દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર : સૌથી વધુ ખાનાખરાબી વલસાડમાં થઈ, ઉમરગામમાં 7.51 ઈંચ વરસાદ

Updated By: May 18, 2021, 08:15 AM IST
દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર : સૌથી વધુ ખાનાખરાબી વલસાડમાં થઈ, ઉમરગામમાં 7.51 ઈંચ વરસાદ
  • વાપીમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. અહી 40 થી 50 ની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે
  • નવસારી જિલ્લાના દરિયા કિનારે દરિયામાં કરંટ હજી પણ યથાવત છે. મહાકાય મોજા ઉછળી રહ્યા છે
  • ભરૂચ જિલ્લામાં રાત્રી દરમિયાન 62 MM વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ હાંસોટ તાલુકામાં 29 MM નોંધાયો 

ઝી મીડિયા/બ્યૂરો :તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) થી માત્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જ પ્રભાવિત છે એવુ નથી, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ પર પણ વાવાઝોડાની મોટી અસર દેખાઈ છે. અહી વલસાડ, વાપી, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. તૌકતે વાવાઝોડા (gujrat cyclone) એ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે પણ ભારે તારાજી સર્જી છે. જેમા વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 7.51 ઇંચ વરસાદ નોંધાયો છે. 

વલસાડ જિલ્લાને સૌથી વધુ અસર
દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી સૌથી વધુ ખાનાખરાબી વલસાડ (valsad) જિલ્લામાં સર્જાઈ છે. આજે સવારે પણ વાવાઝોડાની અસર વ્યાપક જોવા મળી છે. વાપીમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. અહી 40 થી 50 ની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક ઘરો તથા દુકાનોના પતરા તૂટીને ઉડ્યા છે, તો વૃક્ષો જમીનમાંથી ઉખડી ગયા છે. વાપીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડુલ થઈ છે. 

આ પણ વાંચો : સુરેન્દ્રનગર તરફ વળ્યું વાવાઝોડું, હાલ તોફાન પ્રતિ કલાક 13 કિમીની સ્પીડે આગળ વધી રહ્યુ છે    

વલસાડ જિલ્લામાં રાતભર તોફાની પવન સાથે વરસાદ વરસ્યો છે. જિલ્લાના ઉમરગામ, કપરાડા ,ધરમપુર, પારડી વલસાડ અને વાપી તાલુકામાં વરસાદ તૂટી પડ્યો છે. 24 કલાકમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં 7.51 ઈંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના કન્ટ્રોલ રૂમમાં અનેક વિસ્તારમા ઝાડ પડવાના કોલ મળ્યા છે. 

  • ઉમરગામ 7.51 ઈંચ
  • કપરાડા 07 મીમી 
  • ધરમપુર 10 મીમી
  • વાપી 17 મીમી
  •  પારડી 1.56 ઇંચ
  •  વલસાડ 2 ઇંચ

આ પણ વાંચો : તૌકતેએ સૌથી વધુ તબાહી દીવમાં સર્જી, 130 કિમીની સ્પીડે ફૂંકાયેલા પવને બધુ વેરવિખેર કર્યું 

નવસારીના દરિયામાં હજુ પણ કરંટ
તો નવસારી જિલ્લાના દરિયા કિનારે દરિયામાં કરંટ હજી પણ યથાવત છે. પવનની ગતિમાં પણ વધારો થયો છે. ઉભરાટ, વાસી, બોરસી, માછીવાડ, કૃષ્ણપુર, ઓનજલ માછીવાડ, મેઘર અને ભાટ ગામના દરિયા કાંઠે હજુ મહાકાય મોજા ઉછળી રહ્યા છે. તૌકતે વાવાઝોડાની અસર હજુ દરિયામાં દેખાઈ રહી છે. નવસારી જિલ્લામાં 125
એમએમ વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં સૌથી વધુ વરસાદ જલાલપોર તાલુકામાં ૩૩ એમએમ નોંધાયો છે. 

આ પણ વાંચો : રાહતના સમાચાર : તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યુ છે, મધ્ય આંખ છૂટી પડી રહી છે

ભરૂચમાં 3700 લોકોનું સ્થળાંતર કરાયું 
વાવાઝોડાની અસર ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી છે. અહી સતત વરસાદ વરસી રહ્યો છે. ભરૂચમાં રાત્રે શરૂ થયેલ વરસાદ વહેલી સવાર સુધી વરસી રહ્યો છે. તૌકતે વવાઝોડાની સાઈડ ઇફેક્ટ રૂપે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લામાં અત્યાર સુધી 3700 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. ભરૂચ જિલ્લામાં રાત્રી દરમિયાન 62 MM વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 29 MM વરસાદ નોંધાયો છે. ભરૂચ, વાગરા, અંકલેશ્વર, જંબુસર, આમોદમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. આ કારણે દહેજ બંદરે 9 નંબરનું સિગ્નલ યથાવત છે.