)
અમદાવાદઃ મેઘરાજાનો છેલ્લો રાઉન્ડ લોકોની નવરાત્રિ બગાડી રહ્યો છે. વરસાદને લઈ ખેલૈયાઓ નિરાશ થઈ રહ્યા છે. આ વરસાદે માત્ર ખેલૈયાઓની જ મજા નથી બગાડી, પરંતુ જગતના તાતને પણ રાતાપાણીએ રડતો કરી દીધો છે. પાક લેવાના સમયે જ આવેલા વરસાદે કેવી વેરી છે તારાજી, જોઈએ જનતાની વાતમાં.....
છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ આવેલા વરસાદથી ખેલૈયાઓની મજા તો બગડી જ છે, સાથે જ જગતના તાતને પણ રોવાનો વારો આવ્યો છે.
આસો મહિનામાં અષાઠની જેમ વરસેલા વરસાદે સુત્રાપાડામાં મગફળીના પાકનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે મગફળીનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. નવરાત્રિના સમયે આવેલા વરસાદથી માત્ર મગફળી જ નહીં શેરડી અને નાળિયેરીના બગીચાના હાલ પણ બેહાલ કરી દીધા છે. ભારે વરસાદના કારણે શેરડી અને નાળિયેરીના બગીચામાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
નવરાત્રિ ટાણે જ વેરી બનેલા વરસાદે સૌરાષ્ટ્રમાં મગફળી સહિતના પાકનો કચ્ચરઘાણ કાઢ્યો છે, ત્યારે આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ફૂલોના પાકનો સોથ વળી ગયો છે. હાલ નવરાત્રિ અને પછી દિવાળી આવી રહી છે, જેથી બજારમાં ફૂલોની ખૂબ માગ છે. ત્યારે પૈસા કમાવાના સમયે જ આવેલા વરસાદ ઉમરગામના ફૂલોના બગીચાનો સત્યાનાશ વાળી દીધો છે.તોફાની પવન સાથે આવેલા વરસાદના કારણે ફૂલોના છોડ કાં તો જમીનદોસ્ત થઈ ગયા છે. કાં તો મૂળમાંથી જ ઉખડી ગયા છે. એટલે કે તહેવારટાણે જ ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો મેઘરાજાએ છીનવી લીધો છે.
સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળીનો પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા. તો વલસાડના ખેડૂતોએ તહેવારોના સમયમાં સારી કમાણીની આશાએ ફૂલોની ખેતી કરી હતી. પરંતુ આ ખેડૂતોને ક્યાં ખબર હતી કે જેની ખેડૂતો કાગડોળે રાહ જોતા હોય છે એ જ વરસાદ વેરી બનશે, અને તેમની તમામ આશાઓ પર પાણી ફેરવી દેશે.