)
રાજ્યના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ સિઝનના વાવેતરને ધ્યાને રાખીને કેબિનેટ બેઠકમાં કેટલાક જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં રવિ સિઝન દરમિયાન જીરાનું પુષ્કળ વાવેતર થાય છે. જીરાના વાવેતરવાળા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે 20 નવેમ્બર 2025થી જ ખેતીવાડી ફીડરોમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઇ માટે વીજ પુરવઠો વધારે આપવા માટે રાજ્યના જનપ્રતિનિધિઓ તથા અનેક ખેડૂતો તરફથી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતોને પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામા આવ્યો છે. જેનો આશરે 1090 ગામોના 49,000થી વધુ ખેતીવાડી ગ્રાહકોને લાભ મળશે.
આ જિલ્લાના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી
જીરાનું વધુ વાવેતર ધરાવતા અમદાવાદના વિરમગામ અને માંડલ, મહેસાણાના બેચરાજી, પાટણના સમી, હારીજ, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર, સુરેન્દ્રનગરના લખતર અને દસાડા, વાવ-થરાદના સુઇગામ અને વાવ તેમજ મોરબી જિલ્લાના હળવદ તાલુકાને રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ વીજ પુરવઠો મળશે.
આ ઉપરાંત દાહોદ જિલ્લાના દાહોદ અને ગરબાડા તાલુકાઓમાં પણ રવિ સિઝન માટે 8 કલાકના બદલે 12 કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના આ બંને તાલુકાના 191 ગામોના 9758 ખેડૂતોને લાભ મળશે.