસઓજીએ નકલી ડોક્ટરના દવાખાનામાંથી જુદી જુદી કંપનીની દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલના સાધનો સહિત કુલ 13,134 રૂપિયાના મુદ્દામાલ સાથે નકલી ડોક્ટરને ઝડપી લીધો છે. શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news