ગાંધીનગર બન્યું આંદોલનનું ઠેકાણું, આરોગ્યકર્મીઓ બાદ હવે ખેલ સહાયકોએ પણ સરકાર સામે બાયો ચડાવી
Gandhinagar News: રાજ્યનું પાટનગર જાણે આંદોલનનું ઠેકાણું બની ગયું છે. એક બાદ એક સરકારના કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાંખીને વિરોધ નોંધાવી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી આંદોલનના માર્ગે છે, ત્યાં હવે ખેલ સહાયકોએ પણ સરકાર સામે બાયો ચડાવી છે. તો હવે રાજ્યની શાળાના આચાર્યો પણ આંદોલન કરવાના મૂડમાં છે. આંદોલનો સરકાર માટે કેમ માથાનો દુખાવો બની રહ્યા છે.
Trending Photos
Gandhinagar News: રાજ્યનું પાટનગર ગાંધીનગર ફરી એકવાર આંદોલનનું મેદાન બની ગયું છે. ગાંધીનગરની સત્યાગ્રણ છાવણી હાલ આંદોલનકારીઓથી ખીચોખીચ છે. રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પોતાની માગને લઈને 17 માર્ચથી લડી રહ્યા છે. ત્યાં હવે વ્યાયામ શિક્ષકોએ પણ ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે અને પોતાની માગને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે.
રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ માગને લઈને હવે લડી લેવાના મૂડમાં છે. કેમ કે, 17 માર્ચથી આંદોલન પર ઉતરેલા આરોગ્ય કર્મીઓની હડતાળ હજુ યથાવત છે. સરકારે આંદોલનને ડામવા માટે એસ્મા જેવા શસ્ત્રનો પણ ઉપયોગ કર્યો. પરંતુ આરોગ્ય કર્મચારીઓ ડગ્યા નહીં અને પોતાની નોકરીને પણ દાવે લગાડીને આંદોલનને યથાવત રાખ્યું છે.
શું છે આરોગ્ય કર્મચારીઓની માગ?
આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માગ શું છે તેની વાત કરીએ તો આરોગ્ય કર્મીને ટેક્નિકલ સ્ટાફમાં ગણવા, ટેક્નિકલ સ્ટાફ મુજબ ગ્રેડ પે આપવામાં આવે, ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપવામાં આવે અને 2023ની કમિટીના અહેવાલનો GR ઠરાવ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
સરકાર માટે રાજ્યના આરોગ્ય કર્મીઓની હડતાળ માથાનો દુખાવો બનતી જઈ રહી છે, ત્યાં ગાંધીનગરમાં હવે રાજ્યના વ્યાયામ શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે. સરકાર દ્વારા 11 માસના કરાર પર ખેલ સહાયકોની ભરતી કરાઈ હતી. પરંતુ હવે આજ ખેલ સહાયકો સરકારના વિરૂદ્ધમાં ઉતરી ગયા છે, અને કાયમી કરવાની માગ સાથે લડી લેવાના મૂડમાં છે.
શું છે ખેલ સહાયકોની માગ?
ખેલ સહાયકોની શું માગ છે તેની વાત કરીએ તો ખેલ સહાયક યોજનાને રદ કરવામાં આવે, વ્યાયામ શિક્ષકોને કાયમી કરવામાં આવે, SAT પરીક્ષાને માન્ય ગણી કાયમી ભરતી થાય અને
કાયમી કરવાની સાથે વયમર્યાદા વધારવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં આંદોલન પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ અને ખેલ સહાયકો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. તમામનો સરકાર પર આક્ષેપ છે કે, સરકાર વાયદા કરીને લોલીપોટ પકડાવી જાય છે, ત્યારે હવે આ વખતે આરોગ્ય કર્મીઓ અને ખેલ સહાયકો ગમે તે ભોગે પોતાની માંગ પૂરી કરાવવા માટે મક્કમ બન્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે