સરકાર અમને પણ સહાય આપે... ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશને કરી માંગ
Ahmedabad News : ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશન દ્વારા સરકાર પાસેથી કરી આર્થિક સહાયની માંગ
Trending Photos
Ahmedabad : ગુજરાતનાં ઈંટ ઉદ્યોગને કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે રૂ.450 કરોડનું નુકસાન થયું છે. ત્યારે ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશન દ્વારા સરકાર પાસે મદદ માટે રજૂઆત કરાઈ.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના લીધે 6 મેથી 10 મે 2025 વચ્ચે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. એટલું જ નહીં વાતાવરણમાં પલટો આવવા ને કારણે જોરદાર વાવાઝોડું પણ ફૂંકાયુ હતું. આનાથી સમગ્ર ગુજરાતમાં સ્થાપિત 2500 મોટા ચીમની ભઠ્ઠા તથા 40,000 જેટલા નાના હાથ ભઠ્ઠી દ્વારા ઈંટી બનાવીને પકવતા ઈંટ ઉત્પાદકોને અંદાજે 450 કરોડ રૂપિયાનું મોટુ નુકસાન થયું છે. જેથી કરીને આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આનો મહેસુલ વિભાગ દ્વારા સર્વે કરાવીને સહાય આપવાની માંગ અમે કરી રહ્યા છીએ.
- ઈંટ ઉદ્યોગમાં જે ફટકો પડ્યો છે એના નુકસાનની નોંધ લેવાય, ડેમેજ સરવે થાય અને આર્થિક સહાય આપવા માટે ફેડરેશને રજૂઆત કરી
- ગુજરાતમાં સ્થાપિત 2500 મોટા ચીમની ભઠ્ઠા તથા 40,000 જેટલા નાના હાથ ભઠ્ઠીઓ આવેલી છે
- ઈન્ડસ્ટ્રીએ 12% GSTમાં નોંધપાત્ર ઘટાડો કરી પહેલાની જેમ 5% લેવા રજૂઆત કરી
- દેશભરમાં ઈંટ ઉદ્યોગ રેલવે પછી બીજા ક્રમે કારીગરોને રોજગારી પૂરી પાડતો લઘુ તથા કુટીર ઉદ્યોગ છે
વર્ષ 2021ના તાઉતે વાવાઝોડા કરતા પણ વધારે નુકસાન થયું
ફેડરેશનના પ્રમુખ દેવેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું છે કે વર્ષ 2021માં 17 અને 18 મેના દિવસે તાઉતે વાવાઝોડું આવ્યું હતું એના કારણે ઈંટ ઉત્પાદકોને પણ ભારે નુકસાન થયું હતું. હવે 2025માં પણ 6થી 10 મે વચ્ચે કમોસમી વરસાદ અને વાવાઝોડુ આવ્યું હતું. આવી સ્થિતિમાં વર્ષ 2021 કરતા પણ વધારે નુકસાન આ વર્ષે થયું છે. એટલું જ નહીં કાચામાલનું પણ વધારે પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે તથા ઈંટ ઉત્પાદન પણ વહેલું બંધ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન શરૂઆતમાં અન્ય રાજ્યમાંથી આવતા મજૂરો મોડા આવતા અને વરસાદને લીધે પણ વહેલુ ઉત્પાદન બંધ થવાથી કુલ ઉત્પાદનમાં 40થી 45 ટકા સુધીનું જ કામ થયું છે.
રુરલ એમ્પ્લોયમેન્ટનો પાયો એટલે ઈંટ ઉદ્યોગ
ગુજરાત જ નહીં દેશભરમાં ઈંટ ઉદ્યોગની વાત કરીએ તો એ રેલવે પછી બીજા ક્રમે કારીગરોને રોજગારી પૂરી પાડતો લઘુ તથા કુટીર ઉદ્યોગ છે. આ દેશભરમાં કરોડો મજુરોને રોજગારી પુરી પાડે છે. ગુજરાતમાં પણ 7થી 8 લાખ મજુરો રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ આજે સદંતર ઠપ થઈ ગયો છે તેમજ લાખો માણસોની રોજગારી છીનવાઈ ગઈ છે.
સરકારને આ મુદ્દે ખાસ રજૂઆત કરાઈ
અત્યારે જે પ્રમાણે ગુજરાતના ઈંટ ઉદ્યોગોને કેટલાક પડકારોનો સામનો કરવો પડે છે એને ધ્યાનમાં રાખતા ફેડરેશને ચાર મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા છે.
1) GST 12%ને બદલે 5% કરવા રજૂઆત
સમગ્ર દેશમાં ઈંટ ઉદ્યોગ દ્વારા કરોડો ગ્રામીણ કામદારોને સરકારનાં મીનીમમ વેજ કરતા વધારે રોજગારી પુરી પાડતા લઘુ ઉદ્યોગ હોવા છતા તેના પર GSTના દર પહેલા 5% હતા તે 12% કરવામાં આવ્યા છે. આનાથી પણ આ ઉદ્યોગની કમર તૂટી ગઈ છે. તેમાં વરસાદ, કમોસમી વાવાઝોડા અને અન્ય કુદરતી આફતોના કહેરથી આ ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકાસન ભોગવવાનો વારો આવ્યો છે. મારી રાજ્ય સરકારને નમ્ર અરજી છે કે GSTના દર 12% ઘટાડી જે પહેલા 5% હતા તે મુજબ કરવા કેન્દ્ર સરકારને અપીલ કરે.
2) કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલા ડેમેજનું સરવે કરવું
ફેડરેશને ગુજરાત સરકાર સમક્ષ અત્યારે ઈંટ ઉદ્યોગને કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે જે નુકસાન પહોંચ્યું છે એના પર પ્રકાશ પાડ્યો હતો. એટલું જ નહીં કેટલું ડેમેજ થયું છે એના પર પણ સરવે કરવા રજૂઆત કરી હતી. ત્યારપછી જે પ્રમાણે ઈંટ ઉત્પાદનને ફટકો પડ્યો છે તેને પહોંચી વળવા માટે આર્થિક સહાય મળી શકે એવી પણ મદદ માગી હતી.
3) ઈન્સ્યોરન્સ પોલિસીનો લાભ મળે એવી અપિલ
ફેડરેશનને જણાવ્યું હતું કે ઈંટ ઉદ્યોગ દ્વારા વર્ષોથી વીમા કંપનીને વરસાદથી થતા નુકસાન સામે વિમા કવરેજ પોલિસીની જોગવાઈ કરવાની પણ માગણી કરવામાં આવી છે. જોકે હજુ સુધી આ સંદર્ભે કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે એવું પણ ઉદાહરણ આપ્યું હતું કે જેમ ખેડૂતોને કમોસમી વરસાદ કે પૂરની સ્થિતિમાં પાક નષ્ટ થઈ જાય તો એના માટે ક્રોપ ઈન્સ્યોરન્સ હોય છે એમ અમારા ઈંટ ઉદ્યોગમાં પણ આવી પોલિસી આવવી જોઈએ.
4) ઈંટ ઉદ્યોગના યોગદાનને અવગણી ન શકાય
વાર્ષિક જોવા જઈએ તો ઈંટ ઉદ્યોગ થકી રોયલ્ટી, રેવન્યુ અને GST કલેક્શનથી સ્ટેટ ગવર્નમેન્ટને પણ કરોડો રૂપિયાની આવક થાય છે. એટલું જ નહીં ગુજરાતમાં આવેલા ઈંટ ભઠ્ઠાઓ અંદાજે 7થી 8 લાખ મજુરોને રોજગારી આપતો લઘુ ઉદ્યોગ છે. જેને ધ્યાનમાં રાખતા ફેડરેશને વિનમ્ર વિનંતી કરી છે કે અમારા યોગદાનને સમજો અને પોલિસી લેવલ પ્રોટેક્શન ઈંટ ઉત્પાદકોને આપો.
ગુજરાતના હજારો ઈંટ ઉત્પાદકો અત્યારે કટોકટીનો સામનો કરી રહ્યા છે. તેમના વ્યવસાયો બરબાદ થઈ ગયા છે અને તેમના કામદારો આજીવિકા વિનાના છે. શ્રી દેવેન્દ્રભાઈ પ્રજાપતિએ કહ્યું, "અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ વારંવાર થતી કુદરતી આફતો અને નિયમનકારી બોજના ભારણ હેઠળ આ મહત્વપૂર્ણ ઉદ્યોગ તૂટી પડે તે પહેલાં તેને ટેકો આપવા માટે ઝડપથી અને કરુણાપૂર્વક કાર્ય કરે."
તેમણે ગુજરાતના ઈંટ ઉદ્યોગના લાંબા ગાળાના અસ્તિત્વ અને વિકાસ માટે ટકાઉ ઉકેલો શોધવા માટે સરકાર સાથે કામ કરવાની ફેડરેશનની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરીને રજૂઆત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે