)
Gandhinagar News : ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજથી SIR શરૂ થઈ ગયું છે. ત્યારે આ વચ્ચે ગાંધીનગરથી મોટો આદેશ છૂટ્યો છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલા કર્મચારીઓની બદલી ન કરવા આદેશ કરાયો છે.
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજથી SIR ની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝનમાં 51 કરોડ મતદારો ભાગ લેશે. SIR મતદાર યાદીને સચોટ બનાવવા માટે છે. જેમાં નવા મતદારોની નોંધણી, ડુપ્લિકેટ નામો કાઢવામાં આવશે. મૃત્યુ કે સ્થળાંતર કરનારા મતદારોને દૂર કરવામાં આવશે. 2029ની લોકસભા ચૂંટણી પહેલા મતદાર યાદી મજબૂત કરવાની આ પ્રક્રિયા છે. આ માટે ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલા કર્મચારીઓની બદલી ન કરવા આદેશ કરાયો છે. તેમજ મતદાર યાદી સુધારણા સાથે જોડાયેલ ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચના કરાઈ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી જેવી મહત્વની જગ્યાઓ પરના અધિકારીઓની બદલી ના કરવા સૂચના અપાઈ. આવી મહત્વની જગ્યાઓ જો ખાલી હોઈ તો તાત્કાલિક ભરવા માટે સૂચના કરાઈ છે.
મતદારયાદી સાથે સંકળાયેલા ચાવીરૂપ અધિકારીઓની બદલી પર પ્રતિબંધ
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૧૩ (સીસી) હેઠળ મતદારયાદી તૈયાર કરવાની કામગીરી માટે નિમાયેલા કોઇપણ અધિકારી કે સ્ટાફ તેઓ આ કામગીરી માટે જેટલા સમય માટે નીમવામાં આવ્યા હોય, તેટલા સમય માટે ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી હેઠળ પ્રતિનિયુકિત પર ગણાય છે અને તેઓ ચૂંટણી પંચ, નવી દિલ્હીના નિયંત્રણ, નિરીક્ષણ અને શિસ્ત હેઠળ ગણાય છે. આ જોગવાઈને આઘીન ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીએ ચાવીરૂપ અધિકારીઓ જેવા કે, જિલ્લા ચૂંટણી અધિકારીઓ, અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંઘણી અઘિકારીઓ અને મદદનીશ મતદાર નોંઘણી અઘિકારીઓ વગેરેની બદલી આ કામગીરી શરૂ થયાથી કામગીરી પૂરી થાય ત્યાં સુધી ચૂંટણી પંચ, નવી દિલ્હીની પૂર્વ મંજુરી સિવાય કરવી નહીં, તેવી સૂચના આપી છે. આથી તેનો ચુસ્ત અમલ કરવા સર્વે સંબંધિતોને જણાવવામાં આવે છે. જો કોઈ કિસ્સામાં ઉપર્યુકત અધિકારીઓ એટલે કે, જિલ્લા ચૂંટણી અધિકારીઓ, અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ કે મતદાર નોંઘણી અધિકારીઓ/મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની બદલી કરવી અનિવાર્ય હોય તો તે અંગે મુખ્ય નિર્વાચન અધિકારી મારફત ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીને સંપૂર્ણ વિગતો સાથે દરખાસ્ત મોકલવાની રહેશે. આ અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટે પણ આ જ ધારાધોરણ લાગુ પડશે.
મતદારયાદી ખાસ સઘન સુઘારણા (Special Intensive Revision)ના કાર્ય સાથે સંકળાયેલા પદનામિત અધિકારી તરીકે જે કર્મચારીઓને નિમણૂક આપવામાં આવે તેવા કર્મચારીઓની બદલી કરવામાં આવે, તો આ કાર્યક્રમને વિપરીત અસર પડે. આથી, જે કર્મચારીઓને મતદારયાદીના પદનામિત અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવે, તે કર્મચારીની બદલી સંબંધિત જિલ્લાના કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ કરવામાં આવે, તે જોવા પણ સંબંધકર્તા સર્વેને જણાવવામાં આવે છે.
મતદારયાદી સાથે સંકળાયેલા ચાવીરૂપ અધિકારીઓની રજા પર પ્રતિબંઘ
આ ઉપરાંત, મતદારયાદી ખાસ સઘન સુધારણા (Special Intensive Revision) કાર્યક્રમનું યોગ્ય સંકલન અને સુપરવિઝન થાય તે હેતુથી, આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીઓએ લાંબી રજા પર જતાં પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની તેમજ મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓએ લાંબી રજા પર જતાં પૂર્વે ફરજિયાતપણે જિલ્લા ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવા આથી જણાવવામાં આવે છે.
ચોકકસ પ્રકારના અધિકારીને નિયુક્ત કરવા પર પ્રતિબંઘ :
આ અગાઉ કોઇ મતદારયાદી સુધારણા કાર્યક્રમ કે ચૂંટણી દરમ્યાન બિનકાર્યક્ષમ કામગીરી કે ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચનાઓનો હેતૂપૂર્વક અનાદર કરવા બદલ જેઓની બદલી કરવામાં આવી હોય તેવા અધિકારી/કર્મચારીઓને ચૂંટણી અંગેની કામગીરી કે મતદારયાદી ખાસ સઘન સુધારણા (Special Intensive Revision)ની કામગીરી સુપરત ન કરવા ભારપૂર્વક જણાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી આયોગ (ECI) દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં **સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)**નો ગણતરી તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. આ કાર્યક્રમ મતદાર યાદીને સચોટ બનાવવા માટે છે, જેમાં નવા મતદારોની નોંધણી, ડુપ્લિકેટ નામો કાઢવા અને મૃત્યુ/સ્થળાંતર કરનારા મતદારોને દૂર કરવાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ કાર્યક્રમ ઘરે-ઘરે પહોંચીને ચલશે, જે 2029ની લોકસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીને મજબૂત બનાવશે.