)
Ahmedabad News: ગુજરાતમાં નકલી અધિકારી હજી નથી અટકી રહ્યા ત્યારે વધુ એક વખત અમદાવાદ શહેર પોલીસે નકલી જેલરની ધરપકડ કરી છે. આ વખતે અમદાવાદ ઝોન 2 ડીસીપીની એલસીબી સ્કોર્ડે ઇસનપુરના રહેવાસી અને નકલી જેલર બની ધાકધમકી આપીને રૂપિયાની માંગણી કરનાર રાજેશ ઉર્ફે ચકો ત્રિવેદી નામના શખ્સની ધરપકડ કરી છે.
આરોપીએ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બ્લેકમેઇલીંગના ગુનાના આરોપીની પત્નીને ફોન કરીને નાણાંની માંગણી કરી હતી. આરોપીએ પોતે લાજપોર જેલમાં જેલર હોવાનું કહીને જેલમાં વીઆઈપી સુવિધાઓ આપી હોવાથી પૈસાની માંગણી કરી હતી. મહિલાએ પૈસા આપવામાં આનાકાની કરતા આરોપીએ જેલર તરીકેની ઓળખ આપીને ધમકીઓ પણ આપી હતી. જે બાબતને લઈને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે અમદાવાદ ઝોન 2 ડીસીપીની એલસીબી સ્કોડે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે સુરત પોલીસના હવાલે કર્યો છે.
આ રીતે મેળવતો હતો સરનામા અને મોબાઈલ નંબર
અમદાવાદ ઝોન 2 LCBના હાથે ઝડપાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, તે માત્ર 10 ધોરણ જ પાસ છે અને આ ગુના કરવા માટે અલગ-અલગ ન્યૂઝ ચેનલ સમાચાર પત્રમાં પ્રસારિત થતા ક્રાઇમને લગતી ઘટનાઓ જોઇને તેમાંથી બનાવની વિગત મેળવીને આરોપીઓના સગા સંબંધીઓના નામ સરનામા કે મોબાઈલ નંબર મેળવી લેતો હતો અને બાદમાં જસ્ટ ડાયલમાં ફોન કરીને જે તે પોલીસ સ્ટેશનનો નંબર મેળવીને પોલીસ સ્ટેશનમાં ફોન કરતો હતો.
આરોપી પોતે પોલીસે પકડેલ આરોપીના વકીલ તરીકેની ઓળખ આપીને આરોપી અંગેની માહિતી મેળવતો હતો. બાદમાં આરોપીના પરિવારજનોને ફોન કરીને પોતે જેલના જેલર તરીકેની ઓળખ આપીને જેલમાં સુખ સુવિધાઓ આપવાની લાલચ આપીને રૂપિયાની માંગણી કરતો હતો. જો રૂપિયા મુકવામાં નહીં આવે તો જેમાં આરોપીને માર મારવા સહિતની ધાકધમકી આપતો હતો. આવા પ્રકારના અનેક લોકોને ફોન કરી ચુક્યો છે. જેમાંથી અનેક લોકોએ પૈસા આપ્યા છે તો અમુક લોકોએ સુવિધા નથી જોતી કહીને ફોન મૂકી પણ દીધા હતા.
અગાઉ પણ નકલી ઓફિસર બની પડાવ્યા છે રૂપિયા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ પણ રામોલ, બાપુનગર, કાલુપુર, અમરેલી, ગાંધીનગરમાં અલગ-અલગ 6 ગુના દાખલ થઇ ચુક્યા છે. અગાઉ પણ તે નકલી ફુડ સેફટી ઓફિસર, નકલી પોલીસ, નકલી મામલતદાર અને નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને ગુના આચર્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને છ મોબાઇલ ફોન, એટીએમ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વધુ તપાસ માટે સુરત પોલીસને હવાલે કર્યો છે. ત્યારે સુરત પોલીસની તપાસમાં વધુ ગુનાનો ભેદ ઉકેલી શકે છે.