Bhavnagar News: ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રહેલા પોલીસકર્મીઓ પર એક આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ત્રણ પોલીસ જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની વિગતવાર માહિતી મુજબ, ઉમરાળા પોલીસના ત્રણ કર્મચારીઓ એક આરોપીને પકડવા માટે ગયા હતા, ત્યારે આરોપીએ તેમના પર જીવલેણ હુમલો કર્યો.
આ હુમલામાં, ઉમરાળા ટાઉન બીટના પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમની સાથે અન્ય બે પોલીસકર્મીઓ મહેન્દ્રસિંહ ગોહિલ અને પોલીસ વાહનના ડ્રાઇવરને પણ ઇજાઓ થઈ છે.
હુમલા બાદ, ઈજાગ્રસ્ત ત્રણેય પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર માટે ઉમરાળાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલની હાલત વધુ ગંભીર જણાતા તેમને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
પોલીસ પર હુમલો કરનાર આરોપીનું નામ રમકુ સાગર ચારોલા ઉર્ફે મુન્નો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ આરોપીને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં પોલીસની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.