ગુજરાતમાં સંગ્રહખોરી અને જમાખોરી કરનારા પર સરકારની લાલ આંખ, 38 જરૂરિયાતી વસ્તુઓ પર સરકારની બાજ નજર

Gujarat Government : પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓની સરળ ઉપલબ્ધિ અને ભાવ નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતર્ક... હાલની પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાએ મળી રહે તે માટેનું સુદ્રઢ વ્યવસ્થાતંત્ર ગોઠવવાના દિશાનિર્દેશો આપ્યા  

ગુજરાતમાં સંગ્રહખોરી અને જમાખોરી કરનારા પર સરકારની લાલ આંખ, 38 જરૂરિયાતી વસ્તુઓ પર સરકારની બાજ નજર

Gandhinagar News : મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સંપૂર્ણ પ્રબંધ કર્યો છે. તેની વિગતો આપતાં અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવ આર. સી. મીનાએ જણાવ્યુ છે કે, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા કલેક્ટર્સને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. 

આ માટે ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય સરકાર તથા દરેક જિલ્લા કલેક્ટર્સ દ્વારા દરરોજ કરવામાં આવે છે. આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રિટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.

જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે તેમ અગ્ર સચિવે જણાવ્યું છે.

છેલ્લા ૬ વર્ષમાં હાલ ખાદ્ય પદાર્થોનો છૂટક ફુગાવો (રીટેલ ઈન્ફ્લેશન) સૌથી ઓછા સ્તરે છે. એટલું જ નહિ, તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તે ઉપરાંત ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ ચાલુ છે. 

આ સમગ્ર બાબતોને ધ્યાને લઇને તમામ નાગરિકો કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં અને રાજ્ય સરકાર તથા જિલ્લા વહીતંત્ર પર વિશ્વાસ સાથે સંપૂર્ણ સહકાર આપે તેવો અનુરોધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news