)
Bhavnagar News: સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ નવરાત્રીનો માહોલ પૂરબહારમાં જામ્યો છે. રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈને ખેલૈયાઓ ગરબે ઘૂમીને આ પર્વની મોજ માણી રહ્યા છે. જોકે, ઘણીવાર નવરાત્રીના ખાનગી ગરબા આયોજનોમાં સુરક્ષા વ્યવસ્થાના અભાવને કારણે યુવતીઓ અસુરક્ષિત અને સંકોચનો અનુભવ કરતી હોય છે. આવો જ એક ગંભીર બનાવ ભાવનગરમાં શહેર બહાર યોજાયેલા એક નવરાત્રી મહોત્સવમાં સામે આવ્યો છે, જેમાં એક યુવતીની છેડતી કરવામાં આવી હતી.
શહેરની એક યુવતી તળાજા હાઇવે પર યોજાઈ રહેલા ઝાંઝર ગરબા મહોત્સવમાં ગરબે રમવા ગઈ હતી. જ્યારે તે પાર્કિંગમાંથી બહાર નીકળી રહી હતી, તે સમયે શહેરના આનંદનગર વિસ્તારના એક યુવાન જેનું નામ જીગ્નેશ ચૌહાણ છે, તેણે રમવા આવેલી યુવતીનું બાવડું પકડીને છેડતી કરી હતી.
આ બનાવથી ગભરાઈ ગયેલી યુવતીએ હિંમત દાખવીને તાત્કાલિક પોતાનું બાવડું છોડાવ્યું હતું અને નજીકના ભરતનગર પોલીસ મથકમાં પહોંચીને યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે, ભરતનગર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી જીગ્નેશ નિલેશભાઈ ચૌહાણને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ બનાવ પરથી સ્પષ્ટ થાય છે કે ખાનગી નવરાત્રી આયોજકોએ ખેલૈયાઓ, ખાસ કરીને યુવતીઓની, સુરક્ષાને લઈને વધુ સજાગ રહેવાની અને પૂરતી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે.