)
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં હેલમેટ ફરજિયાત કરવામાં આવતા વિરોધના સૂર જોવા મળ્યા છે. પોલીસના 400 કરતા વધુ જવાનો આજે તમામ ચોકમાં હેલમેટ ડ્રાઇવ યોજતા પ્રજાની અંદર આક્રોશ જોવા મળ્યો હતો. રાજકોટવાસીઓએ તો હેલમેટ ન પહેરવા અંગે અનેક બહાના આગળ ધર્યા હતા. ત્યારે લોક કલાકાર દેવાયત ખવડે પણ હેલ્મેટ અંગે ખાસ રજૂઆત કરી.
8 સપ્ટેમ્બરથી રાજકોટમાં હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. સવારે 9 વાગ્યાથી જ રાજકોટમાં પોલીસના જવાનો હેલમેટને લઈને રસ્તા પર ચેકીંગ શરૂ કર્યું હતું. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી હેલમેટ જાગૃતિ ઝુંબેશ શરૂ કરી હતી અને 1 મહિના પહેલા જ હેલ્મેટ ફરજિયાત થશે તેવી જાહેરાત કરી હતી. હેલમેટ પહેર્યા વગર બાઇક લઈને જતા લોકોને પોલીસે રોકી રૂ. 500-500ના દંડ ફટકારતા લોકોમાં રોષ ભભૂક્યો હતો. ટ્રાફિક વિભાગના DCP હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. શહેરના તમામ ચોકમાં પોલીસ દ્વારા હેલમેટ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજીત 400 પોલીસ જવાનો આજ થી હેલમેટ અંગે ચેકીંગ કરી રહ્યા છે. ભારતમાં મોટર વહિકલ એક્ટ હેઠળ હેલમેટનો કાયદો 1988 થી અમલમાં છે. જેના માટે જાહેર હિતની ગુજરાત હાઈ કોર્ટમાં અરજીઓ પણ કરવામાં આવે છે અને હેલમેટ નિયમનું પાલન કરવામાં નથી આવતું તો પાલન કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. જેથી ગુજરાતના તમામ શહેરોમાં હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં અકસ્માતના કેસમાં હેલમેટ ન પહેર્યું હોઈ તો લોકોના હેડ ઈંજરી થવાના બનાવી બને છે. બાઇકમાં પતિ-પત્ની સાથે બાળક હોઈ તો બાળકને પણ હેલમેટ ફરજિયાત પહેરવવાનું રહે છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા 3000 જેટલા હેલમેટ નિઃશુલ્ક વિતરણ કર્યા છે અને પોલીસને સ્પોન્સર મળશે તો હજુ પણ પોલીસ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
લોકસાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા કરવામાં આવી અપીલ
લોક કલાકાર દેવાયત ખવડે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો અપલોડ કરી હેલ્મેટના કાયદા અંગે રજૂઆત કરી. રાજ્ય સરકારને શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાથી રાહત આપવા અપીલ કરી. દેવાયત ખવડે કહ્યું કે, આ કાયદાનો ઉદ્દેશ સાવધાની માટે છે એ સમજી શકાય છે, પણ શહેરી વિસ્તારોમાં જ્યાં વાહનોની ઝડપ ઘણી ઓછી હોય છે અને ટ્રાફિકનું દબાણ વધારે હોય છેત્યાં હેલમેટ ફરજિયાત કરવું સામાન્ય જનતાને અનાવશ્યક રીતે હેરાન કરે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, હેલમેટ ન પહેરવા બદલ દંડ વસૂલવા કરતાં ટ્રાફિક શિસ્ત, ડ્રાઈવિંગ શિક્ષણ અને ટ્રાફિક મેનેજમેન્ટ પર વધુ ભાર આપવામાં જોઈએ.
સ્થાનિકોએ શું કહ્યું....
તો બીજી તરફ હેલમેટ ફરજીયાત થતા અનેક લોકો પોલીસના હાથે દંડાયા હતા. પોલીસે દંડ કરતા લોકોએ રસ્તા ખરાબ છે તે સારા કરાવો તેવું પોલીસને મોઢે જ ચોપડી દીધું હતું. રાજકોટવાસીઓએ કહ્યું હતું કે, રાજકોટમાં પહેલા રોડ-રસ્તાઓ સારા કરો પછી હેલમેટ ફરજિયાત કરાવજો. મસ મોટા ખાડાઓ પહેલા સરખા કરો પછી હેલમેટ ફરજિયાત પહેરાવજો. તો બીજી તરફ વરસાદી વાતાવરણ હોવાથી લોકોએ કહ્યું, આ વાતાવરણમાં હેલમેટ પહેરવું શક્ય જ નથી. હેલમેટ પહેર્યું હોઈ અને સાઈડમાં જોવું હોઈ તો જોઈ શકાતું નથી. જ્યારે અન્ય રાજ્યના નોકરિયાત વર્ગ પણ પોલીસના ઝપટે ચડી ગયા હતા તેમાં રાજસ્થાની નોકરીયાતે કહ્યું, છેલ્લા 1 વર્ષ થી ગુજરાતમાં નોકરી કરું છું આજે પહેલી વાર મને પકડ્યો છે. ગુજરાતમાં કોઈ ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી. મારી પાસે તો હેલ્મેટ છે જ હું પહેરીને નિકળીશ.
જ્યારે રાજકોટના રૈયા ચોકડી નજીક આમ આદમી પાર્ટીના નેતાઓએ હેલમેટનો વિરોધ કર્યો હતો અને રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હેલ્મેટને લઈને વિરોધ કરતા પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી. આપના શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી એ પોલીસની હાજરીમાં હેલ્મેટનો ઘા કરી તોડવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટમાં હેલ્મેટની ફરજિયાત અમલવારીને લઈ સિનિયર સિટીઝને અનોખો વિરોધ કર્યો હતો. રાજકોટના બુખારી ભાઈ હેલ્મેટ ની જગ્યાએ તપેલી પહેરી અને આવ્યા હતા. તપેલીમાં લખ્યું હેલ્મેટ હટાવો. મારી પાસે દંડના પૈસા નથી. લોકો બેદરકારી થી વાહન ચલાવે તો અકસ્માત થાય તેવું તેનું કહેવું હતું. હેલ્મેટ પહેરવાથી કોઈ ફાયદો થતો નથી તેવું કહી વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટમાં હેલમેટ ફરજિયાત થતા રાજકોટવાસીઓએ હેલ્મેટ ન પહેરવાના બહાના આગળ ધર્યા હતા. એટલું જ નહીં રાજકોટના વકીલોએ હેલમેટ સત્યાગ્રહ સમિતિની રચના કરી અને પ્રબુદ્ધ નાગરિકો આ હેલમેટના કાયદા સામે કોર્ટમાં લડત લડવાની તૈયારી દર્શાવી છે. આગામી દિવસોમાં હેલમેટને લઈને હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવે તો પણ નવાઈ નહિ.