)
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
CMO એટલે મંત્રીઓ સાથે ગમા અણગામાનો અરીસો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એટલે ટીમ ગુજરાતના કેપ્ટન. કેપ્ટન સમગ્ર ટીમ ને સાથે લઈને ચાલે. જોકે CMO નું સોશિયલ મીડિયા છેલ્લા કેટલાય સમયથી મંત્રીઓ માટે દર્પણનું કામ કરી રહ્યું છે. CMO ના સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીના કાર્યક્રમના ફોટા અને વીડિયો સહિતની સામગ્રી પોસ્ટ થતી હોય છે. છેલ્લા કેટલાય સમયથી મંત્રીમંડળના સભ્યો સાથે ગમા અણગમાના દર્પણ નું કામ પણ થઈ રહ્યું છે. ટીમ ગુજરાતનો કોઈ મંત્રી સ્માર્ટ કે ઓવર સ્માર્ટ થાય એટલે મુખ્યમંત્રી સાથે ભલે એ કાર્યક્રમ કે બેઠકમાં હાજર હોય પણ આવા નેતાનો ફોટો CMOના સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ જાય છે. થોડા સમય પહેલા જ આ પ્રકારની ઘટનાઓ બનવાની શરૂ થઈ. સતત બે ત્રણ મંત્રી કાર્યક્રમમાં હાજર હોય બેઠકમાં હાજર હોય પણ સોશિયલ મીડિયા ઉપર ફોટો ન હોય. તેના કારણે મંત્રીને પણ સંદેશો મળી જાય કે બધું બરાબર નથી. એક સિનિયર આઈએએસ અધિકારીએ ત્યાં સુધી કીધું કે મુખ્યમંત્રી તો દાદા ભગવાનમાં માનવાવાળા છે. તેમના માટે તમામ પરિસ્થિતિ સરખી પણ સીએમઓના સોશિયલ મીડિયા ના અધિકારી કર્મચારીઓના મંત્રીઓ માટેના ગમા અણગમા હોઈ શકે..
સરકારી અધિકારી પતિ-પત્નીએ ઓફિસને ઘર બનાવ્યું
સામાન્ય રીતે કહેવાય છે કે ઓફિસ અને ઘર વચ્ચે ફરક હોવો જોઈએ. જોકે સરકારી અધિકારી તરીકે પતિ પત્ની બંને કામ કરતા હોય ત્યારે ઓફિસ એ જ ઘર બને છે. આવો જ એક કેસ અત્યારે ચર્ચામાં આવ્યો છે. મહેસુલ વિભાગની એક કચેરીમાં પતિ ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. જ્યારે પત્ની એક કિલોમીટરના અંતરમાં જ આવેલી અન્ય કચેરીમાં સરકારી અધિકારી તરીકે ફરજ બજાવે છે. આ પતિ પત્નીનું જોડું દરરોજ બપોરે પતિની ઓફિસમાં ભોજન સમયે એકઠું થાય છે. આ સમયે ઓફિસ ઘરમાં પરિવર્તિત થઈ જાય છે. રિસેસ સમય પહેલા જો પત્ની પતિની ઓફિસમાં આવી જાય એટલે પછી કોઈ અરજદાર કે ઓફિસ બોય સાહેબની ચેમ્બરમાં દાખલ થઈ શકતા નથી. સાહેબની સૂચના છે કે પોતાની પત્ની ચેમ્બરમાંથી નીકળે પછી જ કોઈપણ ઓફિસમાં કોઈને પણ પ્રવેશ આપવો. રિસેસ અવર્સ પૂરા થઈ ગયા હોય બહાર મુલાકાતિઓની લાઈનો લાગી હોય પણ પત્ની પતિ સાથે ભોજન કરતી હોય તો કોઈની પણ મજાલ નથી કે સાહેબની ઓફિસમાં કોઈ પ્રવેશ કરી શકે. ભૂતકાળમાં થયેલા કડવા અનુભવ પછી એ જ ઓફિસના અધિકારી કર્મચારીઓ પણ સાહેબની ઓફિસમાં પ્રવેશ કરતા નથી. ઓફિસ બોય પણ હવે શીખી ગયા છે કે પતિ પત્ની ઓફિસમાં છે અને કોઈ મુલાકાતે આવે છે તો બસ એટલું જ કહે છે, ‘આપ બેસો સાહેબ જરૂરી મિટીંગમા છે.’

ભાજપનો બોધપાઠ : મેન્ડેટ પહેલા રાજીનામા
સહકારી ક્ષેત્રે મેન્ડેટ આપવાની પ્રથા ભાજપે શરૂ કરી. જોકે જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીના થયેલા અનુભવો બાદ હવે ભાજપે બોધપાઠ લીધો છે. કોઈપણ જગ્યાએ ચૂંટણીમાં મેન્ડેટ આપવાનો હોય તો એ પહેલા ઉમેદવારી ફોર્મ ભરનાર તમામ સભ્યોના રાજીનામાં કે ફોર્મ પરત ખેંચીયુ તે પ્રકારે લેખિતમાં લઈ લેવામાં આવે છે. આ નવી પદ્ધતિના કારણે ભાજપના જ આંતરિક જૂથવાદની રાજનીતિથી પાર્ટીને થતી બદનામી અટકી રહી છે. જે જગ્યાએ બે જૂથો વચ્ચેની આંતરિક ખેંચતાણ વધુ દેખાય તો ભાજપ સંગઠનમાંથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવે છે કે તમારે લડવું હોય તો લડો પણ પાર્ટી બદનામ ન થવી જોઈએ. તે જગ્યાએ શાંતિપૂર્ણ ચૂંટણી થાય તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે છે. મોટાભાગની સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં મેન્ડેડ પછી રાજીનામું પહેલા આ નીતિ જ અપનાવવામાં આવી રહી છે. જેમાં ભાજપને સફળતા પણ મળી રહી છે. ભાજપના મેન્ડેડ સામે બળવો પણ નથી થતો અને સર્વનુંમતે નિમણૂંક પણ થઈ રહી છે. ફોર્મ પરત ખેંચવાના દિવસે જ ચેરમેન ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોના મેન્ડેડ આપવામાં આવે છે અને બાકીના તમામ સભ્યોના અગાઉથી લેખિત આપેલા ફોર્મ પરત ખેંચવાના કાગળો રજૂ કરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય છે.
પોતાના જ ધારાસભ્યોનો સરકાર સામે બળાપો
ગુજરાતમાં છેલ્લા કેટલાય વખતથી ભાજપ સરકાર સામે ભાજપના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કે અન્ય રીતે બળાપો કાઢવાની ઘટનાઓ વધી રહી છે. ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી હોવાના દાવા વચ્ચે અનેક ધારાસભ્યો અશિસ્તતા આચરી રહ્યા છે. જોકે તેમની સામે પક્ષ તરફથી કોઈપણ પગલાં ભરવામાં આવતા નથી. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે ભાજપમાં અસંતોષ વધી રહ્યો છે. પણ આ સાચી વાત આ નથી. ધારાસભ્યોનો બળાપો કાઢવો કે મુખ્યમંત્રીને નારાજગી વ્યક્ત કરતો પત્ર લખવો તે પણ રાજકારણના કાવાદાવા છે. ભાજપના જ એક સિનિયર નેતાએ આ કાવાદાવાને ખુલ્લા પડ્યા. જે વિસ્તારોમાં પ્રજાની સમસ્યાને લઈને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આંદોલન કે અન્ય રીતે વિરોધ નોંધાવી શકે તેવો આઈબીનો રિપોર્ટ આવે તો તરત ભાજપના જ સ્થાનિક ધારાસભ્યને સક્રિય કરી દેવામાં આવે છે. સમસ્યાનો હલ શોધી શકાય એવો પ્રયત્ન થાય છે અને ન શોધી શકાય તો ભાજપનો જ ધારાસભ્ય કે ભાજપના નેતા પોતાની સરકાર સામે બળાપો કાઢતો પત્ર મુખ્યમંત્રીને લખે છે અને મીડિયામાં મોકલી દેવામાં આવે છે.

મંત્રીની વ્યથા.. ઓફિસમાં આવવું છે પણ આવી શકાતું નથી.. બીજાને બેસવું છે પણ બેસી શકાતું નથી
રાજ્ય પંચાયત મંત્રી બચુ ખાબડ હવે માત્ર ને માત્ર કાગળ અને ઓફિસની નેમ પ્લેટ ઉપર નજરે પડે છે. જેટલા કેટલા સમયથી કેબિનેટ કે ગાંધીનગરની કચેરીમાં બચુ ખાબડ દેખાતા નથી. સરકારી કાર્યક્રમોમાંથી પણ તેમને દૂર રાખવામાં આવે છે. 15 મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વના કાર્યક્રમોમાંથી પણ બચુ ખાબડને દૂર રખાયા. બચુ ખાબડની મનોસ્થિતિ કદાચ તેમને ઓફિસમાં આવવું છે પણ આવી શકતા નથી તેવી થઈ છે. આ તરફ એ જ ફ્લોર ઉપર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને સ્થિતિ ઉલટી થઈ છે. સતત કામ કરવા ટેવાયેલા પ્રફુલ પાનસેરીયા શારીરિક તકલીફને કારણે ઓફિસમાં વધુ સમય સુધી બેસવાની ઈચ્છા હોવા છતાં બેસી શકતા નથી. મણકાની ગાદી ખસવાના કારણે તેમને ઓપરેશન કરાવ્યું છે. હવે પહેલા કરતા સ્થિતિ ખૂબ સારી છે. ઓફિસ પણ આવતા જતા થયા છે. પણ ડોક્ટરની સલાહના કારણે સળંગ વધુ બેસી શકવાની મનાઈ છે. આથી થોડોક સમય માટે ઓફિસમાં આવીને જતા રહે છે. પ્રફુલ પાનસેરીયાને સતત ઓફિસમાં પ્રજાલક્ષી કામ કરવું છે પણ તેઓ કરી શક્તા નથી. જ્યારે બીજી તરફ, બચુભાઈ ખાબડને ઓફિસમાં આવવું છે પણ સરકાર મનરેગા અંતર્ગત હાલના તબક્કે રોજગારી આપવા તૈયાર નથી.