)
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
સલામ છે એ જવાનને જેને સિનિયર IPS અધિકારીની સાન ઠેકાણે પાડી
સામાન્ય રીતે IAS અને IPS અધિકારીઓ પોતે સર્વેસરવા હોય એ પ્રકારે વર્તન કરતા હોય છે. તેમનાથી નાના કર્મચારીની વાત સાચી હોય તો પણ તેઓ માનવા તૈયાર નથી થતા. જોકે સચિવાલયમાં થોડા દિવસ પહેલા એક જીઆઈએફએસ ના જવાને IPS અધિકારીની સાન ઠેકાણે પાડી. સ્વર્ણિમ સંકુલ વન પાસ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી માત્ર ગાડીઓ બહાર નીકળી શકે છે, પણ કોઈ ગાડી અંદર એન્ટર થઈ શક્તી નથી. જોકે એક સિનિયર IPS અધિકારી પોતાની વર્દીનો રૂઆબ બતાવી, જે જગ્યાએથી એન્ટ્રી બંધ કરી છે ત્યાંથી અંદર જવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ફરજ પરના જવાને IPS ની ગાડી રોકી અને પ્રથમ પોતાનો અધિકારી હોવાના કારણે સેલ્યુટ મારી. સાથે વિનંતી કરી કે આ જગ્યાએથી અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. પણ IPS અધિકારીને પોતાના હોદ્દાનું ભારે અભિમાન હશે. તેના કારણે આ જવાન સાથે બોલાચાલી પણ કરી અને સતત અંદર જવા માટેનો પ્રયત્ન કર્યો. જોકે ફરજનિષ્ઠ જવાન એકનો-બે ન થયો. એટલે આખરે ગુસ્સામાં ને ગુસ્સામાં અધિકારી પોતાની ગાડીમાંથી ઉતરી પગપાળા બબડતા બબડતા સ્વર્ણિમ સંકુલ-1 તરફ નીકળ્યા. કદાચ આ અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસને રિપોર્ટ કરવા આવ્યા હતા.
શું મંત્રીમંડળ આખું બદલી કાઢવામાં આવશે ?
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો લાંબા સમયથી અફવા સ્વરૂપે ચાલી રહી છે. હવે શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થઈ ગયો છે. એટલે હાલ કશું નહીં થાય એવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જોકે મંત્રીમંડળનું વિસ્તરણની તારીખો પર તારીખો પડતા મંત્રીઓમાં એક પ્રકારનો ભય ફેલાયો છે. કેટલાક મંત્રીઓએ તો પૂછવાનું પણ શરૂ કર્યું છે કે, શું આખેઆખું મંત્રીમંડળ જ બદલાઈ જશે. અત્યારે આ શક્યતા ખૂબ નહિવત માનવામાં આવે છે. જોકે કેટલાક સિનિયર મંત્રીઓ એવી પણ દલીલ કરે છે કે ભૂતકાળમાં ગુજરાત મોડલમાં આખેઆખું મંત્રીમંડળ બદલી કાઢવાની ઘટના બની છે. આ ફોર્મ્યુલા સફળ પણ બની છે. એટલે હવે સિનિયર મંત્રીઓને પણ ભય સતાવી રહ્યો છે કે ગુજરાતમાં ફરી એક વખત આખેઆખું મંત્રીમંડળ બદલી કાઢી એન્ટી-ઈન્કબટન્સી ખાંડવાનો પ્રયાસ થશે. ગુજરાતમાં 2027 માં વિધાનસભાની ચૂંટણી આવશે. એટલે તેના એક વર્ષ પહેલા આખેઆખું મંત્રીમંડળ બદલી કાઢવામાં આવી શકે. કેટલાક સિનિયર મંત્રીઓ કે પછી એવા મંત્રીઓ કે જે મંત્રીમંડળમાંથી પડતા મૂકાવવાની શક્યતા પ્રબળ છે તેવા મંત્રીઓ પત્રકારો અને રાજકીય આગેવાનો સાથેની વાતચીતમાં કયા કયા મંત્રીઓને પડતા મુકાશે તેની પણ ચર્ચા કરે છે. આ મંત્રીઓ કેમ પડતા મૂકાશે તેના કારણો પણ આપી રહ્યા છે. જોકે પોતાને પડતા નહિ મુકાય તેની દલીલો અને તારણો, તર્ક કરી સાંભળનાર પાસેથી હકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. થોડા દિવસ પહેલા જ એક સિનિયર મંત્રીએ તો ત્યાં સુધી અનુમાન કરી દીધું કે, મંત્રીમંડળનું વિસ્તરણની અફવાઓ ફેલાવીને કેન્દ્રીય નેતૃત્વ કોઈને ખબર ન પડે તે રીતે આખેઆખું મંત્રીમંડળ બદલી કાઢવાના મૂળમાં છે. એટલા જ માટે અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કે ફેરબદલ કરવામાં આવતો નથી. ભૂતકાળમાં કેન્દ્રીય નેતૃત્વ એ કોઈ પણ શેહશરમ વગર આખેઆખું મંત્રીમંડળ બદલી કાઢ્યું હોવાના કારણે અત્યારે વર્તમાન મંત્રીઓમાં ભય પણ ફેલાયો છે.

બૂથ મેનેજમેન્ટની વાતો કરતી કોંગ્રેસ રાષ્ટ્રગાન મેનેજ ન કરી શકે
કોંગ્રેસ હાલ વોટ ચોરીના મુદ્દા પર અનેક જગ્યાએ કાર્યક્રમો આપી રહી છે. જે અંતર્ગત થોડા દિવસ અગાઉ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામે જન અધિકાર અભિયાન અંતર્ગત સભા યોજાઈ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનો હાજર હતા. કાર્યક્રમની શરૂઆતમાં જ વંદેમાતરમ ગાનથી કરવાની જાહેરાત કરાઈ. મંચ ઉપર અને સામે બેઠેલા તમામ લોકો પોતાની જગ્યાએ ઊભા થઈ ગયા. જોકે લાઉડ સ્પીકરમાં વંદેમાતરમ ગાન ન વાગ્યું. તેની જગ્યાએ એ.આર. રહેમાન દ્વારા તૈયાર થયેલ વંદેમાતરમ વાગતા સૌ આગેવાનો શરમજનક સ્થિતિમાં મૂકાયા. એટલે સાઉન્ડવાળાને ખખડાવ્યો પણ ખરો, પણ તેને વંદે માતરમ ગાન ન જ મળ્યું. કોઈએ પણ માઈક પાસે આવીને પોતાને આ ગાન આવડે છે એવી હિંમત પણ ન દાખવી. જાણે કશું થયું જ નથી એ પ્રકારે કાર્યક્રમની શરૂઆત કરી દેવામાં આવી. આ સ્થિતિ પામીને કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાએ કોમેન્ટ પણ પસાર કરી કે બૂથ મેનેજમેન્ટની વાતો કરી 2027ની ચૂંટણી જીતવા નીકળ્યા છો, પણ કાર્યક્રમમાં વંદે માતરમ ગાન મેનેજ નથી કરી શક્તા.
આરોપી સાથે મંત્રીએ પોતાની જૂની મિત્રતા નિભાવી...
ગુજરાતમાં સૌથી ચર્ચાસ્પદ બનેલા બીટુઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાને તાજેતરમાં જામીન આપવામાં આવ્યા. ભુપેન્દ્ર ઝાલાના રાજકીય કનેક્શન અગાઉ પણ ચર્ચાનો વિષય બન્યો હતો. મંત્રીઓ અને રાજકીય આગેવાનો સાથે અનેક કાર્યક્રમોમાં ભૂતકાળમાં ભુપેન્દ્ર ઝાલા દેખાયો છે. જોકે સીઆઈડી ક્રાઈમે ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ કર્યા બાદ અનેક રાજકીય નેતાઓ એ તેની સાથે કિનારો કરી લીધો હતો. લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ ભુપેન્દ્ર ઝાલાને કોર્ટે શરતી જામીન આપ્યા. આ જામીન મળતાં જ ભુપેન્દ્ર ઝાલા મંત્રીમંડળના સભ્ય અને અંગત મિત્ર એવા મંત્રીને મળવા તેમના નિવાસ્થાને પહોંચી ગયો હતો. આ મંત્રીએ પણ પોતાની જૂની મિત્રતા નિભાવતા હોય એવી રીતે ભુપેન્દ્ર ઝાલાને આવકાર આપ્યો હતો. આ વાત રાજકીય નેતાઓ અને અધિકારીઓને ખબર પડતાં તેઓએ પણ એક જ કોમેન્ટ કરી કે આખરે મંત્રી મિત્રએ પોતાની મિત્રતા નિભાવી. સામાન્ય રીતે ખરાબ સમય ચાલતો હોય ત્યારે સ્વાર્થી સંબંધો ઓળખતા જ ન હોય એ પ્રકારે વર્તન કરતા હોય છે. પણ આ મંત્રીએ આરોપી પોતાનો મિત્ર છે તો તેની સાથે મિત્રતા નિભાવી જાણી.

કોંગ્રેસ છોડીને ગયેલું એક જુથ કોંગ્રેસમાં પાછુ ફરી રહ્યુ છે
કોંગ્રેસને રામ રામ કહી ભાજપ કે અન્ય પક્ષમાં જનારની સંખ્યા ઓછી નથી. ધારાસભ્ય હોય સામાન્ય કાર્યકર હોય કે નેતા હોય કોંગ્રેસને રામ રામ કરીને ગયા હોય તેવી સ્થિતિ લાંબા સમયથી જોવા મળી હતી. જોકે અમિત ચાવડા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ હવે આ સ્થિતિમાં ફેરફાર થઈ રહ્યો છે. કોંગ્રેસ છોડીને ગયેલા કોંગ્રેસમાં પાછા ફરી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ભરતસિંહ સોલંકી જૂથના ઘણાય નેતાઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા હતા. જોકે હવે અમિત ચાવડા આવતા ભરતસિંહ સોલંકી જૂથના નેતાઓ કોંગ્રેસમાં ઘર વાપસી કરી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાંથી સૂર્યસિંહ ડાભી, અમદાવાદમાંથી ચેતન રાવલ અને મહોબતસિંહ ઠાકોર કોંગ્રેસમાં પાછા ફર્યા છે. કોંગ્રેસના જ કેટલાક નેતાઓ માને છે કે હવે અમિત ચાવડા આવતા ભરતસિંહ સોલંકી જૂથ અને તેમના ટેકેદારોનો કોંગ્રેસમાં કબજો વધ્યો છે. એટલે જ આ જૂથમાંથી કોંગ્રેસ છોડીને ગયેલા લોકો પાછા કોંગ્રેસમાં આવી રહ્યા છે.