ગાંધીનગરના કાવાદાવા : શું મુખ્યમંત્રી તેમના મંત્રીમંડળ ઉપર ગંગાજળ છાંટશે? પોલીસ વડાનો શોખ અટક્યો

Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’

ગાંધીનગરના કાવાદાવા : શું મુખ્યમંત્રી તેમના મંત્રીમંડળ ઉપર ગંગાજળ છાંટશે? પોલીસ વડાનો શોખ અટક્યો

Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.

શું મંત્રીમંડળમાં ઓપરેશન ગંગાજળ થશે?
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં અધિકારીઓ અને કર્મચારીઓ સામે ઓપરેશન ગંગાજળ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. ઓપરેશન ગંગાજળ અંતર્ગત ભ્રષ્ટાચારના છાંટા ઉડે અથવા તેવી કામગીરી કરતા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ કે બહારનો રસ્તો બતાવાય છે. જેમાં ભ્રષ્ટાચાર સામેની સરકારનું અભિયાન પ્રજામાં પણ લોકપ્રિય થયું છે. જોકે હવે ઓપરેશન ગંગાજળના પ્રણેતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર ધર્મ સંકટમાં મૂકાઈ ગયા છે. મંત્રીમંડળના જ સભ્યો કે તેમના પરિવારજનો પર ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠી રહ્યાં છે. રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રો પર મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ છે. બળવંત ખાબડની ધરપકડ પણ કરવામાં આવી. આવી બીજા કેટલાક મંત્રીઓ સામે પણ ફરિયાદો મુખ્યમંત્રી કક્ષાએ મળી હોવાનું જાણવા મળે છે. અધિકારીથી લઈને પ્રજામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. શું મુખ્યમંત્રી તેમના મંત્રીમંડળ ઉપર ગંગાજળ છાંટશે? જો મંત્રીમંડળના સભ્યો સામે ગંગાજળ ઓપરેશન હાથ ધરાય તો સરકારની છાપ પર અસર કરતા કેટલાક મંત્રીઓને બહારનો રસ્તો બતાવવો પડે. જોકે તેનાથી સરકારની પણ છબી ખરડાય. આગામી દિવસોમાં આવા મંત્રીઓને મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળમાંથી પડતા મૂકે તો નવાઈ નહીં. ઓપરેશન ગંગાજળ મંત્રીમંડળમાં હાથ ધરવું જોઈએ તેવી વાતો મંત્રી બનવા માગતા ધારાસભ્યો જ ફેલાવી રહ્યા છે. ઓપરેશન ગંગાજળ હાથ ધરાય તો કેટલાક મંત્રીઓની બાદબાકી થાય તેનાથી આવા ધારાસભ્યોને મંત્રી બની શકે તેવી લાગણી કેવો વ્યક્ત કરી રહ્યા છે.

ધારાસભ્યનો સારવાર ખર્ચ જ 5 કરોડને પાર
ગુજરાત વિધાનસભા એકવાર ધારાસભ્ય બનો એટલે આજીવન મેડિકલ ખર્ચ વિધાનસભા દ્વારા ચૂકવવામાં આવે છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનો મેડિકલ સારવારનો ખર્ચ રૂપિયા 5 કરોડને પાર થઈ ગયો છે. વિધાનસભાનુ કુલ બજેટ 65 કરોડ નું છે. જેમાં 5 કરોડથી વધુ ખર્ચ દર વર્ષે મેડિકલના બીલ પાછળ થાય છે. અંદાજે ગુજરાતમાં અત્યારે 500 થી વધુ પૂર્વ ધારાસભ્ય હયાત છે. ઉંમર વધતા મેડિકલ ખર્ચ પણ વધે તે સ્વાભાવિક છે. અત્યારે વિધાનસભાના ખર્ચાઓનું ઓડિટ ચાલી રહ્યું છે. છેલ્લે મે માસ, 2022 માં ઓડિટ કરવામાં આવ્યું હતું. આ વખતે 10 દિવસથી વધુ ઓડિટ ચાલશે.

Gandhinagar Na Kavadava

અભિતાભ બચ્ચનનો વિકલ્પ શોધવામાં અધિકારીઓ નિષ્ફળ 
કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... આ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની જાહેરાતથી ગુજરાતના પ્રવાસન ઉધોગને અસરકારક સફળતા મળી. જો કે હવે પ્રવાસન વિભાગ મુંઝવણમાં મુકાયો છે. પ્રવાસનનો બ્રાન્ડ એમ્બેસેડર કોનો બનાવવો. છેલ્લા ચાર પાંચ વર્ષથી અમિતાભ બચ્ચનનું સ્થાન લે તેવા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. પરંતું હજુ સુધી સફળતા મળી નથી. અભિતાભ બચ્ચનને ગુજરાતમાં લાવવાનો યશ આઈએએસ અધિકારી વિપુલ મિત્રાને પણ આપવો ઘટે. હવે વિપુલ મિત્રા નિવૃત્ત થઈ ગયા છે અને વિપુલ મિત્રાની આ જ સફળતા તેમના નિવૃત્ત સમયગાળા પહેલા નુકસાનકારક પણ બની રહી છે. તેમના કારણે પ્રવાસન વિભાગમા મુકાયેલા આઈએએસ અધિકારીઓ પ્રવાસન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર શોધવામાં ઓછો રસ લઈ રહ્યા છે. જો કે આઈએએસ હારિત શુક્લાના સમયમાં અમિતાભ બચ્ચનનો વિકલ્પ શોધવામાં ખુબ મહેનત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કક્ષાએ બેઠકો પણ કરવામાં આવી. કેટલાક જાણીતા હિન્દી ફિલ્મના કલાકારોએ સામે ચાલીને પ્રવાસન વિભાગની એડમાં કામ કરવાની ઈચ્છા પણ બતાવી. જો કે તે મુખ્યમંત્રી કે અન્ય નિર્ણાયક અધિકારીઓને પસંદ ન પડ્યા. એક તબક્કે તો અમિતાભ બચ્ચન નહીં તો અભિષેક બચ્ચન કે ઐશ્વર્યા રાવ બચ્ચન સુધીના નામ પર ચર્ચા થઈ. જો કે પ્રવાસન વિભાગને હજી સુધી સફળતા મળી નથી. હવે પ્રવાસન વિભાગને નવા દિલ્હીથી સીધા આવેલા આઈએએસ અધિકારી મળ્યા છે. આ અધિકારીને સફળતા મળશે કે પછી તેઓ પણ અન્ય અધિકારીની જેમ પ્રવાસન વિભાગનો પ્રવાસ પૂરો કરી જતા રહેશે. 

Gandhinagar Na Kavadava

ધારાસભ્યના લગ્ન બીજા કે ત્રીજા તેની તપાસમાં લોકો લાગ્યા..
દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના મેં માસમાં જ લગ્ન થયાં. ધારાસભ્યએ મોડા લગ્ન કર્યા. લગ્નની કંકોત્રી રાજકીય નેતાઓ અને મંત્રીઓને પણ આપી હતી. એટલે સવાલનો મારો શરૂ થઈ ગયો કે, કનૈયાલાલ કિશોરીના આ કેટલામાં લગ્ન છે? બીજા કે ત્રીજા? સચિવાલયથી કમલમ સુધી ચર્ચા ચાલી. છેલ્લે કનૈયાલાલે જ ખુલાસો કર્યા કે આ પહેલા જ લગ્ન છે. આ લગ્ન પણ સમુહલગ્નમાં કરવામાં આવ્યા. પોતાની સાથે ચાર અન્ય ગરીબ કે મધ્યમ વર્ગના જોડાઓને પણ ફેરા ફેરવ્યા. જેનો તમામ ખર્ચ ધારાસભ્યે જ ઉપાડ્યો. દાહોદ બાજુના કેટલાક રાજકીય નેતાઓના એકથી વધુ પત્નીઓ હોવાના દાખલા છે. એટલે જ કનૈયાલાલના બીજા કે ત્રીજા લગ્નમાં લોકો રસ પડ્યો. જો કે કનૈયાલાલ પોતે ‘એક લગ્ન જ બસ’ તેવું માને છે.

રમત-ગમતમાંથી ગંદી રમત અને ભષ્ટ્રાચાર મુક્ત અભિયાન 
ગુજરાતમાં વર્ષ 2036 માં ઓલિમ્પિક યોજવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓ દરમ્યાન મહિલા ખેલાડીઓ સાથે ગંદી રમત રમવાની ફરિયાદ ઉઠી હતી. તેની તપાસમાં ખેલાડીઓને તૈયાર કરવાની જવાબદારી વાળા કોચ અને જિલ્લા રમત ગમત અધિકારીઓની આંતરિક રાજનીતિ ભષ્ટ્રાચાર જેવાથી ખદબદતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પર વિભાગના મંત્રી હર્ષ સંઘવી અને આઈએએસ અધિકારી થૈનારશનના ધ્યાનમાં આવ્યું. જે કોચની કામગીરી મેદાનમાં છે, તેની જગ્યાએ એસી કચેરીમાં બેસી વહીવટી પ્રક્રિયા કરતા હતા. આથી તાકીદે સપાટો બોલાવ્યો. એકસાથે અનેક ચાર્જ ધરાવતા કોચ અને જિલ્લા રમત ગમત અધિકારી પાસેથી તમામ ચાર્જ લઈ બદલી કરવામાં આવી. કોચને તેમની રમતના મેદાનમાં સીધા મોકલી આપ્યા. જો કે રમત ગમત વિભાગમાં હજુ ઘણી ગંદકીની સફાઈની જરૂર હોવાનું છે. હવે પછી આ ગંદકી દુર કરવાની પણ કમર કસવામાં આવી છે. 

Gandhinagar Na Kavadava

રાજયના પોલીસ વડા થોડા દિવસ પોતાનો શોખ પુરો નહીં કરી શકે
રાજ્યના પોલીસવડા વિકાસ સહાય એક સારા ખેલાડી છે. શોખ તરીકે અને પોતાને ફીટ રાખવા બેડમિન્ટન અને ટેનિસ રમી લે છે. જો કે થોડા દિવસ પહેલા ટેનિસ રમતા પગની નસો ખેંચાઈ ગઈ હતી. જેનાથી વિકાસ સહાય પણ દુઃખી થયા કે, આગામી 10 દિવસ તેઓ‌ પોતાનો શોખ પુરો નહીં કરી શકે. મજબુત મનોબળ ધરાવતા ડીજી લંગડાતા પગે પણ બેઠકોમાં હાજરી આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news