VIDEO:ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી આંબલિયા કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ

ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને જયેશ રાદડિયાના ચૂંટણીમાં હરિફ ઉમેદવાર રહી ચૂકેલા રવિ આંબલિયાના પરિવારને અકસ્માત નડ્યોના અહેવાલ છે

Updated By: Jan 1, 2018, 02:44 PM IST
VIDEO:ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી આંબલિયા કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ

અમદાવાદ: ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને જયેશ  રાદડિયાના ચૂંટણીમાં હરિફ ઉમેદવાર રહી ચૂકેલા રવિ આંબલિયાના પરિવારને અકસ્માત નડ્યોના અહેવાલ છે. ગત રાત્રીના રિબડા અને લોધિકા ગામ વચ્ચે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. અકસ્માતમાં રવિ આંબલિયા ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે પરિવારનો ચમત્કારિક બચાવ થયો છે. રવિ આંબલિયા હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાના જણાવ્યાં મુજબ રાત્રી કરતા હાલ તેમની તબિયત સારી છે. 

મળતી માહિતી મુજબ રવિ આંબલિયા પરિવાર સાથે કારમાં જેતપુરથી રાજકોટ તરફ આવી રહ્યાં હતાં. અચાનક રાતે રિબડા અને લોધિકા વચ્ચે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર  પલટી ગઈ હતી. રવિ આંબલિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

અત્રે જણાવવાનું કે રવિ આંબલિયા જેતપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતાં. તેમની સામે ભાજપના જયેશ રાદડિયા ઉમેદવાર હતાં. જો કે રવિ આંબલિયાની હાર થઈ હતી અને બેઠક પર જયેશ રાદડિયાએ જીત મેળવી હતી.