)
Amit Khunt Suicide Case : રીબડામાં અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાને SMC દ્વારા કેરળથી ઝડપવામાં આવ્યો. ત્યારે રીબડામાં થોડા સમય પહેલા આપઘાત કરનાર અમિત ખૂંટના પરિવારે રાજકોટ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.
અમિત ખૂંટના પરિવારજનોએ આરોપીઓને પકડવા માટે SMC ના વડા નિર્લિપ્ત રાયને રજૂઆત કરી. અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે એક નિવેદનમાં જણાવ્યું કે, જો પોલીસ અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને 20 દિવસમાં પકડી સકતી હોય તો અમિત ખૂંટની આત્મહત્યામાં જવાબદાર અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહ 3-3 મહિનાથી કેમ નથી પકડી શક્તી. અમિત ખૂંટના આરોપીઓને તાત્કાલિક પકડવા નિર્લિપ્ત રાય સાહેબને વિનંતી છે.
આરોપી હજી પકડાયા નથી, પાટીદાર સમાજ લાલઘુમ
રીબડાના અમિત ખૂટ નામના પાટીદાર યુવકનો આપઘાત કેસના આરોપીઓ હજુ પકડાયા નથી. અનિરુદ્ધસિંહ જાડેજા અને તેનો પુત્ર રાજદીપસિંહ જાડેજા હજુ પણ ફરાર છે. જોકે આરોપીઓ ન પકડાતા રીબડાના યુવાનોમાં રોષ જોવા મળ્યો છે. ગતરોજ રાજકોટમાં પાળ મવડી રોડ પર વગડ ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં બેઠક યોજાઇ હતી. જેમાં અમિત ખૂંટના પરિવારને કેવી રીતના ન્યાય અપાવી શકાય તેની ચર્ચા કરાઈ હતી. જ્યારે કાયદાકીય રીતે લડત કેવી રીતના ચલાવી શકાય તેની પણ ચર્ચા થઈ. રીબડા ગામના પાટીદાર યુવકોની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા.
પોલીસ પકડથી દૂર છે
ગત 5મી મે 2025ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂંટ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેમજ મૃતકે ગળાફાંસો ખાતા પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે સ્યુસાઇડ નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કબ્જે પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષપ્રેરણ સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તમે 17 વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે બનાવ બન્યાના 11 દિવસ બાદ પણ અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા અને મિસ્ટર X એટલે કે રહીમ મકરાણી આજ દિવસ સુધી પોલીસ પકડથી દૂર છે.