)
Geniben Thakor: પાલનપુર ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં થયેલી ગેરરીતિઓ, વરસાદ બાદ રાહત કામગીરીનો અભાવ અને ભૂસ્તર વિભાગ પરના આક્ષેપો જેવા અનેક મુદ્દાઓ પર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
ભારતમાલા પ્રોજેક્ટ: જમીન સંપાદનમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આરોપ
સાંસદ ગેનીબેન ઠાકોરે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનમાં થયેલા કૌભાંડનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે, સુખી અને સગવડ ધરાવતા લોકો અને કોન્ટ્રાક્ટરોએ ટૂંકા સમયમાં જ જમીન ખરીદીને તેને સંપાદન માટે યોગ્ય કરાવી દીધી હતી. તેમણે કહ્યું કે, બનાસકાંઠામાં પાલનપુર કે અન્ય કોઈ સિટી એરિયામાં પ્રતિ ચોરસ મીટરની જંત્રી ₹1,000 થી વધુ નથી, તેમ છતાં આ પ્રોજેક્ટ માટે જમીનનું મૂલ્યાંકન ₹4,000 થી ₹4,500 પ્રતિ ચોરસ મીટર ગણવામાં આવ્યું છે, જે ગંભીર ભ્રષ્ટાચાર સૂચવે છે.
વરસાદી નુકસાન અને સરકારી સહાયની ઠગારી આશા
સુઈગામ સહિતના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે બોલતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, લોકોને મુખ્યમંત્રી પાસેથી મદદની આશા હતી, પરંતુ તે ઠગારી નીવડી છે. તેમણે કહ્યું કે, સાત સભ્યોના પરિવારમાં માત્ર બે સભ્યોને મનરેગાના નિયમો અનુસાર કેસડોલ આપવામાં આવે છે, જે સરકારની મજાક સમાન છે. આ ઉપરાંત, પશુઓ માટે પૂરતો ઘાસચારો પણ પૂરો પાડવામાં આવ્યો નથી. સાંસદે આરોપ લગાવ્યો કે, સરકાર અને વહીવટી તંત્રએ માત્ર મીડિયામાં ફોટા પડાવીને અને તાળીઓ પડાવીને સરહદી પંથકને ભગવાન ભરોસે છોડી દીધો છે.
ભૂ-માફિયાઓ અને નબળી કામગીરી સામે આક્રોશ
ભૂસ્તર વિભાગ પર ગંભીર આક્ષેપો કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ભૂ-માફિયાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. તેમણે ચેતવણી આપી કે, જો આગામી સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય, તો તેઓ સ્થળ પર જઈને તપાસ કરશે. આ સાથે, તેમણે કેનાલોના બાંધકામમાં થયેલી આડેધડ કામગીરીને કારણે પાણી ભરાવાની સમસ્યા અને ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ બનેલા રસ્તાઓ પહેલા જ વરસાદમાં તૂટી જવાની ઘટનાને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું.
નવા SPના આગમન બાદ દારૂબંધી અને રોગચાળાની દહેશત
સાંસદ ઠાકોરે નવા SP ના આગમન બાદ જિલ્લામાં દારૂની બદી બંધ થઈ હોવાની સરાહના કરી હતી અને યુવાધન બરબાદ ન થાય તે માટે આ સ્થિતિ જાળવી રાખવાની અપીલ કરી હતી. બીજી તરફ, સુઈગામ, થરાદ અને વાવ જેવા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ તેમણે વ્યક્ત કરી હતી.