ગાંધીનગરના કાવાદાવા : કમલમમાં CR નહીં JV ના માણસો ચાલશે! રાજકારણમાં OBC કાર્ડ ચાલ્યું
Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Trending Photos
)
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
વિશ્વકર્માના રાજકીય મિત્રોની સ્થિતિ 3 idiots જેવી સર્જાઈ
પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની તાજપોશી થઈ ચૂકી છે. તાજપોશીના દિવસે કમલમ ઉપર જગદીશ વિશ્વકર્મા ખુશ હોય તે સ્વાભાવિક છે. જોકે તેમના રાજકીય મિત્રોની સ્થિતિ 3 idiots ના રેન્ચો (આમિર ખાન) ના મિત્રો ફરહાન અને રાજુ જેવી જોવા મળી. ફિલ્મમાં રેન્ચોનું નામ પરિણામના લિસ્ટમાં ન દેખાયું એટલે તેમના અંગત મિત્રો દુઃખી થયા. પણ જ્યારે ખબર પડી કે રેન્ચોને ભણવામાં પ્રથમ નંબર આવ્યો છે, તો પહેલા કરતા પણ વધારે દુઃખી થયા. આ જ દ્રશ્યો ભાજપના કમલમ કાર્યાલય પર નજરે પડ્યા. મંત્રીમંડળના જગદીશ વિશ્વકર્માના અંગત મિત્રો હોય કે ભાજપમાં જ રહેલા એક જ જૂથના મિત્રો પણ પ્રમુખ પદ જેવું મહત્વનો હોદ્દો મળતા દુઃખી પણ નજરે પડતા હતા. પોતાનાથી મોટું પદ મળી ગયું તેનું દુઃખ આવા અનેક મિત્રોના ચહેરા પર નજર આવ્યું. સ્ટેજ ઉપર શુભેચ્છા આપવાની પહોંચેલા આવા મિત્રો આર્ટિફિશિયલ ખુશી વ્યક્ત કરતા હોય તે જોઈ શકાતું હતું.
ભાજપમાં ‘કહી ખુશી કહી ગમ’ તો કહી ડરનો પણ માહોલ
પ્રદેશ ભાજપમાં સવા પાંચ વર્ષથી સી.આર. પાટીલે પ્રદેશ પ્રમુખ તરીકે રાજ કર્યું. હવે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બન્યા. આ ઘટના ભાજપ માટે સહજ છે. ભાજપના નેતાઓ પણ કહેવામાં વ્યક્તિ નહીં પણ પક્ષ જેવી વાતો પણ કરે છે. જોકે સાચી વાસ્તવિક સ્થિતિ ભાજપના કમલમ કાર્યાલયમાં જોવા મળે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થતાં જ કમલમ કાર્યાલયમાં કહી ખુશી કહી ગમ તો કહી ડરનો માહોલ જોવા મળ્યો. જગદીશ વિશ્વકર્માના ટેકેદાર કાર્યકરો ખુશ થાય એ સ્વાભાવિક છે. જેમનું કમલમ પર ઓછું આવનજાવન હતું, તેઓ વધારે આવવાની શરૂઆત થઈ. સીઆર પાટીલ સાથે હોદ્દાથી કે દિલથી કે સ્વાર્થથી જોડાયેલા નેતા કે કાર્યક્રમમાં દુઃખ હોય એ પણ સ્વભાવિક છે. જો કે ભાજપના કમલમ કાર્યાલયમાં અલગ અલગ ભૂમિકા ભજવતા કાર્યકરોમાં ડરનો માહોલ પણ ઉભો થયો છે. સી. આર. પાટીલ પ્રમુખ બન્યા ત્યારે આ કાર્યકરો નેતાઓ પાટીલની ટીમ સાથે કમલમમાં આવ્યા હતા. હવે જગદીશ વિશ્વકર્માની ટીમ કમલમ કાર્યાલયમાં આવશે એટલે પોતાનો સ્વાર્થ કે પાર્ટી માટેની નિષ્ઠા બધું બાજુ પર રાખી તેઓએ વિદાય લેવી પડશે. આ વાતનો ડર કેટલાય કાર્યકરોમાં આંસુરૂપી નીકળ્યો હોવાની જાણકારી પણ મળી રહી છે. સત્ય વાત એ છે આ લોકો પણ જ્યારે કમલમમાં આવ્યા ત્યારે અગાઉના પ્રમુખની ટીમના સભ્યોની પણ સ્થિતિ આ જ થઈ હતી. કેટલાક કાર્યકરો ખુશીમાં બોલ્યા પણ ખરા કે હવે કમલમમાં CR નહીં JV ના માણસો ચાલશે.

ઓબીસી સમાજ સાથે અન્ય સમાજનું સમીકરણ તે જ જીતની ફોર્મ્યુલા
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027 વિધાનસભા ચૂંટણીની તૈયારી રાજકીય પક્ષોએ પૂરી કરી લીધી છે. સત્તાધારી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઓબીસી કાર્ડ ખેલ્યું છે. ત્રણેય પક્ષોએ પોતાના પ્રમુખ ઓબીસીને બનાવ્યા છે. એટલે ઓબીસી કાર્ડ કોમન બન્યું. જેના કારણે હવે અન્ય જ્ઞાતિઓને ખૂબ લાભ થવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામત બેઠકો ત્રણેય પક્ષોએ ફરજિયાત ભરવાની છે. જેના કારણે હવે બાકીની બેઠકો એસસી અને એસટી અનામત સિવાયની બેઠકોની ફાળવણી મહત્વની બનશે. અત્યારે ભાજપ દ્વારા ઓબીસી સમાજમાંથી આવતા જગદીશ વિશ્વકર્મા અને પાટીદાર મુખ્યમંત્રીની જોડી બનાવી. કોંગ્રેસે ઓબીસી નેતા અમિત ચાવડા સાથે આદિવાસી નેતા તુષાર ચૌધરીની જોડી બનાવી. જ્યારે આપ પાર્ટીએ ઓબીસી નેતા ઈસુદાન ગઢવી સાથે પાટીદાર નેતા ગોપાલ ઈટાલીયાની જોડી બનાવી. આજ બતાવે છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં જાતિ આધારિત રાજકારણને વધારે ચાલશે.
એક આઇપીએસ અધિકારી પર સરકારની નજર
રાજ્ય સરકારે નવા રાજ્યના પોલીસ વડા કોણ હશે કે કોણ બની શકે તે માટેની કવાયત હાથ ધરી છે. હાલ વિકાસ સહાય રાજ્યના પોલીસ વડા છે. તેઓને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જોકે ત્યાર પછી નવા પોલીસ વડા કોને બનાવવા તે એક મોટો પ્રશ્ન છે. વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં નહોતું આવ્યું ત્યાં સુધી આ પ્રશ્ન ખૂબ ચર્ચાઓ અનેક નામો સામે આવ્યા હતા. જોકે તે વખતે વિકાસ સહાયને એક્સટેન્શન આપી ચર્ચા પર અલ્પવિરામ મૂકાયું. છેલ્લા છ વર્ષથી સરકારની ગુડ બુકમાં નથી તેવું કહી કે માની લઈને 1992 બેચના ips અધિકારી ડોક્ટર કે. એલ. એન. રાવને જેલ વિભાગમાં રાખવામાં આવ્યા. જો કે હવે કે. એલ. એન. રાવને cid crime ના વડા તરીકે મૂકી સરકારે આઈપીએસ અધિકારીઓને આશ્ચર્યચકિત કર્યા. આઈપીએસ અધિકારી મનોજ અગ્રવાલ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમની જગ્યાએ સિનિયર આઇપીએસ કે. એલ. એન. રાવને મૂકવામાં આવ્યા. તેમની પાસે હજુ જેલનો પણ ચાર્જ રખાયો છે. સરકાર દ્વારા કે એલ. એન. રાવની આ નિમણૂંકને આઇપીએસ અધિકારીઓ નવા ડીજીપી તરીકેના નામ તરીકે જોઈ રહી છે. ડોક્ટર કે. એલ. એન. રાવ પાસે નિવૃત્ત થવાનો હજુ ધણો સમય છે. cid crime ના વડા તરીકે ગૃહ વિભાગ અને સરકાર સાથેનું તાલમેલ કેવું રહે છે, તેના ઉપર સરકારના ભવિષ્યનો નિર્ણય લેવાશે તેવું પણ આઈપીએસ અધિકારીઓમાં ચર્ચા ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














