)
Rajkot News : હાલ સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌના મોઢે એક જ નામ છે, ગોપાલ ઈટાલિયા. એક તરફ ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના મૂળિયા વિસ્તરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ માટે તેઓ માથાનો દુખાવો બની રહ્યાં છે. ગોપાલ ઈટાલિયાની વધતી લોકપ્રિયતાને રોકવા માટે ભાજપે હવે જૂના જોગીઓને સક્રિય કરવાનું શરૂ કર્યું છે. જેમાં લાંબા સમયથી રાજકારણથી ગાયબ રહેલા અરવિંદ રૈયાણી ફરી પિક્ચરમાં આવ્યા છે.
ગોપાલ ઈટાલિયા એક્ટિવ થતા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આગામી 30 ઓગસ્ટના રોજ વિધાસભા 68માં ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાનાર છે. સામા કાંઠા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાની સભા જાહેર થયા પૂર્વે ભાજપમાં એકશન મોડમાં આવી ગયું છે. મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખેલ ન બગાડે તે પૂર્વે ભાજપ એકશન મોડમાં આવી ગયું છે. જુના જોગીઓને મેદાને લાવવાનું શરૂ કરાયું છે.
આ માટે હાલ અરવિંદ રૈયાણીને પસંદ કરાયા છે. હાઈકમાન્ડના આદેશ પર ઘણા સમયથી શહેર ભાજપના કાર્યક્રમમાં હાજર ન રહેતા અરવિંદ રૈયાણી સક્રિય થયા છે. સૂત્રોનું કહેવું છે કે, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને પાર્ટીએ શહેરમાં સક્રિય થવાનો આદેશ કરાયો છે.
અરવિંદ રૈયાણીને એક્ટિવ કરવાનું શું કારણ
આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાને વિધાનસભાની ચૂંટણીમાં 35,000 થી વધુ મત મળ્યા હતા. પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં પાટીદાર નેતાને ભાજપે સક્રિય કર્યા છે. અરવિંદ રૈયાણી પાટીદાર નેતા હોવાથી તેમને રાજકોટમાં સક્રિય કરવામાં આવ્યા છે. બે વર્ષથી અરવિદ રૈયાણી અને તેન સમર્થકો સંપૂર્ણ પણે નિષ્ક્રિય જેવા બની ગયા હતા. પરંતું હવે રૈયાણીને સક્રિય કરવાથી પાટીદારો પર ફરી પ્રભુત્વ લાવી શકાય છે.
અરવિંદ રૈયાણી કેમ નિષ્ક્રીય હતા અત્યાર સુધી
બે વર્ષ પહેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિત 8 હોદ્દેદારોને શિસ્તભંગની નોટિસ ફટકારી હતી. બન્યું એમ હતું કે, લોધિકા સંઘના પ્રમુખની ચૂંટણીમાં ભાજપે વ્હીપ આપ્યો હતો. જેમાં નરેન્દ્રસિંહ જાડેજાને પ્રમુખ તરીકે રિપિટ કરવાનો વ્હીપ હતો. પરંતું અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચાએ પાર્ટીએ આપેલા વ્હીપનું ઉલ્લંઘન કર્યુ હતું. તેમજ બાબુ નસિત, મનસુખ સરધારાએ પણ વ્હીનો અનાદર કર્યો હતો. વ્હીપ બાદ પણ મામલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કારણ કે, રૈયાણીને લોધિકા સંઘના પ્રમુખ બનવાના અભરખા હતા. પરંતું પાટીલના વ્હીપ બાદ રૈયાણીના સપના પર પાણી ફરી વળ્યું હતું. જેથી જિલ્લા સંગઠન અને સહકારી ક્ષેત્રના રાજકારણમાં પોતાનો દબદબો કરવા નીકળેલા પૂર્વ મંત્રીને શિસ્તભંગ બદલની નોટિસ મોકલવામાં આવી હતી. આમ, પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા સામે પાટીલે લાલ આંખ કરી હતી. અરવિંદ રૈયાણીએ પાર્ટીએ આપેલા વ્હિપની ઉપરવટ જઈ તેને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
જોકે, હવે પાર્ટીને અરવિંદ રૈયાણીની જરૂર પડી છે. આ કારણે રૈયાણીને ગાંધીનગર અને દિલ્હી દરબારમાં બોલાવાયા હતા. આ બેઠકો બાદ જ તેઓ રાજકોટમાં ફરીથી સક્રિય થયા છે. આગામી ચૂંટણી માટે અરવિંદ રૈયાણી બહુ જ જરૂરી છે, તેવું ભાજપ સાનમાં સમજી ગયું છે અને તેમને એક્ટિવ કરવાના આદેશ આપી દીધા છે.