)
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
ખેડૂતોના મુદ્દે વિપક્ષને તક દેખાય તો ભાજપે થાપ ખાધી
ગુજરાત ઉપર કુદરત રૂઠી છે! આ શબ્દો રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીના છે. તેમની વાત પણ સાચી છે જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોના બેહાલ કર્યા છે. કુદરત સામે કોઈનું ન ચાલે. જોકે કુદરતી આફત ને અવસરમાં પલટવાની ભાજપ સરકારની પરંપરા આ વખતે તૂટતી દેખાય છે. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની સ્થિતિને તકમાં ફેરવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ખેડૂતોના આંદોલન લાંબા સમય બાદ સમગ્ર ગુજરાતમાં શરૂઆત થતાં જોવા મળ્યા. જોકે રાજ્ય સરકાર નુકસાનીના સરવેમાં જ અટવાયેલી જોવા મળી. 20 દિવસમાં સરવે, સાત દિવસમાં સરવે અને આખરે મુખ્યમંત્રીએ ત્રણ દિવસમાં સરવે કરવાની વાતો કરી. જોકે ગુજરાતના બેહાલ થયેલા ખેડૂતને સરવે નહીં, પરંતું સરકાર પાસે વળતરની અપેક્ષા છે. ગુજરાતનો ખેડૂત સરકાર અને ભાજપ પાસે "સરવે પછી પહેલા ખેડૂત" ની નીતિની અપેક્ષા રાખીને બેઠો. જો કે તેનાથી વિપરીત સરકારે નુકસાનીનો પ્રાથમિક અંદાજ મેળવવાને પ્રાથમિકતા આપી. તેના કારણે વિપક્ષને રાજનીતિ માટે મોકળું મેદાન મળી ગયું. નિર્દોષ ખેડૂતને પોતાની વ્યથા ઠાલવવા વિપક્ષરૂપે રાજકીય હથિયાર મળ્યું. વિપક્ષે પણ ખેડૂતને કોમોસમી વરસાદનું વળતર જ નહીં પણ ખેડૂતના દેવા માફી જેવી બુલંદ માંગણી પકડાવી દીધી. રાજકીય નિષ્ણાતોના મતે, ભાજપ દ્વારા વિલંબની નીતિ અપનાવી પગ ઉપર કુહાડો માર્યો છે. જો હજુ વહેલી તકે ભાજપ સરકાર નક્કર પગલા નહીં ભરે તો ભાજપને રાજકીય નુકસાન સહન કરવું પડશે. ગુજરાતમાં વિપક્ષ જમીન શોધી રહ્યો છે, તો આ ખેડૂતોનો મુદ્દો વિપક્ષના રાજકીય પગ મજબૂત કરશે.
સરકાર અને સંગઠન નજીક આવ્યા, પણ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ આમને-સામને
ગુજરાતની રાજનીતિમાં ભાજપ સરકાર અને ભાજપ સંગઠન સાથે રહી કામ કરે તેવી રાજકીય ચર્ચાઓ અનેક વખત થઈ છે. સરકાર અને સંગઠન સતત એકબીજા પર ભારે રહેવાના પ્રયત્નો કરતી રહી છે. જોકે સરકારમાંથી જ પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વચ્ચે ખૂબ સારા સંબંધો છે. જોકે આપણે અહીં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વધારે નજીક રહેવા ગયા હોવાની વાત કરવી છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગરમાં સેક્ટર 20 માં સરકારી બંગલો લીધો છે. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર અને સિનિયર ias અધિકારીઓના જે બંગલાઓ છે, ત્યાં જ પ્રદેશ પ્રમુખે બંગલો અને કાર્યાલય શરૂ કર્યું. એટલે એવું ચોક્કસ કહી શકાય કે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો બંગલો સેક્ટર-9 માં હતો. જે મુખ્યમંત્રી નિવાસ્થાનથી દૂર હતો, પણ નવા પ્રમુખે પોતાનો બંગલો મુખ્યમંત્રી નિવાસસ્થાનથી નજીક લીધો છે. મુખ્યમંત્રી કે મંત્રીમંડળના નિવાસસ્થાનથી પ્રમુખ જગદીશ વિશ્વકર્માના બંગલા વચ્ચે ખૂબ ઓછું અંતર છે. પણ ફિઝિકલી જોવા જઈએ તો, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના નિવાસ્થાન આમને સામને પણ કહી શકાય.

નાયબ મુખ્યમંત્રીની સહ "હર્ષ" પાઠશાલા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના પહેલીવાર મંત્રી બનેલા નવા સભ્યો મૂંઝવણમાં મુકાયા છે. પોતાની કામગીરી મંત્રી તરીકે કેવી રીતે કરવી અને શેનું ધ્યાન રાખવું ભૂલ ન થાય એટલા માટે શું કરવું આ પ્રશ્નો નવા મંત્રીઓને સતાવી રહ્યાં છે. જોકે નાયબ મુખ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ પોતાના વિભાગોના રાજ્યકક્ષાના મંત્રીઓની આ મૂંઝવણ દૂર કરી દીધી છે. જાણે કે સહ મંત્રી માટે સહર્ષ પાઠશાલા શરૂ કરી છે. તેમના વિભાગોમાં કુલ પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓ આવે છે. આ તમામ મંત્રીઓ સાથે વન ટુ વન બેઠક કરી તેઓને માર્ગદર્શન આપ્યું છે. કાયદા મંત્રી અને રમતગમત મંત્રીને તો નાયબ મુખ્યમંત્રીએ હોમવર્ક પણ આપ્યું હતું. અને આ હોમવર્કના ભાગરૂપે રાજ્યકક્ષાના કાયદા મંત્રીએ કાયદા વિભાગની ઓચિંતી મુલાકાત લઈને બેઠક કરી હતી. એ જ રીતે રમતગમત રાજ્ય મંત્રીએ પણ સેક્ટર-15 માં રમતગમત સંકુલની મુલાકાત લીધી. રાજકારણમાં સામાન્ય રીતે કેબિનેટ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રીઓની અવગણના કરતા હોય છે. કેટલાક કેબિનેટ મંત્રીઓ રાજ્ય કક્ષાના મંત્રીઓને તેમના વિભાગની ફાઈલ પણ નથી મોકલતા. પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાલાણી અને કુંવરજી હળપતિ પણ કેબિનેટ મંત્રીઓથી પરેશાન હતા. આવા સંજોગોમાં નાયબ મુખ્યમંત્રીની સહર્ષ પાઠશાલા રાજકીય ચર્ચાનો વિષય બની છે.
આઈએએસ અધિકારી સુનયના તોમરનું શું? વહીવટી તંત્રમાં મોટા ફેરફાર આવશે
રાજ્યના મુખ્ય સચિવ તરીકે મનોજ દાસે ચાર્જ સંભાળી લીધો છે. જો કે મનોજ દાસની મુખ્ય સચિવ તરીકે નિમણૂંક થતા સૌથી મોટો પ્રશ્ન સિનિયર આઈએએસ અધિકારી સુનયના તોમરનું શું? આ પ્રશ્ન ચર્ચાયો છે. એમ. કે. દાસ કરતા સિનિયર. સામાન્ય રીતે સિનિયર અધિકારી હોય અને જુનિયરને મુખ્ય સચિવ બનાવવામાં આવે તો તે પહેલા જ સિનિયર અધિકારીને ગાંધીનગરની બહાર પોસ્ટિંગ આપી દેવામાં આવે છે. જોકે આ વખતે હજુ સુધી આવું થયું નથી. તોમર મેડમના નિવૃત્તિને એક માસનો સમય બાકી છે. એટલે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેમને મુખ્ય સચિવ બનાવવાના શક્ય જ ન હતા. આથી એવું બની શકે કે વર્ષોની પરંપરા તોડી સુનયના બહેનને ગાંધીનગરમાં જ રાખવામાં આવે અને નિવૃત્તિ સરળ કરી આપવામાં આવે. આમ પણ આગામી દિવસોમાં ગુજરાતના વહીવટી તંત્રમાં વ્યાપક ફેરફારો આવશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં એમ. કે. દાસની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની જગ્યા, સુનયના તોમરના નિવૃત્તિ પછી ત્રણથી વધુ જગ્યાઓ ખાલી પડશે આ તમામ જગ્યાઓને ભરવા માટે વહીવટી તંત્રમાં ફરજિયાત મોટા ફેરફારો કરવા પડશે.
મંત્રી અને ફૂલોના બુકેએ ચર્ચા જગાવી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલ પછી તમામ મંત્રીઓએ ચેમ્બરમાં ચાર્જ લઈ લીધો છે. મંત્રી ચેમ્બરમાં ચાર્જ લે એટલે મોટા પ્રમાણમાં તેમના ટેકેદારો શુભેચ્છા આપવા આવતા હોય છે. મંત્રી પોતે પણ પોતાના ટેકેદારો સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયામાં પોતાની લોકપ્રિયતા બતાવતા હોય છે. જોકે પોલીસ અધિકારીમાંથી મંત્રી બનેલા મંત્રીએ ફોટો પડાવવા માટે એક ખાસ ગુલદસ્તો પોતાની પાસે રાખી મૂક્યો. ગુલદસ્તા વગર ટેકેદાર આવે એટલે પોતાની પાસે રાખેલો ગુલદસ્તો હાથમાં લઈને ફોટો પડાવી લે. એક હાથમાં જુનો ગુલદસ્તો અને બીજા હાથમાં ટેકેદારનો હાથ હોય. આવા સમયે ચેમ્બરમાં હાજર એક ટેકેદારે મંત્રીને ધ્યાન પણ દોર્યું. જોકે મંત્રી સહજતાથી બોલ્યા ફોટામાં જૂનો ગુલદસ્તો છે કે નવો એ ક્યાં ખબર પડવાની.