ગુજરાતમાં ખરાબ રસ્તાઓને લઈને મુખ્યમંત્રીનું મોટું એક્શન : ફરિયાદ આવશે તો કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ થશે
Gujarat CM Big Decision : રાજ્યમાં રોડ-રસ્તાની ગુણવત્તા બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તેજ તેવર. સારી કામગીરી ન કરતા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરાશે, કાયદાકીય કાર્યવાહી પણ કરાશે
Trending Photos
)
Gandhinagar News : રાજ્યમાં જે રોડ રસ્તા મેન્ટેનન્સ ગેરેન્ટી પ્રિગ્રેડમાં તૂટી જશે તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાશે. બ્લેક લિસ્ટ કરવામાં આવેલા કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય પણ કાર્યવાહી કરાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે.
13 કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ
30 મી નવેમ્બર સુધીમાં મંત્રીઓ એ પોતાના પ્રભારી જિલ્લાના રોડ રસ્તા અંગે રિપોર્ટ આપવો પડશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં લોકોની મુશ્કેલી હળવી રહે તે રીતે કામગીરી કરવા આદેશ અપાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને માર્ગ મકાન વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તાની કોલેટી યોગ્ય ન હોય તેવા ત્રણ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે. આ વર્ષે કુલ 13 કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરાયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા.
રાજ્યના મહાનગરોના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર અને રિજનલ મ્યુનિસિપલ કમિશનર આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા હતા અને તેમના નગરો-મહાનગરોની રોડ-રસ્તાની સ્થિતિની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ શાસનદાયિત્વ સંભાળ્યું ત્યારથી રાજ્યમાં માર્ગો-રોડ-રસ્તા-પૂલોના બાંધકામમાં ક્વોલિટી પર સતત ભાર મૂક્યો છે.
આવા પ્રજાહિતના કામોમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ કરવાની વાત ચલાવી લેતા નથી તેની પ્રતીતિ તેમણે અનેકવાર કરાવી છે. તાજેતરમાં 3 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, હલકી ગુણવત્તાના કામો કરનારા 13થી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવા સુધીના સખત શિક્ષાત્મક પગલાં પણ મુખ્યમંત્રીની સીધી સૂચનાથી લેવાયા છે.
મુખ્યમંત્રીએ ગુરૂવારે બપોરે યોજેલી આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો પરના પોટહોલ્સ પુરવાના કામો અગ્રતા ક્રમે હાથ ધરાય એટલુ જ નહી, સંબંધિત અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરો નિયમિત પણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણવત્તા ચકાસતા રહે અને ૩૦મી નવેમ્બર સુધીમાં રોડ-રસ્તાની સમગ્રતયા સ્થિતિનો સ્થળ અહેવાલ રજૂ કરે.
જે સ્થળોએ બ્રિજના કામો થતા હોય ત્યાં ડાયવર્ઝન માટેના આર.સી.સી. રોડ બને જેથી સંબંધિત કામ પૂરું થાય ત્યાં સુધી નાગરિકોને વાહન-વ્યવહાર માટે કોઈ અગવડ ન પડે તે માટે પણ તેમણે બેઠકમાં સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ પ્રભારી મંત્રીશ્રીઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. ૩૦ નવેમ્બર સુધીમાં પૂરી કરીને સ્થળ-સ્થિતિનો અહેવાલ સત્વરે આપવા માટે પણ સૂચના આપી હતી.
તેમણે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એમ પણ જણાવ્યું કે, જે રોડ-રસ્તા મેન્ટેનન્સ ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તો તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બેઠકમાં કહ્યુ કે, શહેરોમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્કેટ જેવા સ્થળો જ્યાં લોકોની વધુ અવર-જવર હોય ત્યાં રોડ રિપેરીંગના કામોની લોકોને અનુભૂતિ થાય તે રીતે શહેરી સત્તાતંત્રો અને માર્ગ-મકાન વિભાગ કામગીરી કરે. માર્ગ દુરસ્તી માટેની મળતી ફરિયાદોનું સત્વરે નિવારણ આવે સાથોસાથ અન્ય રિપેરીંગ અને રસ્તાના નવા કામો પણ થતા રહે તે જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














