એ બેરેક જ્યાં ગાંધીજીને પ્રથમ ધરપકડ બાદ રાખવામાં આવ્યા હતા

આજે ગાંધીજીની પુણ્યતિથી નિમિત્તે અમે તમને સાબરમતી જેલની એ બેરકથી માહિતગાર કરીશું જ્યાં ગાંધીને રાખવામાં આવ્યા હતા. આજે મહાત્મા ગાંધીની 70મી પુણ્યતિથી નિમિત્તે ઝી 24 કલાકે સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી. એમાં પણ ખાસ કરીને તે બેરકની જ્યાં ગાંધીજીને 11 માર્ચ 1922 થી 20 માર્ચ 1922 દરમિયાન રાખવામાં આવ્યા હતા. 

Updated By: Jan 30, 2018, 06:21 PM IST
એ બેરેક જ્યાં ગાંધીજીને પ્રથમ ધરપકડ બાદ રાખવામાં આવ્યા હતા

કર્નલ. કુમારદુષ્યંત/ અમદાવાદ: આજે મહાત્મા ગાંધીની 70મી પુણ્યતિથી છે. ભારતભરમાં બાપૂને યાદ કરતાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને દેશને આઝાદી અપાવનાર ગાંધીજી ભારતીયો માટે આદર્શ બન્યા. ગાંધીજી દુનિયાભરમાં શાંતિ અને અહિંસાનો સંદેશો પાઠવ્યો. દેશને આઝાદી અપાવનાર ગાંધી અનેકવાર જેલવાસો કરી ચૂક્યા છે. આજે ગાંધીજીની પુણ્યતિથી નિમિત્તે અમે તમને સાબરમતી જેલની એ બેરકથી માહિતગાર કરીશું જ્યાં ગાંધીને રાખવામાં આવ્યા હતા. આજે મહાત્મા ગાંધીની 70મી પુણ્યતિથી નિમિત્તે ઝી 24 કલાકે સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી. એમાં પણ ખાસ કરીને તે બેરકની જ્યાં ગાંધીજીને 11 માર્ચ 1922 થી 20 માર્ચ 1922 દરમિયાન રાખવામાં આવ્યા હતા. આજે પણ આ બેરેકમાં રોજ કેદીઓ આવીને બાપુની યાદમાં સવાર-સાંજ દીવો કરે છે. 

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલી ગાંધી ખોલી જેલના કેદીઓ માટે મંદિર સમાન છે. આઝાદીની ચળવળ દરમિયાન પહેલી જેલયાત્રા વખતે ગાંધીજીને અહીં રાખવામાં આવ્યા હતા. અહીં તેમણે દસ દિવસનો જેલવાસ ભોગવ્યો હતો. કેદીઓના કહેવા પ્રમાણે અહીં તેમને પોઝીટીવ એનર્જી મળે છે અને સતત ગાંધીજીની હાજરી અનુભવાતી હોય તેવો અહેસાસ થાય છે.

સાબરમતી સેન્ટ્રલ જેલ દ્વારા આ બેરેકનું સુંદર રીતે ધ્યાન રાખવામાં આવે છે. સતત ધૂન ગૂંજતી જોવા મળે છે. આ બેરેકમાં બાપૂની પ્રતિમા મુકવામાં આવી છે અને આસપાસની ભીંતો પર ગાંધીજીના ફોટા લગાવવામાં આવ્યા છે. આઝાદી અને બાપૂની વાત કરતાં હોઇએ ત્યારે સાબરમતી આશ્રમનો ઉલ્લેખ ન થાય એવું ન બને. આઝાદીની ચળવળમાં સાબરમતી આશ્રમ મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. અહીંથી માત્ર અઢી કિલોમીટરના અંતરે મહાત્મા ગાંધી સાથે જોડાયેલું અન્ય એક ઐતિહાસિક સ્થળ આવેલું છે.

ગાંધીજીની પહેલી ધરપકડ
આઝાદીની લડાઇ દરમિયાન 13 માર્ચ 1922ના રોજ ગાંધીજીની આ પહેલી ધરપકડ થઇ હતી. સાબરમતી જેલના યાર્ડમાં તેમને રાખવામાં આવ્યા હતા. યાર્ડમાં દસ કોટડીઓ છે. દરેક ઓરડી 10×10ની છે. યાર્ડની ફરતે ઊંચી દિવાલ છે અને વચ્ચે નાનકડું ખુલ્લું મેદાન છે.

''ગાંધી સ્‍મૃતિ'' યાર્ડ
''ગાંધી સ્‍મૃતિ'' યાર્ડ તરીકે ઓળખાતા યાર્ડમાં પૂજ્ય કસ્તુરબા ગાંધી તા. ૧૭-૦૩-૧૯૩૨ થી તા. ૨૧-૦૯-૧૯૩૩ અને તા. ૦૮-૦૮-૧૯૩૩ થી તા. ૧૯-૦૮-૧૯૩૩ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો.

''સરદાર યાર્ડ''
''સરદાર યાર્ડ'' તરીકે ઓળખાતા યાર્ડમાં શ્રી સરદાર વલ્‍લભભાઈ પટેલ તા. ૦૭-૦૩-૧૯૩૦ થી તા. ૨૫-૦૬-૧૯૩૦ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. 

''તિલક યાર્ડ''
''તિલક યાર્ડ'' તરીકે ઓળખાતા યાર્ડમાં શ્રી લોકમાન્‍ય તિલકજી તા. ૧૩-૦૭-૧૯૦૮ થી તા. ૧૩-૦૯-૧૯૦૮ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો.'

''પૂજ્ય રવિશંકર મહારાજ કુટીર''
''પૂજ્ય રવિશંકર મહારાજ કુટીર'' તરીકે ઓળખાતા યાર્ડમાં પૂજ્ય રવિશંકર શિવરામ વ્યાસ (મહારાજશ્રી) તા. ૨૦-૦૫-૧૯૨૮ થી તા. ૧૦-૦૮-૧૯૨૮ અને તા. ૦૯-૦૪-૧૯૩૦ થી તા. ૨૪-૦૪-૧૯૩૦ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો.

મહાન વિભૂતિઓએ ભોગવ્યો છે કારાવાસ
ભારતની સ્વતંત્રતા ચળવળ દરમિયાન જેમા પૂજ્ય મહાત્મા ગાંધી, કસ્તુરબા, લોકમાન્ય તિળક, રવિશંકર મહારાજ અને  સરદાર વલ્લભભાઈ પટેલ જેવી અનેક મહાન વિભૂતિઓએ ગુજરાતની જેલોમાં કારાવાસ ભોગવ્યો હતો. આમ, રાજ્યની જેલો અનેક રાષ્ટ્રીય ચળવળોની મૂક સાક્ષી છે.