ત્રણ મોરચે ગુજરાત સરકારની અગ્નિપરીક્ષા... વાવાઝોડું, કોરોના અને મ્યુકોરમાઈકોસિસ

ત્રણ મોરચે ગુજરાત સરકારની અગ્નિપરીક્ષા... વાવાઝોડું, કોરોના અને મ્યુકોરમાઈકોસિસ
  • સરકાર માટે હાલ સૌથી મોટી ચેલેન્જ આ વાવાઝોડું બન્યુ છે. જે ગુજરાતના દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર સુધીના અનેક જિલ્લાઓને અસર કરશે
  • NDRFની ૨૪ ટીમ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત કરાઈ. ઝીરો’ કેઝ્યુઆલીટીના કોન્સેપ્ટ સાથે વાવાઝોડાના પરિણામે કોઇપણ મૃત્યુ ન થાય તે જોવા જિલ્લા તંત્રને સૂચના અપાઇ

ઝી મીડિયા/બ્યૂરો :જ્યારથી કોરોના મહામારી ભારતમાં પ્રવેશથી ત્યારથી ગુજરાત આ મહામારી સામે લડી રહ્યું છે. કોરોનાનો ગ્રાફ ગુજરાતમાં સતત અપડાઉન થતો રહે છે. બીજી લહેરમાં કોરોના પર માંડ કાબૂ મેળવ્યો, ત્યા મ્યુકોરમાઈકોસિસે (mucormycosis) દસ્તક આપી. હજી કોરોનાથી બીજી વેવ સામે ગુજરાત માંડ માંડ બેઠુ થઈ રહ્યુ છે, ત્યાં આ બીમારી લોકો માટે ઘાતક બની છે. ગુજરાત સરકાર હાલ બંને મોરચે લડી રહી છે. ત્યાં હવે ગુજરાત સરકારની વધુ એક કસોટી લેવાઈ રહી છે. તૌકતે વાવાઝોડુ (Cyclone Tauktae) હવે ગુજરાતને ધમરોળવા જઈ રહ્યું છે. આવામાં સરકાર માટે હાલ સૌથી મોટી ચેલેન્જ આ વાવાઝોડું બન્યુ છે. જે ગુજરાતના દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર સુધીના 17 થી વધુ જિલ્લાઓને અસર કરશે. આમ, ગુજરાત સરકારની હાલ ત્રણ મોરચે અગ્નિપરીક્ષા છે. વાવાઝોડું, કોરોના અને મ્યુકોરમાઈકોસિસ...

વાવાઝોડા સામે લડવા ગુજરાત સરકારનું આયોજન 
વાવાઝોડાની મુવમેન્ટ પર સતત નજર રાખીને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આગોતરી (Cyclone Alert) વ્યવસ્થાઓ ગોઠવાઇ રહી છે. NDRFની ૨૪ ટીમ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત ઝીરો’ કેઝ્યુઆલીટીના કોન્સેપ્ટ સાથે વાવાઝોડાના પરિણામે કોઇપણ મૃત્યુ ન થાય તે જોવા જિલ્લા તંત્રને સૂચના અપાઇ છે. ભારત સરકારે ફાળવેલી NDRFની ૨૪ ટીમ રાજ્યના દરિયાકિનારાના જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની પણ ૬ ટીમ કાર્યરત કરી દેવાઇ છે ઉપરાંત BSF, પોલીસ, ફાયરબ્રિગેડને પણ સતર્ક અને સજ્જ કરી દેવાયા છે. સાથે જ દરિયા કાંઠાના જિલ્લાઓની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન સપોર્ટ અને ICUના દર્દીઓ સુરક્ષીત રહે અને જરૂર જણાય નજીકના જિલ્લાની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વ્યવસ્થાઓ કરાશે. એડવાન્સ લાઇફ સર્પોટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ અને ICU એમ્બ્યુલન્સ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી શિફ્ટ કરીને જામનગર, રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે. 

કોરોના અને મ્યુકોરમાઈકોસિસ
ગુજરાતમાં કોરોનાના કેસ ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યાં છે. કોરોનાના કેસ હવે પાંચ ડિઝીટને બદલે ચાર ડિઝીટમાં સમાઈ રહ્યા છે. જે બતાવે છે કે, કોરોનાની બીજી લહેરની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. પરંતુ સંકટ હજી પૂરેપુરુ ટળ્યુ નથી. આવામાં મ્યુકોરિમાઈકોસિસનો કહેર ગુજરાતના મોટાભાગના શહેરોમાં છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં તેના કેસ વધી રહ્યાં છે. તો સામે ઈન્જેક્શનની અછતની બૂમો પડી રહી છે. સરકાર સામે જેમ કોરોનાના ઈન્જેક્શન પૂરા પાડવા મોટી ચેલેન્જ હતી, તેમ હવે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન અને દવાઓનું મેનેજમેન્ટ જરૂરી બની ગયું છે. 

આમ, ગુજરાતમાં હાલ રૂપાણી સરકારની ત્રણ મોરચે અગ્નિ પરીક્ષા છે. વાવાઝોડું, કોરોના અને મ્યુકોરમાઈકોસિસ... આમાં સરકાર પાસ થાય છે કે ફેલ તે તો સમય બતાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news