અમદાવાદમાં ગેંગવોર! રસ્તે નીકળતા પણ બીક લાગે છે, પોલીસે મેથીપાક તો આપ્યો, પણ આવી ઘટનાઓ ક્યારે અટકશે?
Ahmedabad Crime News : અસામાજિક તત્વોને નથી રહ્યો ખાખીનો ખૌફ? વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક... હાથમાં હથિયારો સાથે વિસ્તાર લીધો બાનમાં... દુકાનો, વાહનો તોડ્યા, રાહદારીને માર્યા... પોલીસે આરોપીઓની કરી મજબૂત સર્વિસ!
Trending Photos
Ahmedabad News : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સાવ સ્થિતિ કથળી ગઈ છે. અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ખુલ્લેઆમ તલવારો લહેરાવે છે. રસ્તે નીકળતાં કોઈ પણ રાહદારીને વગર વાંકે માર મારે છે. ઘર-દુકાન અને વાહનોમાં તોડફોડ કરે છે. અમદાવાદના વસ્ત્રાલમાં કંઈક આવું જ થયું. લુખ્ખાતત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવીને આ વિસ્તારને બાનમાં લીધો. જુઓ પછી શું થયું તેનો આ અહેવાલ.
- અમદાવાદમાં રહેવું સુરક્ષિત નથી?
- અમદાવાદમાં અસામાજિક તત્વોનું રાજ?
- અમદાવાદમાં પોલીસ માત્ર નામની છે?
- ખાખીનો ખૌફ હવે નામશેષ થવા લાગ્યો છે?
- વસ્ત્રાલ વિસ્તારમાં કોણ છે આ તોફાની તત્વો?
હાથમાં તલવાર, હાથમાં લાકડી, 15થી 20 તોફાની તત્વોનું ટોળુ, ખુલ્લેઆમ વસ્ત્રાલમાં આતંક. વાહનો તોડ્યા. દુકાનમાં તોડફોડ કરી. રાહદારીઓને વગર વાંકે માર્યા. રાહદારીના વાહનો રોકી માર માર્યો. આ શું થઈ રહ્યું છે? આ આપણું અમદાવાદ છે? અમારે આ શબ્દો એટલા માટે કહેવા પડી રહ્યા છે કારણ કે વસ્ત્રાલ વિસ્તારને કેટલાક અસામાજિક તત્વોએ બાનમાં લીધો હતો. તોફાનોને ભૂલી ગયેલા અમદાવાદને ફરી તોફાન થાય ત્યારે જે માહોલ હોય તેવો માહોલની યાદ આ અસામાજિક તત્વોએ અપાવી દીધી.
શહેરમાં એક તરફ હોલિકા દહન થઈ રહ્યું હતું. આખુ શહેર ઘરમાંથી બહાર નીકળી દર્શને ગયું હતું. પણ ઘરની બહાર જાહેર રોડ પર લુખ્ખાતત્વો આતંક મચાવી રહ્યા હતા. કોઈ ડર કે ખૌફ ન હોય તે રીતે બેફામ તેઓ તોડફોડ કરતાં હતા. અંગત અદાવતમાં ગેંગવોર જેવો માહોલ હતો. જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના બે લોકોની ગેંગ એકબીજાને મારવા ફરી રહી હતી. પરંતુ સામ સામે કોઈ ન મળ્યું તો જે મળ્યું તેને માર માર્યો. જે રસ્તામાં આવ્યું તેમાં તોડફોડ કરી.
અસામાજિક તત્વોએ મચાવેલા આતંકને કારણે આખો વિસ્તાર દહેશતમાં આવી ગયો હતો. મોટી સંખ્યામાં વસ્ત્રાલના લોકો એકઠા હતા. દર વખતની જેમ આ વખતે પણ પોલીસ આવી. પરંતુ ઘટના બની ગયા બાદ પોલીસે આવીને તપાસ શરૂ કરી. પરંતુ પછી પોલીસે સારી કામગીરી કરતાં આરોપીઓને ન માત્ર ઝડપી પાડ્યા. પરંતુ એમની જોરદાર સર્વિસ પણ કરી. આરોપીઓ પોલીસના મારથી બચવા બુમાબુમ કરતાં હતા. છોડી દેવા આજીજી કરતાં હતા. પરંતુ પોલીસે મજબુત મેથીપાક આપ્યો.
તો પોલીસ જ્યારે આરોપીઓને ઘટનાના રિકન્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લાવી તો આખુ વસ્ત્રાલ જોવા ચડ્યું હતું. મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉભા હતા. સૌ લોકો એક જ માગ કરી રહ્યા હતા કે આરોપીઓને વરઘોડો કાઢવામાં આવે. આરોપીઓ હાથ જોડીને માફી માગતા જોવા મળ્યા હતા.
આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. કાયદો કાયદાનું કામ હવે કરશે. પરંતુ આવી ઘટનાઓ વારંવાર ન બને તે માટે પોલીસે પેટ્રોલિંગ વધારવું પડશે. અસામાજિક તત્વોમાં ડર બેસાડવો પડશે. નહીં તો આવા તત્વોને વધારો પ્રોત્સાહન મળશે. અને તેઓ ખુલ્લેઆમ કાયદો તોડતા રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે