)
Ahmdabad News: આજના ટેકનોલોજી અને આધુનિક સમયમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં જમવા જવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે, પરંતુ તેની સાથે અન્નના બગાડનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. લગ્ન પ્રસંગો, બેન્ક્વેટ હોલ અને રેસ્ટોરન્ટમાં ટનબંધ ખોરાક કચરાપેટીમાં ઠલવાય છે. આ ગંભીર સમસ્યાને રોકવા માટે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશને એક અનોખા અને પ્રોત્સાહક અભિયાનની જાહેરાત કરી છે.
શું છે આ ખાસ અભિયાન?
ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશને રાજ્યના તમામ હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને અપીલ કરી છે કે જે ગ્રાહકો પોતાની થાળીમાં અન્નનો બગાડ ન કરે તેમને કુલ બિલ પર 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ લાવવાનો અને 'અન્ન એ જ પૂર્ણબ્રહ્મ'ની ભાવનાને સાર્થક કરવાનો છે.
અમલીકરણ અને રવિવારની ખાસ ઓફર
ફેડરેશનના જણાવ્યા અનુસાર, આ અભિયાનનું અમલીકરણ નીચે મુજબના તબક્કાવાર કરવામાં આવશે. શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે દર રવિવારે ગ્રાહકોને આ 5 ટકા ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. જો આ અભિયાનને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળશે, તો આગામી સમયમાં આ ડિસ્કાઉન્ટ અઠવાડિયાના તમામ દિવસો માટે અમલી બનાવવામાં આવશે. ગ્રાહકોને આ યોજનાની જાણકારી મળે તે માટે દરેક હોટલ અને રેસ્ટોરન્ટના પ્રવેશદ્વાર તેમજ મેનૂ કાર્ડ પર આ અંગેની સૂચનાઓ ખાસ રીતે પ્રદર્શિત કરવામાં આવશે.
ફેડરેશન પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, અન્નનો બગાડ કરવો ખુબ જ ખરાબ વસ્તુ છે. જ્યારે આપણે હોટલમાં જમીએ છીએ ત્યારે માત્ર પૈસા ચૂકવીએ છીએ, પણ કુદરતી સંસાધનોનો બગાડ કરવાનો આપણને કોઈ હક નથી. આ પહેલથી લોકોમાં ખોરાક પ્રત્યે આદર વધશે."
હોટલ માલિકોનો સાથ
ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશનની અપીલને મોટાભાગના સભ્યોએ હર્ષભેર આવકારી છે. હોટલ માલિકોનું માનવું છે કે આ કદમથી ગ્રાહકોમાં ઓછું મંગાવવાની અને જરૂર પૂરતું જ જમવાની આદત કેળવાશે. ખાસ કરીને બેન્ક્વેટ અને બુફે સિસ્ટમમાં થતો મોટો બગાડ અટકાવવા માટે આ અભિયાન ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. ગુજરાતની હોટલોમાં શરૂ થનારી આ 'ડિસ્કાઉન્ટ' માત્ર આર્થિક ફાયદો જ નહીં, પરંતુ સામાજિક જવાબદારીનો પણ સંદેશ આપે છે. જો તમે પણ જમવા જાવ અને તમારી થાળી સાફ રાખો, તો આશીર્વાદની સાથે હવે વળતર પણ મળશે.