ગાંધીનગર : LRD પેપરલીક કૌભાંડમાં દિલ્હી ગયેલી પોલીસ ટીમને હજી એક દિવસ પહેલા જ મોટો પુરાવો હાથ લાગ્યો હતો. પોલીસ તપાસ ટીમને દિલ્હીની હોટલમાંથી સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. આ ફૂટેજમાં આરોપીઓ અવરજવર કરતા હોવાના દ્રશ્યો મળી આવ્યા છે. ત્યારે હવે ગાંધીનગર પોલીસ અન્ય એક આરોપી યશપાલસિંહ સોલંકીને લઈને દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર એલસીબી 7 ડિસેમ્બરના રોજ બે આરોપીઓ પ્રિતેશ પટેલ અને અજય પરમારને દિલ્હી લઈ ગઈ હતી. ત્યારે હવે આજે રવિવારે ગાંધીનગર પોલીસ યશપાલને લઈને દિલ્હી જવા નીકળી ગઈ છે. યશપાલ નિલેશ નામની વ્યક્તિને મળ્યા બાદ યશપાલ દિલ્હી ગયો હતો. યશપાલ હાઈવે પર જ્યાં જ્યાં  ઉભો રહ્યો હતો ત્યાં પણ પોલીસ તપાસ હાથ ધરાશે.  


ઉલ્લેખનીય છે કે, પેપર લિંક કાંડના બે આરોપીઓને લઈને 7 ડિસેમ્બરના રોજ ગાંધીનગર એલસીબી દિલ્હી જવા રવાના થઈ હતી. જેમાં પ્રિતેશ પટેલ અને અજય પરમાર નામના બે આરોપીઓને સાથે રાખવામાં આવ્યા હતા. પેપર ખરીદનાર આરોપીઓના જણાવ્યા અનુસાર પોલીસે દિલ્હી જતા સમયે વાટડા ટોલટેક્સ પર ઉભા રાખીને  30 તારીખ રાત્રિના સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી. 


ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોકરક્ષકદળની પરીક્ષાનું પેપર લીક થઈ જતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ થતાંની સાથે ૯ લાખ જેટલા ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું હતું. પેપર લીક થવાના મામલે ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.