)
Navsari News : નવસારીના બીલીમોરા શહેરમાં ગુજરાત પોલીસ અને કુખ્યાત ગેંગના સાગરીતો વચ્ચે ફિલ્મી ઢબે ઘર્ષણ સર્જાયું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ અને શાર્પ શૂટર ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગની ઘટનાથી આખું નવસારી હચમચી ગયું હતું.
નવસારીના બીલીમોરા ખાતે આરોપીઓ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ટીમ વચ્ચે ક્રોસ ફાયરિંગની ઘટના વહેલી સવારે બની હતી. અથડામણ દરમિયાન એક આરોપી ઘાયલ થયો છે. SMC ટીમે સમગ્ર કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના કબજામાંથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હથિયારો આપવા આવેલા બદમાશોએ પોલીસ ઉપર ગોળીબાર કરતા પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યુ હતું. બીલીમોરા સોમનાથ મંદિર નજીક ફિલ્મી દૃશ્યો વચ્ચે એક બદમાશના પગમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. હથિયારો આપવા આવેલા પાંચ બદમાશો પૈકી એકને પગના ભાગે ગોળી વાગતા સારવાર માટે ખસેડાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પકડાયેલા બદમાશો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.
આરોપી
મધ્યપ્રદેશના રીઢા ગુનેગારો નવસારીના બીલીમોરામાં રહેતા તેમના બે સાગરીતો જે મૂળ રાજસ્થાનના છે એમને હથિયાર વેચવા માટે આવ્યા હતા. આરોપીઓ પાસે બે બંદૂક અને 27 જીવતા કારતુસ હતા. હોટલમાં રોકાયા બાદ ચારે આરોપીઓ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવ્યા હતા દરમિયાન બે લોકલ આરોપીઓ હોટલમાં ચેક આઉટ માટે ગયા હતા. જ્યારે મધ્યપ્રદેશથી આવેલા ગુનેગારો મહાદેવ મંદિર હતા, તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હોટલ અનુકૂળ ઉપર રેડ પાડી હતી અને સ્થાનિક આરોપીઓને પકડી પાડ્યા હતા.
આ આરોપીઓની પૂછપરછ બાદ મધ્યપ્રદેશના આરોપીઓને સોમનાથ મહાદેવ મંદિરમાં પકડવા માટે આવતા આરોપીઓ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ એક આરોપીએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. જેથી સ્વ બચાવમાં પોલીસે પણ સામે ગોળીબાર કરતા એક આરોપીને પગમાં ગોળી વાગતા એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
પોલીસે ચારેય આરોપીઓને અટકાયતમાં લઈ તપાસને વેગ આપ્યો છે. સમગ્ર ઘટના મુદ્દે નવસારી જિલ્લા પોલીસની એલસીબી એસઓજી બીલીમોરા પોલીસ તેમજ ચીખલી ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસે એફએસએલની ટીમ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે આરોપીઓ જાણીતી ગેંગ સાથે સંકળાયેલા હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. પરંતુ આ મુદ્દે પોલીસે હજુ કોઈ ફોડ પાડ્યો નથી ત્યારે તપાસ બાદ પોલીસ આ મુદ્દે ખુલાસા કરી શકે છે.