)
Gujarat Politics : ગુજરાતમાં સત્તા પરિવર્તન લાવવાની આશા સાથે, કોંગ્રેસ પાર્ટીએ જન આક્રોશ યાત્રા શરૂ કરી છે. આ યાત્રા 60 દિવસ ચાલશે, જે દરમિયાન કોંગ્રેસના નેતાઓ વિવિધ જિલ્લાઓમાં જાહેર સભાઓ કરશે અને જાહેર મુદ્દાઓ ઉઠાવશે. કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે ગુજરાતના લોકોમાં ભારે રોષ છે અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકારને ઉથલાવી દેવામાં આવશે. પરંતું તે પહેલા ગુજરાત કોંગ્રેસનો રાજ્યસભામાં ખેલ પૂરો થવા જઈ રહ્યો છે. કારણ કે, કોંગ્રેસની છેલ્લી બેઠક પણ જોખમમાં છે.
30 વર્ષ બાદ રાજ્યસભામાં કોંગ્રેસ પ્રતિનિધિત્વ ગુમાવશે
ભાજપ એક બાદ એક ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત ભાજપ વધુ એક માઈલસ્ટોન સાબિત કરવા જઈ રહ્યું છે. 30 વર્ષ બાદ રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ઝીરો થવા જઈ રહ્યુ છે. ભાજપની જંગી બહુમતિ સામે રાજ્યસભાની ગુજરાતની તમામ બેઠકો પરથી કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે, અને ભાજપનો દબદબો જોવા મળશે. કારણ કે, કોંગ્રેસના ધારાસભ્યોનું શક્તિબળ ઘટતા ચૂંટણીમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની એકમાત્ર બાકી બેઠક પણ ગુમાવશે.
છેલ્લા ત્રણ દાયકામાં ગુજરાત કોંગ્રેસ સતત સંકોચાઈ રહ્યુ છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી ગયું છે. ભાજપની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 162 જેટલી જંગી હોવાથી તે તમામ ચાર બેઠકો પર બિનહરીફ જીત મેળવશે. ભાજપની વિધાનસભામાં ૧૬૨ ધારાસભ્યોની જંગી તાકાતને કારણે કુલ ૧૧ બેઠકોમાંથી ૧૦ પર કબજો થશે, જેથી શક્તિસિંહ ગોહિલનું સ્થાન પણ જતું રહેશે.
આગામી વર્ષે રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે. હાલ ત્રણ બેઠક ભાજપ પાસે છે, જેમાં રામ મોકરિયા, રમિલાબેન બારા અને નરહીન અમીન સામેલ છે. તો ચોથી બેઠક પર ગુજરાત કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ છે. પરંતું કોંગ્રેસની આ છેલ્લી બેઠક પણ જોખમમાં છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને માત્ર ૧૨ થઈ ગઈ હોવાથી, કોંગ્રેસ પક્ષ શક્તિસિંહ ગોહિલની છેલ્લી બાકી રહેલી રાજ્યસભાની બેઠક પણ ગુમાવશે.
આ ઘટના ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત એવો માહોલ સર્જશે. જ્યારે રાજ્યમાંથી કોંગ્રેસનું રાજ્યસભામાં કોઈ પ્રતિનિધિત્વ નહીં હોય. હાલમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યો પૈકી જે.પી. નડ્ડા અને સુબ્રમણ્યમ જયશંકર કેન્દ્રીય કેબિનેટનો ભાગ છે.
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. ગત લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 2024માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત થતા ચાર બેઠક ખાલી થઈ હતી. જૂન 2026માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. તેમાં ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે.