)
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
સરકારની ખેડૂતો માટેની ઐતિહાસિક સંવેદનાઓ સરકારી કાગળ ઉપર ન રહે?
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કરાયું. 10000 કરોડ નું આ પેકેજ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ન અપાયું હોય તેવું પેકેજ છે. વિપક્ષ ટીકા કરશે તે રાજકીય દાવપેચનો ભાગ છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર વખતે કે દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારનું પેકેજ નથી અપાયું. જોકે હવે સવાલ એ છે કે મુખ્યમંત્રીએ દાખવેલી ખેડૂતો માટેની આ સંવેદના જલ્દી ખેડૂતો સુધી પહોંચે તે જરૂરી છે. સરકારી બાબુઓ નિયમો અને પરિપત્રો કરવામાં વિલંબ કરીને સંવેદનાને સૂકવી શકે છે. આ ભય સ્થાન રાજકીય પક્ષ તરીકે ભાજપે સમજવું પડશે. 2024 માં સિદ્ધાંતિક રીતે મંજૂરી આપેલા આવા જ રાહત પેકેજ 2025 માં જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે સરકારી બાબુઓના નિયમો અને નીતિ ઉપર કંટ્રોલ મેળવવો જરૂરી છે. સરકારે ખેડૂતો માટે અસાધારણ કહી શકાય તેવું રાહત પેકેજ આપ્યું છે. જોકે તેની અમલવારી શરૂ થાય પછી જ ખેડૂતોને લાભ મળશે. જેટલો વિલંબ થશે એટલું જ ખેડૂતોમાં અસંતોષ વધશે અને રાજકીય વિરોધીઓ કે રાજકીય પક્ષો તેનો ભરપૂર લાભ લેશે. જેમાં કશું ખોટું પણ નથી, કારણ કે તેઓ રાજકારણમાં મંજીરા વગાડવા નથી આવ્યા.
જગદીશ વિશ્વકર્મા સીઆર કરતાં એક સ્ટેપ આગળ, રાજકીય ચાલાકીનો ચમત્કાર બતાવ્યો
ભાજપના પ્રદેશ પ્રમુખને અકલ્પનીય પાવર પક્ષ આપે છે. જેનો જીવતો જાગતો દાખલો ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રહ્યા છે. તેમના અનેક નિર્ણયો અનેક લોકોની અસંમતિ પછી પણ લઈ શકાયા. હવે વારો પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનો આવ્યો છે. જગદીશ વિશ્વકર્માએ પણ એક સ્ટેપ આગળ વધી નિર્ણય લેવાની શરૂઆત કરી. ભાજપના માળખા પ્રમાણે પ્રદેશ પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ તે પોતાની ટીમ બનાવી શકે. ચોક્કસ તેમાં ઉપરથી માર્ગદર્શન લેવામાં આવતું હોય છે. જોકે હવે જિલ્લા પ્રમુખોએ પોતાની ટીમ બનાવતા પહેલા પ્રદેશના નિરીક્ષકો સાથે સેન્સ પ્રક્રિયામાં જોડાવવું અને પેનલના આધારે નામો મોકલવા પડશે. અત્યારે મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પ્રકારનો નિર્ણય લેવા પાછળ રાજકીય ગણિત રહેલું છે. પૂર્વ પ્રમુખના કાર્યકાળ દરમિયાન તમામ જિલ્લાઓમાં પ્રમુખની નિમણૂંક થઈ ચૂકી છે. આથી જિલ્લા પ્રમુખ પોતાની ટીમ બનાવે તો તેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખની છાપ ચોક્કસ દેખાય. તેનાથી જિલ્લા સ્તર સુધી પૂર્વ પ્રમુખનો જ કંટ્રોલ સીધો કે આડકતરો રહે. આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે જ પ્રદેશ પ્રમુખે રાજકીય ચાલાકી કરી સેન્સ પ્રક્રિયા અને નિરીક્ષક મોકલ્યા. નવા પ્રદેશ પ્રમુખની છાપ પણ રહે અને પોતાનો કંટ્રોલ પણ ઉભો કરી શકે. જો કે આ સ્થિતિ ભવિષ્યમાં જિલ્લા સ્તર સુધી આંતરિક રાજકારણ કે જૂથવાદ વકરી શકે છે.

IAS અને IPS માં નિર્ણય ન લેવો તે પણ એક નિર્ણય કે સરકારની અણઆવડત?
ગુજરાત સરકારમાં વહીવટી પાંખ એટલે IAS અને IPS ઓફિસર સહિતના અધિકારી કર્મચારી ગણાય. જોકે છેલ્લા કેટલાય વખતથી આ વહીવટી પાંખ મૂંઝવણમાં મૂકાઈ છે. રાજ્યના મુખ્ય સચિવ કે વહીવટી પાંખના વડા મનોજ દાસ બન્યા. આ હોદ્દા પર આવે દસ દિવસથી વધુ સમય પૂર્ણ થયો છે. હજુ સુધી મનોજ દાસ પાસેના હોદ્દાઓ પર કોઈની નિમણૂંક કરવામાં આવી નથી. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ જેવી જગ્યાઓ ચાર્જ પણ સોંપાયો નથી. સિનિયર અધિકારી સુનયના તોમર સંદર્ભમાં નિર્ણય પણ લેવામાં આવ્યો નથી. આજ સ્થિતિ IAS ની જગ્યાઓ ઘણી બધી ચાર્જમાં ચાલે છે. તેવી સ્થિતિ જ ગૃહ વિભાગમાં પણ છે અનેક અધિકારી વેટિંગ ઈન પોસ્ટિંગ, પ્રમોશન કે બદલીની રાહ જોઈને બેઠા છે. કદાચ સરકારે કોઈ નિર્ણય ન લઈને નિર્ણય લીધો હોઈ શકે અથવા સરકારની અણઆવડત હોવાની ચર્ચા આ જ સરકારી બાબુઓમાં શરૂ થઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામતનું ભૂત ફરી સામે આવ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે ગુજરાતના રાજકારણ માટે સૌથી મહત્વની બનશે. જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન ચૂંટણી યોજાશે. આ વખતે નવી મહાનગરપાલિકાઓ સહિત જૂની મહાનગરપાલિકાઓ એમ કુલ 17 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જેના કારણે સૌનું ધ્યાન તેની ઉપર રહેશે. OBC ની 27% અનામત પછી આ સૌથી મોટી ચૂંટણી હશે. જોકે તે પહેલા જ EWS ને 10% અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મળવી જોઈએ તેવી માંગણી શરૂ થઈ છે. શૈક્ષણિક રીતે રાજ્યમાં EWS અપાય છે, જે હવે રાજકીય રીતે પણ આપવી જોઈએ તેવી માંગણી પાટીદાર આંદોલનના નેતાઓએ કરવાની શરૂ કરી છે. સુરતથી અલ્પેશ કથીરિયા, ગાંધીનગરથી દિનેશ બાંભણિયાએ આ માંગણી કરી. સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નહીં અપાય તો કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી. આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શૈક્ષણિક રીતે મળતું હોય તો રાજકીય રીતે પણ મળી શકે. તે મુદ્દો ઉઠાવી સામાજિક રીતે મોટું રાજકીય ધ્રુવીકરણ પણ થઈ શકે. સવર્ણ સમાજ આ મુદ્દા પર એક જૂથ થઈ શકે તો તેના રાજકીય અસરો ચૂંટણી અને રાજકારણમાં જોવા મળે.