)
Ahmedabad News : ગુજરાતમાં નાકે નામે ક્રાઈમ થઈ રહ્યું છે. સુરત શહેર બાદ હવે અમદાવાદ શહેર ક્રાઈમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવુ લાગે છે. અમદાવાદમાં ધોળા દિવસે ગેંગવારનો ઘટના સામે આવી છે. જેમાં એક યુવકને ઉપાડીને લઈ જઈ જાહેરમાં તેની પર હથિયારો લઈને લોકો તૂટી પડ્યા હતા. યુવકની નિર્દયીરીતે હત્યા કરી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ગુંડારાજના જીવંત દ્રશ્યો જોવા મળ્યા. જાણે તમે કોઈ ફિલ્મનો સીન જોઈ રહ્યા હોય તેવું અમદાવાદના રસ્તાઓ પર જોવા મળ્યું. અમદાવાદમાં બેફામ ગુંડાઓને પોલીસનો સહેજ પણ ભય નથી રહ્યો. મેગા સિટીમા કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે. કાગડાપીઠ વિસ્તારમાં સરાજાહેર યુવાનની હત્યા કરવામાં આવી હતી. ફિલ્મી દ્રશ્યોની જેમ રસ્તાની વચ્ચે જાહેરમાં હત્યા કરાઈ. ધોળા દિવસે ગુંડાઓએ રસ્તા વચ્ચે યુવકને કાપી મારી નાંખવામાં આવ્યો.
મૃતક વ્યક્તિનું નામ નીતિન પટણી છે. પહેલા ગુંડાઓએ નીતિનનું સરસપુરથી અપહરણ કર્યું હતું. તેના બાદ સરસપુરથી લાવીને કાગડાપીઠ વિસ્તારમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. 7થી 8 યુવાનોએ ધારિયા-તલવારથી નીતિનને કાપી નાંખ્યો હતો. જાહેર રસ્તા પર તરફડતા નીતિને દમ તોડ્યો હતો. આ દ્રશ્યો અમદાવાદની ભયાનકતાને દર્શાવે છે. રસ્તો નીતિના લોહીથી લાલચોળ થઈ ગયો હતો.
અપહરણ અને હત્યા કેસ વિશે કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, મૃતક નીતિન પટ્ટણીનું કાગડાપીઠ સફલ પરિસરમાંથી અપહરણ થયું હતું. કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે. વિજય પટણી, શૈલેષ ગૌતમ અને પુનમ પટણીની ધરપકડ કરાઈ છે. જેમાં અગાઉના ઝઘડાની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 19 ઓગસ્ટ ના રોજ મૃતક નીતિન અને આરોપીઓ વચ્ચે ઝઘડો થતા મૃતક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ નીતિનનું અપહરણ કરીને હત્યા કરી છે. હજી સતીશ પટણી, વિશાલ, મહેશ અને રાજ નામના આરોપીની શોધખોળ ચાલુ છે.
આ રીતે રચાયું હતું આખું ષડયંત્ર
આ હત્યાકાંડ વિપુલ અને સતીશ ગેંગ વચ્ચે છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી ગેંગવોરનું પરિણામ છે. થોડા દિવસ પહેલા વિપુલ નામના યુવક પર સતીશ અને તેની ગેંગે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનો બદલો લેવા માટે વિપુલની ગેંગે સતીશને શોધવાનું ચાલું કર્યું, પરંતુ સતીશ તો હાથમાં ના આવ્યો પણ તેનો ભાઈ દીપક ઉર્ફે હુક્કો હાથમાં આવી જતા તેના પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ હુમલા બાદ દીપકને હોસ્પિટલમાંથી રજા મળતા જ સતીશે બદલો લેવાનું કાવતરું રચ્યું હતું. સતીશે પોતાના ભાઈ દીપક પર જ્યાં હુમલો થયો હતો તે જ જગ્યાએ વિપુલની ગેંગના નીતિનનું અપહરણ કરીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.