નવા મંત્રીમંડળમાં ‘આહીર’ ગાયબ : બે દિગ્ગજોને કાપ્યા બાદ ભાજપ માટે આહીર લોબીની નારાજગી વધશે

Updated By: Sep 16, 2021, 02:51 PM IST
નવા મંત્રીમંડળમાં ‘આહીર’ ગાયબ : બે દિગ્ગજોને કાપ્યા બાદ ભાજપ માટે આહીર લોબીની નારાજગી વધશે
  • નો રિપિટી થિયરી આહિર સમાજને સૌથી વધુ નડી છે, બંને પ્રધાનો કપાયા પછી ભાજપમાં એકપણ આહિર ધારાસભ્ય નથી
  • સૌરાષ્ટ્રના 5 જિલ્લાની આશરે 12-14 બેઠકો પર આહિર વોટ બેંક નિર્ણાયક મનાય છે

ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની રચના માટે મોવડીમંડળે નો-રિપિટ થિયરી લાગુ કરી તેનું સૌથી વધુ નુકસાન આહિર સમાજને થયું છે. ગત મંત્રીમંડળમાં આહીર સમાજના બે નેતા વાસણ આહિર અને જવાહર ચાવડા સામેલ હતા. એ બંને કપાઈ ગયા છે. જ્યારે એ બે સિવાય ભાજપમાં બીજા કોઈ આહિર ધારાસભ્ય ન હોવાથી નવા મંત્રીમંડળમાં આ પ્રભાવશાળી સમાજની સદંતર બાદબાકી થઈ ગઈ છે. જે આવનાર ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. 

પ્રભાવી સમુદાય, પ્રતિનિધિત્વ ઓછું
આહીર સમાજની ગુજરાતમાં આશરે 50-55 લાખની વસ્તી હોવાનો દાવો થાય છે, જે પૈકી 20-22 લાખ મતદારો હોઈ શકે. પરંપરાગત રીતે જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, અમરેલી (રાજુલા પંથક) એમ 5 જિલ્લાની 12 થી 14 વિધાનસભા બેઠકો એવી છે જ્યાં આહીર મતદારો નિર્ણાયક બને છે. હાલમાં વિધાનસભામાં કુલ 5 આહીર ધારાસભ્યો છે જે પૈકી કોંગ્રેસના ૩ અને ભાજપના 2 છે. વાસણ આહિર અને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા બંને ગત પ્રધાનમંડળમાં મોખરાના સ્થાને હતા, જે બંને નો-રિપિટ થિયરીમાં કપાઈ ગયા છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં સત્તાની બાગડોર સંભાળવા ‘ટીમ ભૂપેન્દ્ર’ તૈયાર, 25 નવા મંત્રીઓએ શપથ લીધા

2022 માં આહીર સમાજની નારાજગી નડશે? 
શૈક્ષણિક અને આર્થિક રીતે સતત પ્રગતિ કરી રહેલ આહિર સમુદાય છેલ્લાં દોઢ દાયકાથી રાજકીય રીતે પણ મહત્વાકાંક્ષી બની રહ્યો છે. એ જોતાં નવા મંત્રીમંડળમાં આહિર સમુદાયની સદંતર બાદબાકી થવાના ઘેરા પ્રત્યાઘાતો અપેક્ષિત છે. કોંગ્રેસના આહીર ધારાસભ્યો પણ આ નારાજગીને વેગ આપી શકે છે. ભાજપના સાંસદ પૂનમ માડમને બાદ કરતાં આહિરોની નારાજગી ખાળી શકે એવા કોઈ મોટા ગજાના નેતા નથી. એ સંજોગોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ જો આ પલડું સંતુલિત નહિ કરે તો તે પડકારજનક બની શકે છે.

આ પણ વાંચો : પાટીલના ‘ફેવરિટ’ નેતાઓને મળ્યું મંત્રી પદ, દક્ષિણ ગુજરાતના 6 ધારાસભ્યો મંત્રીમંડળમાં સામેલ

આ પણ વાંચો : રૂપાણી સરકારમાં દબદબો, નવી સરકારમાં પાણીચું... મંત્રી પદ હાથમાંથી જતા કુંવરજીએ શું કહ્યું...?

આ પણ વાંચો : ગુજરાતનું નવુ મંત્રીમંડળ : એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા