ઝી બ્યુરો/સુરત: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પદ છોડવાના સંકેત આપ્યા છે. પાટીલે જણાવ્યું હતું કે 2 દિવસમાં સંગઠન અંગે નિર્ણય લેવાનો મને સંકેત મળ્યો છે. જેને પણ તક મળશે તેને એડવાન્સમાં અભિનંદન આપું છું. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી ભાજપ પ્રદેશ પ્રમુખના પદને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી હતી. CR પાટીલને જળશક્તિ મંત્રાલય મળ્યા બાદ તેમના સ્થાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદને લઈ કોણે જવાબદારી મળશે તેને લઈને ચર્ચા જાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સી આર પાટીલનો સંકેત
સી આર પાટીલે સંકેત આપતા જણાવ્યું હતું કે, મારી વિદાય વસમી નહીં પણ ખુશી ભરી આપી છે. મેં બે વાર કહ્યું કે મને મુક્ત કરો અને બીજા કોઈને જવાબદારી સોંપો. પરંતુ મને હવે સંકેત મળી ગયો છે. જેને તક મળશે તેના માટે એડવાન્સ અભિનંદન આપું છું. આ સિવાય સી આર પાટીલે પોતાના પ્રમુખ પદને લઈ કેટલીક મહત્વની વાત કરી છે. 


પાટીલનું નિવેદન આવતા ફરી ચર્ચાઓ શરૂ
નોંધનીય છે કે, સાંસદ સી.આર પાટીલ મોદી 3.0 કેબિનેટમાં પણ જળશક્તિ મંત્રાલયની જવાબદારી સાંભળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે. આ વચ્ચે હવે સાંસદ સી.આર પાટીલનું નિવેદન આવતા નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચાઓ ફરી થવા લાગી છે.


મહારાષ્ટ્રમાં  પ્રચંડ વિજયને લઈ પાટિલની પ્રતિક્રિયા
ઉલ્લેખનીય છે કે, સુરતમાં સી આર પાટીલની મહારાષ્ટ્રમાં  પ્રચંડ વિજયને લઈ પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્રની જીત અપેક્ષિત હતી. મહારાષ્ટ્રની  જનતાએ ફરી એક વખત મોદીજીના નેતૃત્વ ઉપર ભરોસો કર્યો છે. અનૈતિક જોડાણ કરનારા શિવસેના, કોંગ્રેસ અને ncp સતા હાંસલ કરવા માંગતા હતા, તેઓનો પનો આજે ટૂંકો પડ્યો છે. આજે તેઓના અસ્તિત્વનો સવાલ આવીને ઉભો છે. સતા હાંસલ કરવા વરસાદમાં નીકળતા ટોપની જેમ પક્ષને મહારાષ્ટ્રની જનતાએ જાકારો આપ્યો છે. મહારાષ્ટ્ર જીત માટે અભિનંદન આપું છું. 


લોકો હવે વિકાસને સ્વીકારી રહ્યાં છે: પાટિલ
મહારાષ્ટ્રમાં ભાજપનું રોડ રોલર ફરી વળ્યું છે. ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે ગુજરાતની વાવ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર જીતી ગયા છે. જેથી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, લોકો હવે વિકાસને સ્વીકારી રહ્યાં છે. દેશના હિતને નુકસાન કરનારાઓને મતદારો જાકારો આપી રહ્યાં છે. વિકાસના પથ પર અને મોદીજીના નેતૃત્વને ફરીથી એકવાર લોકોના આશિર્વાદ મળ્યાં છે.


વાવની જનતાએ મૂકેલો વિશ્વાસ પણ એળે નહી જાય: પાટિલ
વાવ બેઠક પર થયેલી જીત અંગે સીઆર પાટીલે કહ્યું કે, આ જીત કાર્યકરોની જીત છે. ભાજપના તમામ કાર્યકરોએ ખૂબ મહેનત કરી હતી. જેનું આ પરિણામ છે. માવજી પટેલ ત્રીજા પરિબળ તરિકે સામે આવ્યાં છે. તેમને ઉભા રાખીને ભાજપે કોઈ ભૂલ ન કરી હોવાનો સ્વિકાર કરતાં પાટીલે કહ્યું કે, વાવની જનતાએ મૂકેલો વિશ્વાસ પણ એળે નહી જાય. તેમને પણ વિકાસની રાહમાં વિકાસના ફળનો લાભ મળશે.