)
Seventh Day School: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ધોરણ 10ના વિદ્યાર્થી નયનનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બાદ શાળાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોત બાદ એક ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો હોવાની વાત સામે આવી છે. ટોળામાં વાલીઓએ સ્કૂલમાં તોડફોડ કરી હતી અને પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી દીધી હતી. બાદમાં એક સ્ટાફને પણ માર માર્યો હોવાની વાત સામે આવી છે. સાથે પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સાથે બોલાચાલી થઈ હતી. વાલીઓએ શાળાની બિલ્ડિંગના દરવાજા અને કાચ ફોડ્યા હતા, સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસ પણ શાળાએ પહોંચી હતી.
પોલીસની સામે પણ લોકોના ટોળાએ સ્ટાફને માર મારવાનું ચાલું રાખ્યું હતું. બાદમાં આક્રોશિત ટોળાએ શાળાની બહાર આવીને રોડ પર બેસીને ચક્કાજામ કર્યો . સ્કૂલ બહાર 2 હજાર કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને હાય હાયના નારા લગાવ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બાદ મણિનગરના ધારાસભ્ય, ડીસીપી બળદેવ દેસાઈ અને ACP સ્કૂલે પહોંચી ગયા છે. સાથે જ બજરંગ દળ, VHP, ABVPના કાર્યકર્તાઓ કેસરી ખેસ પહેરી જય શ્રીરામના નારા લગાવી શાળાએ પહોંચ્યા હતા.
શું હતી ઘટના?
આ ઘટના પાછળનું કારણ બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી જૂની અદાવત કારણભૂત છે. મળતી માહિતી મુજબ ધોરણ 8 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે સીડી પર ધક્કો લાગવાને લઈને થોડા દિવસો પહેલા તકરાર થઈ હતી. આ અદાવતને કારણે જ ધોરણ 8ના એક વિદ્યાર્થીએ ધોરણ 9 અને 10ના અન્ય વિદ્યાર્થીઓને સાથે રાખીને નયન પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલો શાળાની બહાર થયો હતો. હુમલા બાદ નયન પેટ પકડીને શાળામાં આવ્યો હતો. તેને રિક્ષામાં બેસાડીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હત્યા કરનાર કિશોર શાહઆલમનો રહેવાસી છે અને ખોખરા પોલીસે તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
શાળા સામે વાલીઓની નારાજગી અને ગંભીર આરોપો
આ ઘટના બાદ વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગુસ્સે ભરાયેલા વાલીઓએ શાળા પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.
સુરક્ષાનો અભાવ:
વાલીઓનું કહેવું છે કે શાળામાં બાળકો સુરક્ષિત હોવા જોઈએ, પરંતુ આ ઘટનાએ સાબિત કર્યું છે કે બાળકો અહીં સુરક્ષિત નથી.
રજૂઆતોને અવગણના
કેટલાક વાલીઓએ જણાવ્યું છે કે જ્યારે બાળકો કોઈ પણ રજૂઆત કરે છે, ત્યારે શિક્ષકો તેને "ઇગ્નોર કરવા" માટે કહે છે.
હુમલા સમયે મદદ ના મળી!
વાલીઓનો આરોપ છે કે જ્યારે નયન પર હુમલો થયો, ત્યારે શાળામાંથી કોઈએ તેને મદદ ન કરી.
છરી સાથે શાળામાં વિદ્યાર્થીનો પ્રવેશ
ધોરણ 8નો વિદ્યાર્થી છરી સાથે શાળામાં કઈ રીતે પ્રવેશ્યો, તે મોટો સવાલ છે. આ અંગે શાળાનું કહેવું છે કે તેઓ રોજ બાળકોની તપાસ કરે છે, અને કદાચ બાળકે શાળાની બહાર ગાડીમાં છરી રાખી હશે. જોકે, ધોરણ 8નો વિદ્યાર્થી ગાડી લઈને કઈ રીતે આવ્યો, તે પણ મોટો સવાલ છે.
શાળાનું નિવેદન અને આગળની કાર્યવાહી
આ મામલે શાળાના એડમિન મયુરીકા પટેલે નિવેદન આપ્યું છે કે થોડા દિવસો પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાને કારણે તકરાર થઈ હતી. તેમણે જણાવ્યું કે બાળકે શાળામાં આ અંગે રજૂઆત નહોતી કરી, પરંતુ વાલીને જાણ કરી હતી. તેમણે દાવો કર્યો કે ઘટના શાળાની બહાર બની હતી. આ ઘટનાના વિરોધમાં આજે શાળા બંધ રાખવામાં આવી છે. નારાજ વાલીઓ અને ABVP આજે સવારે 10 વાગ્યે શાળામાં પહોંચશે અને શાળાના સંચાલકો સામે વિરોધ નોંધાવશે. આ ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષકોની જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.