)
Family Suicide Cases In Gujarat : ગુજરાતની ઓળખ સુખી સંપન્ન રાજ્યની થાય છે. છતાં ગુજરાતમાં કેમ લોકો મરવા માટે મજબૂર બની રહ્યાં છે. વાત કરીએ તો, છેલ્લા 20 દિવસમાં ચાર પરિવારો મરવા મજબૂર બન્યા છે. 31 જુલાઈથી આજદિન સુધી ચાર પરિવારોએ પોતાના સંતાનો સાથે સામુહિક આપઘાત કર્યો છે.
ગુજરાતના આખેઆખા પરિવાર નષ્ટ થઈ રહ્યાં છે
સુરતના બે કિસ્સા, દાદરાનગર હવેલી અને હવે દાહોદમાં મજબૂર માતાપિતાએ પોતાના સંતાનોને મોત આપ્યું છે. એવી તો કઈ મજબૂરી આવી હશે કે માતાપિતા પોતાના સંતાનોને મોત આપવા માટે મજબૂર બન્યા હશે. સામુહિક આપઘાતના મોટાભાગના કિસ્સાઓ આર્થિક સંકડામણને કારણે થઈ રહ્યા છે. પૈસાની તંગી માણસોનો ભોગ લઈ રહી છે. જેનાથી હવે સમજી જવાની જરૂર છે.
21 ઓગસ્ટ, 2025 દાહોદમાં પિતાએ સંતાનો સાથે ફાંસો ખાધો
દાહોદના ખંગેલા ગામમાં રહેતા અને ગુજરાતમાં મજુરી કામ કરતો અરવિંદ હિમલાભાઈ વહોનિયા દાહોદ તાલુકાના કઠલા ગામમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. અરવિંદને સંતાનોમાં બે બાળકો અને એક બાળકી હતી. જેમાં અરવિંદ હિમલાભાઇ વહોનિયા બે દિવસ પહેલા અન્ય જિલ્લામાંથી મજુરી કામ કરી પોતાના વતનના ગામે પરત ફર્યો હતો. ત્યાર બાદ પરિવાર બીજા દિવસે પોતાની બહેનને મળવા માટે મધ્યપ્રદેશના માંડલી ગામે પહોંચ્યો હતો. જ્યાં બહેન પાસેથી 500 રુપિયા ઉછીના લઇને પોતાના વતન પરત ફરવા માટે રવાના થયો હતો. આજે સવારે કઠલા ગામના છાયણ ફળિયામાં ખેતરમાં ઝાડ સાથે બે બાળકો અને 35 વર્ષીય પિતા ફાંસી ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. કતવારા પોલીસ તપાસમાં જોડાઈ છે.
16 ઓગસ્ટ, 2025, પિતાનો બે દિવ્યાંગ સંતાનો સાથે આપઘાત
થોડા દિવસ પહેલા દાદરા નગર હવેલીમાં સામૂહિક આપઘાતથી ચકચાર મચી ગઈ હતી. ગામના એક ઘરમાં પિતા અને બે બાળકોના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં પિતા સુનિલ ભેકરે, પુત્ર જય અને પુત્રી આર્યા હોવાનુ ખૂલ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બંને બાળકો દિવ્યાંગ હતા. ત્યારે તેમણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે હવે હજી સામે આવ્યું નથી.
12 ઓગસ્ટ, 2025 માતાનો બે બાળકો સાથે આપઘાતનો પ્રયાસ
સુરત રેલ્વે સ્ટેશન ખાતે બે બાળકો સાથે માતા દ્વારા સામુહિક આપઘાતનો પ્રયાસ કરાયો હતો. આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી ટ્રેન આગળ મહિલા બાળકો સાથે સુઈ ગઈ હતી. ટ્રેન અડફેટે મહિલા આવતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જોકે, બંને બાળકો બચી ગયા હતા, અને બંનેની હાલત ગંભીર હતી. બંને બાળકો ગમે તે ઇજાગ્રસ્ત થતા સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા
31 જુલાઈ, 2025, પિતાનો બે સંતાનો સાથે સામુહિક આપઘાત
સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં પિતાએ પોતાના બે પુત્રો સાથે આપઘાત કર્યો હતો. 3 અને 8 વર્ષના પુત્ર સાથે આપઘાત કર્યો હતો. ત્યારે પત્નીના આડા સંબંધથી કંટાળીને પતિએ આપઘાત કર્યાનું સામે આવ્યું હતું. પોલીસને મોબાઈલમાંથી મેસેજ અને વીડિયો મળી આવ્યા હતા. પતિ દ્વારા આત્મહત્યા પહેલા 3 પાનાની સ્યુસાઇડ નોટ લખવામાં આવી હતી. 3 માસ પહેલા જ પતિને પત્ની પર શંકા ગઈ હતી કે, તેની પત્નીનું સહકર્મચારી સાથે અફેર છે. પતિએ સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો કે, અમે બંને પાંડેસરા પોલીસ લાઈનમાં રહેતા હતા ત્યારે એક બીજા સાથે આંખ મળી હતી. અમારા બંનેના 10 વર્ષ પેહલા પ્રેમ લગ્ન થયા હતા. પરંતું હવે પત્નીનું અફેર હોવાથી હું કંટાળી ગયો હતો. અનેક વાર પત્નીને સમજાવા છતાં કોઈ રસ્તો ના નીકળતા આખરે પગલું ભર્યું.