)
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
લટકતું ગાજર લટકતું જ રહેશે, તેવો અહેસાસ નેતાઓને થવા લાગ્યો
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે એકાએક ધારાસભ્યો અને પદાધિકારીઓની બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણના સંકેત આપી અનેકની ઊંઘ હરામ કરી. વર્તમાન મંત્રીમંડળમાં કેટલાક સભ્યોને પોતાનું પદ જતું રહેવાની બીકથી ઊંઘ ઊડી ગઈ છે, તો અનેક ધારાસભ્યોને મંત્રી પદ દેખાવા લાગ્યું. એટલે મંત્રીપદ મળશે કે નહીં એ વિચારોને કારણે રાતની ઊંઘ હરામ થઈ. પ્રદેશ પ્રમુખ પદ અને મંત્રીમંડળનું વિસ્તરણ આ બે મુદ્દા છેલ્લા એક વર્ષથી ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે જ્યારે પણ ચર્ચા નથી થતી, ત્યારે એકાએક પાર્ટીના મોટા નેતા કોઈને કોઈ પ્રકારે સંકેત આપે છે એટલે ફરી પાછી ચર્ચા જોર પકડે છે. હવે સીઆર પાટીલના આ વખતના સંકેત બાદ મંત્રીમંડળના સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ પોતાની સ્થિતિ ટેબલ ટેનિસના દડા જેવી દેખાવા લાગી. એક તરફ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ છે, તો બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. આ બંને રાજકીય મેદાનમાં પહેલા પ્રદેશ પ્રમુખ કે પહેલા મંત્રીમંડળનો બોલ એકબીજાના કોર્ટમાં નાંખે છે. થતું કશું નથી, પણ ભાજપના નેતાઓની સ્થિતિ લટકતા ગાજરને દૂરથી જ જોયા કરીએ તે પ્રકારની થઈ રહી છે.
આઈએએસ, સરકારી બાબુથી તમામ લિફ્ટમેન પરેશાન
સચિવાલયમાં અનેક સરકારી બાબુઓ એમના સ્વભાવ કે વર્તનને કારણે ઓળખાતા હોય છે. જોકે એક ચશ્માધારી આઈએએસ અધિકારી તેના નકારાત્મક વર્તન અને દાદાગીરીને કારણે ઓળખાય છે. તેના કારણે તમામ લિફ્ટ મેન પરેશાન થયા છે. આ સરકારી અધિકારી સચિવાલયમાં ક્યાંય પણ જાય તો તેની લિફ્ટમાં બીજું કોઈ ન હોવું જોઈએ અને સીધું એ જ માળે લિફ્ટ પહોંચવી જોઈએ તેવો આગ્રહ કે દુરાગ્રહ રાખે છે. આ અધિકારી સૌથી વધુ ઉપયોગ બ્લોક નંબર 1 ની લિફ્ટનો ઉપયોગ કરે છે. તેના લિફ્ટમેનને અનુભવ પણ કડવા થયા છે. આઈએએસ અધિકારીનું ન માનીએ તો કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરી લિફ્ટમેનની બદલી અન્ય જગ્યાએ કરાવી નાંખે છે. જો અધિકારી સાથે દલીલબાજી કે સામે જવાબ આપ્યો હોય તો લિફ્ટમેનની નોકરી પણ જતી રહે છે.

મંત્રીમંડળની જુગલ જોડીથી અન્ય મંત્રીઓ નારાજ
મંત્રીમંડળમાં જોડી નંબર વન તરીકે રાજ્ય સરકારના આરોગ્ય અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા કમાલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદનો રોડ શો અને જાહેર સભાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી. પ્રધાનમંત્રીએ પણ તેના ભરપેટ વખાણ કર્યા. જોકે મંત્રીમંડળના જ અન્ય કેટલાક સભ્યો આ જુગલજોડીથી નારાજ થયા. આ જુગલજોડીએ રાજકીય રીતે પ્રધાનમંત્રીના રોડ શો અને જાહેર સભામાં અનેકનો હિસાબ પૂરો કર્યો. અન્ય મંત્રીઓ નારાજ થવાનું કારણ તેઓને પ્રધાનમંત્રીની જાહેર સભા કે રોડ શોમાં નજીક ફરકવા જ ન દીધા. પ્રધાનમંત્રી સાથે નજર મળે અને એક ફોટો પડે તે માટે મંત્રીઓ તલપાપડ થતા હોય છે. આ વખતે પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાતમાં અમદાવાદના કાર્યક્રમમાં મંત્રીઓને આ તક મળશે તેવી આશા હતી. જોકે રોડ શો અને જાહેર સભામાં આ પ્રકારની તક ન મળી. આથી અન્ય મંત્રીઓ આ માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માને જવાબદાર ગણાવી રહ્યા છે. આ બંને મંત્રીઓથી નારાજ પણ થયા છે. રોડ શો અને જાહેર સભા બંને કાર્યક્રમની જવાબદારી મુખ્યમંત્રીએ અમદાવાદના પ્રભારી મંત્રી તરીકે ઋષિકેશ પટેલ અને અમદાવાદના મંત્રી તરીકે જગદીશ વિશ્વકર્માને સોંપી હતી. આ બંને મંત્રીઓએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી અને રાજકીય હિસાબ પણ પૂરો કર્યો.
ભાજપે પણ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર બનવું જોઈએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેશની જનતાને વોકલથી લોકલ અપનાવવા માટે અપીલ કરી. સ્વદેશી અપનાવો આત્મનિર્ભર બનો તે વાત કરી. આ વાત ભાજપના જ કેટલાક સિનિયર નેતાઓને ખૂબ ગમી ગઈ. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ વન અને સ્વર્ણિમ સંકુલ-2 માં અવારનવાર આવતા નેતાઓ પ્રધાનમંત્રીની આ અપીલ ગુજરાત ભાજપમાં અને મંત્રીમંડળમાં અપનાવવા માટે ટકોર કરી રહ્યાં છે. ભાજપમાં હવે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વિદેશી તરીકે ગણાવવામાં આવી રહ્યા છે. અને એટલે જ આ સિનિયર અને મૂળ ભાજપના નેતાઓ સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર બનો તે સૂત્ર બોલતા થયા છે. કેટલાક ભાજપના નેતાઓ કટાક્ષમાં પાર્ટીમાંથી જ આ સૂત્રોનો અમલ કરવા કહી રહ્યા છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તો સ્વદેશી જ હશે તે વાતની તેઓને ખાતરી છે એટલે જ તેઓ કહી રહ્યાં છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો તેમાં કોંગ્રેસમાંથી આવેલા તમામને પડતા મૂકો અને માત્ર ને માત્ર મૂળ ભાજપના જ નેતાઓને સ્થાન આપો તો સાચા અર્થમાં વોકલથી લોકલ... અને સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભાજપ બનશે.
આઈએએસ પતિ પત્નીથી તોબા.. સમયની કદર કરતા જ નથી
સામાન્ય રીતે એવું કહેવાય છે કે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સમય પાલનના પાક્કા હોય છે. રાજનેતાઓ માટે તેનાથી બિલકુલ ઉલટું સમય પાલન કે નિયત સમય પાળે તો જ નવાઈ સમજવી. જોકે અહીં સમય પાલનના મુદ્દા પર સરકારના સિનિયર રાજનેતા કંટાળી ગયા. આ કંટાળો તેઓને આઈએએસ પતિ પત્ની બંનેથી આવ્યો. જ્યારે પણ બેઠકમાં બોલાવવામાં આવે ત્યારે વહેલા મોડા તો આવે જ છે. જોકે તેમને કશું રજૂ કરવાનું હોય તો તેમાં ખૂબ સમય લે છે. તાજેતરમાં આ પ્રકારની બે થી ત્રણ ઘટનાઓ સામે આવી. આઈએએસ અધિકારી હોવાથી તેમને સીધા જ કોઈ કહી શકતું નથી. તેઓ જાય એટલે મંત્રી કે મુખ્યમંત્રી કહે છે સમયનું પાલન આ પતિ પત્નીને કરાવો.

ફિલ્મફેરમાં કરણ જોહર અને મંત્રી ભીખુ સિંહ ચર્ચાનું કેન્દ્ર બન્યા
ફિલ્મ ફેર એવોર્ડ 2025 ગુજરાતમાં યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ટુરિઝમ મંત્રી મુળુભાઇ બેરાની હાજરીમાં ટુરિઝમ વિભાગે વર્લ્ડવાઈડ મીડિયા સાથે એમઓયુ કર્યા. જોકે આ કાર્યક્રમમાં નિર્માતા કરણ જોહર આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ કાર્યક્રમમાં હાજર ગુજરાતીઓ માટે કરણ જોહરને જોવો અને સાંભળવો તે આકર્ષણનું કેન્દ્ર હતું. જોકે ચર્ચાનું કેન્દ્ર મંત્રી ભીખુ સિંહ પરમાર બન્યા. કાર્યક્રમમાં કોઈપણ જાતના આમંત્રણ વગર એકાએક તેઓ આવ્યા અને અધિકારીઓની બેઠક વ્યવસ્થામાં બેસી ગયા. આ સંદર્ભે કોઈનું ધ્યાન ન હતું, બહારથી આવનાર લોકો ભીખુસિંહ પરમારને ઓળખતા પણ ન હતા. જોકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેજ ઉપરથી બધું જોઈ રહ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાની ટીમનો સભ્ય હોવાના નાતે કેપ્ટન તરીકે તરત મંત્રીને સ્ટેજ પર સ્થાન આપવા બોલાવ્યા. મંત્રી પણ સીધા સ્ટેજ ઉપર જતા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે ખુરશી ખાલી કરી મંત્રીને બેસાડ્યા. એમ કે દાસે કરણ જોહરની બાજુની ખુરશીમાં સ્થાન મેળવ્યું. આ ઘટના પછી ગુજરાત બહારથી આવેલા લોકોમાં આ કોણ છે તેની ચર્ચા શરૂ થઈ. જોકે મંત્રી ભીખુસિંહ પરમાર સ્ટેજ ઉપર બેસી રહ્યાં, પરંતું તેમના નામનો પણ ઉલ્લેખ કાર્યક્રમના સંચાલન દરમિયાન ન થયો. સલમાનના હારતોરા પણ ન થયા. જાણે કે બિન બુલાયે મહેમાન જેવી સ્થિતિ મંત્રી ભીખુ સિંહ પરમારની જોવા મળી. પત્રકારોમાં પણ ચર્ચાનો વિષય બન્યો કે કદાચ ફિલ્મના શોખીન હશે ભીખુસિહ પરમાર અને કરણ જોહરને નજીકથી જોવા આવ્યા હશે.