વગર વરસાદે અમદાવાદના આ વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ! લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ

વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ. ગટરના પાણીથી જળબંબાકાર. ઊંચો ટેક્સ પણ કોઈ સુવિધા નહીં. શું આ આપણું સ્માર્ટ અમદાવાદ છે? ઘુમાના લોકોમાં AMC સામે ઉગ્ર રોષ.

વગર વરસાદે અમદાવાદના આ વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ!  લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ

Ahmdabad News: મહાનગર અમદાવાદમાં એવા અનેક વિસ્તાર છે જે પણ વિકાસથી વંચિત છે, આ એવા વિસ્તાર છે જે પહેલા કોઈ ગામ હતું. કોર્પોરેશનમાં ભળ્યા બાદ આ વિસ્તારના લોકોને વિકાસની બહુ મોટી આશા હતી પરંતુ આ આશા નઠારી નીવડી છે, વાત છે અમદાવાદના ઘુમા વિસ્તારની..જ્યાં ઊંચી ઊંચી બિલ્ડીંગો બની ગઈ છે, મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે...વગર વરસાદે અહીં જળબંબાકારની સ્થિતિ છે, ગટરના પાણીથી મારતી દુર્ગંધથી લોકો ત્રાહિમામ છે.

ઘુમા, એક સમયે નાનું ગામ, જે 2020માં અમદાવાદ મહાનગરપાલિકામાં ભળ્યું. ઊંચી બિલ્ડિંગો, ગીચ વસ્તી, પરંતુ પ્રાથમિક સુવિધાઓનો અભાવ...આજે ઘુમાના રસ્તાઓ, આરોગ્ય કેન્દ્રો, અને સોસાયટીઓ ગટરના પાણીથી લબાલબ છે. દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. AMTSનું બસ સ્ટેશન પણ આ ગંદકીથી અછૂતું નથી. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.

સ્થાનિક લોકોએ AMCમાં અનેક ફરિયાદો કરી, પરંતુ સમાધાનના નામે માત્ર ઠાલાં વચનો...ગટરના પાણીથી થતી દુર્ગંધ અને આરોગ્યના જોખમોએ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એક તરફ AMC 1478 કરોડના પ્રોજેક્ટ્સની વાત કરે છે, પરંતુ ઘુમા જેવા વિસ્તારોમાં ગટરનું પાણી રસ્તાઓ પર દોડે છે. 2020માં બોપલ-ઘુમા નગરપાલિકાને AMCમાં ભેળવવામાં આવી, ત્યારે લોકોને વિકાસના મોટા સપના બતાવવામાં આવ્યા. પરંતુ આજે, પાંચ વર્ષ પછી પણ, અહીં ડ્રેનેજ સિસ્ટમની ખોટ સ્પષ્ટ દેખાય છે. AMCએ 2025માં બોપલ-ઘુમામાં 24 કલાક પાણી પુરવઠાની જવાબદારી લીધી, પરંતુ ગટરના પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો?

ગટરના પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો?
ઘુમાના લોકો હવે રસ્તા પર ઉતરી રહ્યા છે. તેમનો એક જ સવાલ છે કે, ટેક્સ ભરીએ છીએ, તો સુવિધા ક્યાં છે?, જો વગર ચોમાસે આ હાલ છે, તો ચોમાસામાં ઘુમા શું ડૂબી જશે?... AMCની નિષ્ફળતા અને લોકોની નારાજગીએ એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે, શું અમદાવાદ ખરેખર સ્માર્ટ સિટી છે? અમદાવાદ મહાનગરપાલિકા આ ગંભીર સમસ્યાનું ક્યારે સમાધાન કરશે?...ઘુમાના લોકોનો રોષ શું AMCને જગાડશે? ઘુમાના લોકોનો રોષ શું AMCને જગાડશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news