)
Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 300 એ પહોંચી ગયો છે. પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. જે તારીખને પૂર્વ મુખ્યમંત્રી લકી માનતા હતા, એ જ તારીખે તેમનું નિધન થયુ છે.
અંકશાસ્ત્ર, જેને ન્યૂમરોલોજી કહેવાય છે, તેમાં અનેક લોકો વિશ્વાસ કરતા હોય છે. અનેક લોકો પોતાના લકી નંબર પર નસીબ અજમાવતા હોય છે. પરંતુ આ લકી નંબર ક્યારે અનલકી થઈ જાય તે તો નસીબ જ કહેવાય. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે નંબરને લકી ગણતા હતા, તે જ નંબરની તારીખે તેમનો જીવ ગયો છે.
વિજય રૂપાણીનો લક્કી નંબર અનલક્કી સાબિત થયો છે. આ નંબર સાથે તેમનો કેટલો લગાવ હતો તે જોઈ લો. વિજય રૂપાણીની દરેક ગાડીઓનો નંબર 1206 હતો. તેમની દરેક ગાડીની નંબર પ્લેટ 1206 નંબરની હતી. એટલું જ નહિ, વિજય રૂપાણી આજે એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટમાં જે સીટ પર બેઠા હતા તેનો નંબર પણ 12 હતો. બીજી વાત કરીએ તો, વિજય રૂપાણીનો બોર્ડિંગ ટાઈમ પણ 12.10 વાગ્યાનો હતો. જે બતાવે છે કે, 12 નંબર સાથે તેમનો કેટલો લગાવ છે. પરતું હકીકત એ પણ છે કે, આજે 12 જુનની તારીખે જ વિજય રૂપાણી દુર્ઘટનાનો ભોગ બન્યા અને તેમણે જીવ ગુમાવ્યો છે.
આજે બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ ૧૭૧ નંબરનું પ્લેન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું હતું. આ પ્લેનમાં ૨૪૨ લોકો સવાર હતા. વિજય રૂપાણી પણ આ ફ્લાઈટમાં પોતાની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. જેમા તેઓએ જીવ ગુમાવ્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી મળતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચી ગયા છે.