)
Siyali Murder Case: ભરૂચ જિલ્લાના રાજકારણમાં હલચલ મચાવનારા શિયાલી હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની સંડોવણી બહાર આવ્યા બાદ તેમની ધરપકડથી બચવા માટે દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
આ ઘટના 13મી ઓગસ્ટે ઝઘડિયા તાલુકાના શિયાલી ગામમાં બની હતી. જ્યાં સરપંચના પતિને એક ટ્રક નીચે કચડીને હત્યા કરી દેવામાં આવી હતી. શરૂઆતમાં આ ઘટનાને એક સામાન્ય અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સમગ્ર મામલો સામે આવ્યો. પોલીસ તપાસમાં ખુલ્યું કે આ કોઈ અકસ્માત નહિ, પરંતુ એક સુનિયોજિત હત્યાનું કાવતરું હતું.
પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ જાણવા મળ્યું કે આ અકસ્માત સર્જનાર ટ્રક છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની માલિકીની છે. વધુ તપાસમાં એ પણ સામે આવ્યું કે મૃતક RTI દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માહિતીઓ માંગી રહ્યા હતા, જે દિલીપ વસાવા માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ હતી. આ જ કારણોસર, મૃતકની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
આ મામલે પોતાની ધરપકડ ટાળવા માટે દિલીપ વસાવાએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, સરકારી પક્ષે મુખ્ય સરકારી વકીલ પી.બી. પંડ્યાએ જામીન ન આપવા માટે કોર્ટમાં સચોટ દલીલો રજૂ કરી હતી. તેમણે સરકાર વતી રજૂઆત કરી કે આ કેસની ગંભીરતા જોતા આરોપીને જામીન આપવા યોગ્ય નથી. કોર્ટે આ દલીલોને માન્ય રાખીને દિલીપ વસાવાની આગોતરા જામીન અરજી રદ્દ કરી છે.
કોર્ટના આ નિર્ણય બાદ હવે દિલીપ વસાવાની મુશ્કેલીઓ વધી ગઈ છે. પોલીસ તેમની ધરપકડ કરવા માટે આગળની કાર્યવાહી કરી શકે છે. આ કેસમાં આગળ શું થશે તે જોવું રસપ્રદ રહેશે.