ગાંધીનગરના કાવાદાવા : પાટીદાર CM કેશુભાઈ પટેલને પણ ન મળેલું સન્માન રૂપાણીને મળ્યું, મંત્રીઓ વચ્ચે સ્પર્ધા જામી

Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
 

ગાંધીનગરના કાવાદાવા : પાટીદાર CM કેશુભાઈ પટેલને પણ ન મળેલું સન્માન રૂપાણીને મળ્યું, મંત્રીઓ વચ્ચે સ્પર્ધા જામી

Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.

પાટીદાર મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ ન મળેલું સન્માન વિજય રૂપાણીને મળ્યું 
પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મૃત્યુ પછી ન કલ્પી શકાય તેવું સન્માન આપવામાં આવ્યું. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પાટીદાર મોભી ગણતા કેશુ બાપાને પણ મૃત્યુ પછી આ પ્રકારનું સન્માન ભાજપ દ્વારા આપવામાં આવ્યું ન હતું. કમલમ કાર્યાલય પર કોઈ નેતાની યાદમાં પ્રાર્થના સભા પ્રથમ વખત યોજવામાં આવી. રાજકોટમાં પણ અંતિમ યાત્રા અભુતપૂર્વ રહી. ભાજપના નેતાઓએ પણ વિચાર ન કર્યો હોય તેવું મરણોત્તર સન્માન સ્વર્ગસ્થ વિજય રૂપાણીને આપવામાં આવ્યું. એક સામાન્ય કાર્યકર તરીકેની શરૂ કરેલી સફર પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી સુધીની રહી. જો કે પાર્ટી માટેની વફાદારી વિજયભાઈ જીવ્યા ત્યાં સુધી નિભાવી. ગુજરાતમાં ભાજપનો પાયો નાંખનારમાંના એક કેશુભાઈ પટેલ પણ ભાજપ સામે બગાવત કરી હતી. કદાચ વિજય રૂપાણીની આ વફાદારીને જ કારણભૂત હોય. પણ વિજય રૂપાણીના જુથના નેતાઓ અને કાર્યકરોએ પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરી નાંખ્યું હોવાની રાજકીય ચર્ચા છે. છેલ્લા કેટલાય સમયથી સાઈડલાઈન થયેલા નેતાઓએ ભાજપ પર પોતાનો પણ એટલો જ અધિકારી હોવાનો સંદેશો વિરોધી જુથને આપી દીધો હોવાની ચર્ચા ચાલી છે.

એક મંત્રી સોશિયલ મીડિયા પર સ્પર્ધા કરતા હોય તેમ હાઇપર એક્ટિવ થયા
ગત સપ્તાહ દરમિયાન પ્લેન ક્રેશની ઘટનાથી સૌ કોઈ દુઃખી હતા. આ એક અકલ્પનીય ઘટના પણ હતી. જો કે રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સોશિયલ મીડિયા પર હાઇપર એક્ટિવ થયાની ચર્ચાએ સચિવાલયમાં ચાલી. પ્લે ક્રેશની ઘટનામાં સિવિલ હોસ્પિટલની કે આરોગ્ય વિભાગની કામગીરીની રજેરજની માહિતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સોશિયલ મીડિયામાં આપી. સામાન્ય રીતે મંત્રી ઋષિકેશ પટેલ સોશિયલ મીડિયામાં ઓછા એક્ટિવ હોય છે. પણ મૃતકોના ડીએનએ કેટલા થયા તેની માહિતી ટ્વીટ કરીને આપી. જો કે ડીએનએ મેચ થયા તેના ટ્વીટ કરવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એક્ટિવ હતા. સોશિયલ મીડિયામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહેલાથી જ એક્ટિવ છે. જોકે આ વખતે પ્રથમ વખત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ વચ્ચે ટ્વીટ કરીને જાણકારી આપવાની સ્પર્ધા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી. બંને વચ્ચે સ્પર્ધા નહીં પણ સહયોગ હોવાનો દાવો મંત્રીઓ એ કર્યો. 

Gandhinagar Na Kavadava

હવે ખબર પડશે કે લગ્નના કે ચૂંટણીના ઘોડા કોણ છે
કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લાંબા સમયથી અટકેલી શહેર જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરી દીધી છે. રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત દરમિયાન લગ્નના ઘોડા અને ચૂંટણીના ઘોડા સંદર્ભે કરેલી કોમેન્ટ ગુજરાત કોંગ્રેસના નેતાઓ માટે હતી. ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરી ચૂંટણી પ્રક્રિયા કરી શહેર અને જિલ્લા પ્રમુખોની પસંદગી કરી છે. ઘણી બધી જગ્યાએ જૂના જોગીને રિપીટ કરાયા છે, તો ઘણી જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપ્યું છે. આ નિમણૂંક થયા બાદ હવે પ્રદેશ કક્ષાએ નવી બોડી બનાવવામાં આવશે. આ બોડી બને એમાં લગ્નના ઘોડાઓને સાઇડટ્રેક કરાશે. તેમની પાસેથી સંગઠન કે અન્ય કામગીરીથી દુર રાખવામાં આવશે. કોંગ્રેસના યુવરાજ દ્વારા લગ્નના ઘોડા અને ચુંટણીના ઘોડા અંગેના નિવેદનનું કેટલું અમલીકરણ પ્રદેશ કક્ષાની કોંગ્રેસની બોડીમાં થાય છે તે હવે જોવાનું રહેશે. જોકે શહેર અને જિલ્લા પ્રમુખોની યાદીમાં જાહેર થયેલા નામોમાંથી કોંગ્રેસમાં જ જે લગ્નના ઘોડા છે તેમના માણસો ગોઠવાઈ ગયા હોવાની પણ ચર્ચા છે.

એક સમયે વિશ્વાસુ ગણાતા આઈએએસ અધિકારીઓ ફરક્યા પણ નહીં
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે હાલના કેટલાક સિનિયર આઈએએસ અધિકારીઓ વિજયભાઈના ખાસ વિશ્વાસુ ગણાતા. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી બદલાઈ ગયા. પછી આ વિશ્વાસુ અધિકારીઓને સાઈડ પોસ્ટિંગનો સામનો પણ કરવો પડ્યો. મુખ્યમંત્રી કાર્યાલયમાં અને મહત્વના વિભાગોમાંથી આ અધિકારીઓની વિદાય થઈ. જોકે કેટલાક ચતુર અધિકારીઓએ નવી સરકારમાં પણ ધીમે ધીમે મુખ્ય પ્રવાહમાં અને મહત્વના વિભાગોમાં ગોઠવાઈ ગયા. જોકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર મળતા તેમના સમયમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસ બોયથી માંડીને કેટલાક આઈએએસ અધિકારીઓ દોડીને વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચી ગયા. સતત ત્રણ દિવસ તેઓ મુલાકાતો લેતા રહ્યા. જોકે જે-તે સમયે ખાસ વિશ્વાસુ ગણાતા કેટલાક એવા પણ અધિકારીઓ હતા કે તેઓ આ વખતે ફરક્યા જ નહીં. કદાચ તેઓને ડર હશે કે માંડ માંડ ભુપેન્દ્ર પટેલની સરકારમાં સેટ થયા છે અને વિજય રૂપાણીના નિવાસ્થાને જઈશું તો લોકોની આંખે ચઢીશું. વિજય રૂપાણી સાથે કામ કરી ચૂકેલા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અને અગ્ર સચિવ અશ્વિનીકુમાર જેવા અધિકારીઓ અંજલી રૂપાણી અને સંતાનોને મળી સાંત્વના પણ પાઠવી. જોકે કાગડાને બેસવું અને ડાળનું પડવું તેવો ઘાટ અશ્વિનીકુમારનો થયો. આ ઘટનાને ત્રીજા દિવસે શહેરી વિકાસ વિભાગ જેવા મહત્વના વિભાગમાંથી બદલી કરાઈ. 13 આઈએએસ અધિકારીઓની એકાએક થયેલી બદલીમાં અશ્વિનીકુમારની બદલીએ ખાસ ચર્ચા જગાવી.

Gandhinagar Na Kavadava

વિકાસ સહાયને સહાય મળવી મુશ્કેલ 
રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આ મહિનાના અંતે નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે અત્યાર સુધી તેમને ત્રણ મહિનાનું એકટેન્શન આપવામાં આવશે તેવું લગભગ નિશ્ચિત મનાતું હતું. પણ cid crime માં આઇપીએસ અધિકારીઓના આંતરિક વિવાદો અને તેમાં ડીજીપી વિકાસ સહાયના ખભાનો ઉપયોગ થઈ ગયો. આ ઘટના બાદ ખુદ વિકાસ સહાય પણ વ્યથિત છે. નિવૃત્તિના મહિને જ તેઓ વિવાદમાં આવ્યા. પોલીસ તંત્ર અને સરકારની આ વિવાદથી ભારે બદનામી થઈ. જેની સીધી નુકસાની ખુદ ડીજીપી વિકાસ સહાયને ચૂકવવાનો સમય આવ્યો. આ ઘટના અગાઉ બિનવિવાદ અને સરકાર સાથેના સારા તાલમેલ માટે જાણીતા હતા. એટલે ગૃહ વિભાગમાં ચર્ચા તો હતી કે વિકાસ સહાયને ઓછામાં ઓછા એક અને બે એક્સટેન્શન આપવામાં આવી શકે છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કેટલાક નિવૃત ips અધિકારીઓ માની રહ્યા છે કે આ cid crime નો સમગ્ર વિવાદ વિકાસ સહાયને નુકસાન કરવા જ ઉભો કરાયો હતો. આઇપીએસ અધિકારીઓની આંતરિક ખેંચતા, ગુજરાતી અને બિન ગુજરાતી લોબી સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી વિકાસ સહાયને એક્સટેન્શન આપવું મુશ્કેલ બનશે. હવે જોવાનું એ છે કે વિકાસ સહાયને કોઈની સહાયતા એક્સટેન્શન માટે મળે છે કે કેમ.

ભણેલા કરતાં અભણ સારા.. IAS અને IPS અધિકારીઓને અભણે મેણું માર્યું!
રાજ્ય સરકારમાં સર્વોચ્ચ સત્તા આઈએએસ અને આઇપીએસ અધિકારીઓ ભોગવતા હોય છે. સૌથી વધુ હોશિયાર અને ભણેલા પણ ગણાતા હોય છે. જોકે બે સપ્તાહ પહેલા શાળા પ્રવેશ ઉત્સવની બેઠક દરમિયાન વિચિત્ર ઘટના બની. સ્વર્ણિમ સંકુલ-1 માં આ બેઠક ચાલુ હતી. આ બેઠક દરમિયાન આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની ગાડીઓ સંકુલની બહાર લાઈનમાં લાગી ગઈ. જેના કારણે માર્ગ પર અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. એક અભણ કાકાને પણ આ મુશ્કેલી પડી. એટલે ટ્રાફિક પોલીસને બોલાવીને કાકાએ ‘નો પાર્કિંગ’નું બોર્ડ બતાવ્યું. આ ભણેલા ગણાતા અધિકારીઓને સ્વર્ણિમ સંકુલ-1 ની બહાર ‘નો પાર્કિંગ’ બોર્ડ વાંચી શક્તા નથી. કાકાએ ત્યાં સુધી કહી દીધું કે, હું અભણ છું પણ મને ખબર પડે છે કે અહીં ગાડી પાર્ક ન કરાય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news