)
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
વેઈટિંગ ફોર પોસ્ટિંગ
સરકારી તંત્રમાં મેન પાવરની અછત અંગે અનેકો વખત ચર્ચા થઈ હશે. જોકે મેન પાવરનો ઉપયોગ ન કરવો તે અણઆવડત જ ગણાય. રાજ્યમાં અત્યારે 9 થી 10 IPS ઓફિસરો બિલકુલ મફતનો પગાર લઈ રહ્યા છે. સરકારે પ્રમોશન આપી વેઈટિંગ પર પોસ્ટિંગમાં મૂક્યા છે. આ IPS ઓફિસર માં અનેક ધુરંધર IPS ઓફિસરોના નામોની યાદી છે. ચૈતન્ય માંડલિક, હિતેશ જોયસર, તરુણ દુગ્ગલ, આર. વી. ચુડાસમા, જી એ પંડ્યા, સુજાતા મજબુદાર જેવા આઇપીએસ ઓફિસરોનો વેટિંગ પર પોસ્ટિંગ માટે સમાવેશ થાય છે. ત્રણ મહિનાથી વધુ સમય થયો, છતાં હજુ પોસ્ટિંગ આ અધિકારીઓને આપવામાં આવ્યું નથી. રાજ્યના આઈપીએસ ઓફિસરોમાં ગોસિપ પણ શરૂ થઈ છે કે, આ પ્રકારે કેવી રીતે વહીવટ ચાલી શકે. અનેક જગ્યાઓ ખાલી છે. માત્રને માત્ર અનેક પોલીસ ઓફિસરો પ્રમોશનની રાહ જોઈને બેઠા છે. કદાચ તેના કારણે આ પોસ્ટિંગ ન અપાયા હોય પણ ત્રણ ત્રણ મહિના સુધી આ પ્રકારની ઘટના વહીવટી તંત્રનો અરીસો બતાવે છે.
મુખ્યમંત્રીના ફોનનું પણ રેકોર્ડિંગ થયું?
આજકાલ રાજકારણમાં ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો ટ્રેડ ચાલે છે. અનેક રાજકીય નેતાઓના ફોનનું રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવે છે. આ વાયરલ રેકોર્ડિંગથી રાજનેતાઓની ઈમેજ બગાડવા કે નકારાત્મકતા ઊભી કરવા થતું હોય છે. જોકે મુખ્યમંત્રીના ફોનનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું. આ રેકોર્ડિંગ મુખ્યમંત્રીની સહજતા અને લાગણીશીલતા બતાવવા કરાયું. મુખ્યમંત્રીનો કાર્યક્રમ નિયત કરવામાં આવી રહ્યો હતો, જગ્યા પસંદ પણ કરવામાં આવી. જોકે આ જગ્યાએ દીકરીના લગ્ન પ્રસંગ માટે બુકિંગ હતું. સરકારી તંત્ર સામાન્ય રીતે આ પ્રકારનું બુકિંગ હોય તો મુખ્યમંત્રીના કાર્યક્રમને કારણે બુકિંગ રદ કરતું હોય છે. અને છેલ્લી ઘડીએ આમ થાય તો દીકરીના લગ્નમાં ભારે મુશ્કેલી સર્જાય. આ વાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખબર પડી એટલે તેઓએ તાત્કાલિક અસરથી પોતાના કાર્યક્રમનું સ્થળ બદલવા વહીવટી તંત્રને સૂચના આપી. મુખ્યમંત્રીએ પોતે દીકરીના પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી અને પોતે સ્થળ બદલવાનો નિર્ણય લીધો છે અને દીકરીના પિતા પોતાની દીકરીના લગ્ન શાંતિથી કરે તે પ્રકારની વાતચીત કરી. મુખ્યમંત્રીએ પોતે દીકરીના પિતાને અન્ય મુશ્કેલી હોય તો પણ પોતાનો સંપર્ક કરવાનું કહીને પોતાની સંવેદનાશીલતા બતાવી. આ રેકોર્ડિંગ પણ વાયરલ થયું. એટલે મુખ્યમંત્રીના ફોનનું પણ રેકોર્ડીગ થયું. જોકે આ હકારાત્મકતા માટેનું રેકોર્ડિંગ હતું.

નાયબ મુખ્યમંત્રીની ધીરજ ખૂંટી?
ગુજરાતના સૌથી યુવા અને ડાયનેમિક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના ટીકાકારોને બોલીને નહીં એક્શનથી જવાબ આપતા હોય છે. જો કે નાયબ મુખ્યમંત્રીની પણ ધીરજ ખૂટી હોય એ પ્રકારે તેમની પ્રકૃતિથી વિરુદ્ધ જઈને જાહેર મંચ ઉપરથી પોતાના વિરોધીઓને જવાબ આપ્યો. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા થોડા દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રીના અભ્યાસને લઈને ટીકાઓ કરવામાં આવી. આ અગાઉ પણ આઈપીએસ ઓફિસર સાથે પોલીસ ભવનમાં જીગ્નેશ મેવાણી સામસામે આવી ગયા હતા. અત્યાર સુધી ધીરજ રાખીને બેઠેલા હર્ષ સંઘવીની ધીરજ આ વખતે ખૂટી પડી.
મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીના નામનો ઉલ્લેખ કર્યા વગર હર્ષ સંઘવીએ સીધો જવાબ આપ્યો. ‘ભણેલા ભલે હોય પણ સંસ્કાર નથી...’ તેવી વાત કરી. કોઈપણ વ્યક્તિના પટ્ટા ઉતારી દેવાની જિગ્નેશ મેવાણીની ધમકી બદલ પણ પોલીસ ઓફિસર અને પોલીસ કર્મચારીઓના પડખે હર્ષ સંઘવી આવ્યા. નાયબ મુખ્યમંત્રીએ સરકારી કર્મચારી અધિકારીઓને આવી ધમકીઓથી નહીં ગભરાવવા તાકીદ કરી. જો કે કોંગ્રેસના યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચેનું આ શાબ્દિક યુદ્ધ હજુ આગળ વધશે તેવા સંકેતો મળી રહ્યા છે.
આમ પણ વિરોધ પક્ષના સભ્યો જિગ્નેશ મેવાણી, ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવાની સામે સરકાર અને ભાજપ યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જ મેદાનમાં ઉતારે છે. અને એટલે જ વિરોધ પક્ષના આ સભ્યો હર્ષ સંઘવીના ભણતર પર ટીકા કરી રાજનીતિ કરે છે. પણ બહુ ઓછાને ખબર હશે કે વર્તમાન મંત્રીમંડળમાં બહુ ઓછા નેતાઓ ગુજરાત અને ગુજરાત બહાર કે વિદેશમાં ફાંકડું અંગ્રેજીમાં સંબોધન કરી શકે છે. તેમાં ધોરણ આઠ પાસ હર્ષ સંઘવીનો પણ સમાવેશ થાય છે.
સિનિયર IAS અધિકારીના દિલ્હીમાં આંટાફેરા
મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મુખ્ય સચિવ બનેલા એમ.કે. દાસની ખાલી જગ્યા ઉપર આવવા લોબિંગ ચાલુ થયું છે. બે મહત્વની જગ્યાઓ એમ. કે. દાસ મુખ્ય સચિવ બનતા ખાલી થઈ છે. એક મહિલા અધિકારીએ દિલ્હી સુધી આ કામ માટે લોબિંગ શરૂ કર્યું હોવાની ચર્ચા છે. કેટલાક સિનિયર IAS અધિકારી આ મહિલા અધિકારી સરકારની ગુડ બુકમાં આવવા પ્રયત્નશીલ હોવાની વાતો વહેતી કરી છે. ભૂતકાળની સરકારોમાં આ મહિલા અધિકારીનો ભારે દબદબો હતો. જો કે તે દબદબો હવે રહ્યો નથી. હવે આ મહિલા અધિકારી પુનઃ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીની ગુપ્ત મુલાકાતે પણ જઈ આવ્યા છે. આ મુલાકાતમાં પોતાની નિષ્ઠા પુરાવાર કરવાનો પણ પ્રયત્ન કર્યો હોવાની ચર્ચા સચિવાલયમાં થઈ રહી છે. કદાચ એટલે જ હજુ સુધી મહત્વની જગ્યાઓ ભરાઈ નથી. દિલ્હીની મુલાકાતે જઈને આવ્યા બાદ આ મહિલા અધિકારીને વિશ્વાસ છે તે તેઓને બેમાંથી એક જગ્યા તો ચોક્કસ મળશે. આ મહિલા અધિકારી ભવિષ્યમાં મુખ્ય સચિવની જગ્યા માટે પણ દાવેદાર ગણાય છે.