હનીફ ખોખર, જૂનાગઢ: એક તરફ લૂંટફાટ અને ચિટિંગનો હળાહળ કળિયુગનો સમય ચાલી રહ્યો છે ત્યારે આ યુગના ખારા રણમાં મીઠી વીરડી સમાન પ્રામાણિક લોકો પણ જોવા મળે છે. વાત જાણે એમ છે કે એક વેપારીની 4 લાખ રૂપિયા ભરેલી બેગ રસ્તા ઉપર પડી ગઈ હતી. અને એ બેગ જે ભાઈને મળી તેમણે યેનકેન પ્રકારે બેગના માલિક તેવા વેપારીની શોધ કરીને તે બેગ તેમને પરત આપી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાજી ફારૂકભાઈ દુરવેસ જૂનાગઢમાં વૉટર સપ્લાયનું કામ કરે છે. ઘટનાના દિવસે ફારૂકભાઈ પાણીનું ટેન્કર લઈને જઈ રહ્યા હતા ત્યારે સરદારબાગ પાસેના રોડ ઉપરથી તેમને એક બેગ મળી આવી હતી, બેગ ખોલતા જ તેમાંથી 4 લાખ રૂપિયા કેશ અને એક બેંકની સ્લીપ બુક મળી હતી. 5 ટાઇમની નમાજ અદા કરનાર હાજી ફારૂકભાઈએ પોતાની ખાનદાની દાખવીને તુરંત વેપારી ભાવિનભાઈ કારીયાનો સંપર્ક કરી ચાર લાખ ભરેલી બેગ ભાવિનભાઈ સોંપી દઈને પ્રમાણિકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.


જેમની બેગ પડી  ગઈ હતી તે ભાવિનભાઈ કારિયા નામના વેપારી જૂનાગઢમાં ગેસ એજન્સીમાં મેનેજર તરીકે કામ કરે છે અને ગેસ એજન્સીના ચાર લાખ રૂપિયાની બેગ લઈને બેંકમાં જમા કરાવવા જતા હતા ત્યારે રસ્તામાં બેગ પડી ગઈ હતી. ખબર પડતા જ શોધખોળ કરી પરંતુ બેગ ના મળતા તેમને માંડી વાળ્યું હતું અને પોતાના નસીબને કોસી રહ્યા હતા. ત્યાંજ હાજી ફારૂકભાઈ દુરવેસનો તેમને ફોન આવ્યો અને ભાવિનભાઈ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. ભાવિનભાઈએ જણાવ્યું હતું કે ફારૂકભાઈએ સમાજને પ્રમાણિકતાનો અનોખો મેસેજ આપ્યો છે.


એક તરફ આજે મોટા ભાગના લોકો ફ્રોડ, ચિટિંગ અને છેતરપીંડી કરી સમાજને લૂંટી રહ્યા છે ત્યારે આવા સમયમાં પ્રમાણિક અને ઇમાનદાર એવા ફારૂકભાઈ દુરવેસે પોતાને રસ્તા ઉપરથી મળેલા ચાર લાખ રૂપિયા જેવી માતબર રકમ મૂળ માલીકને શોધીને અર્પણ કરતા જૂનાગઢ શહેરમાં ખુબજ ખુશી વ્યાપી છે.